ચાણક્ય પોતાના આશ્રમને છોડી નીકળ્યા પછી કેટલેક દિવસે મગધદેશમાં આવી પહોંચ્યો. મગધદેશમાં આવતાં જ તેના મનમાં વિચારોની આ પ્રમાણેની પરંપરા ઉદ્ભવવા લાગી “મારા શિષ્ય દ્વારા મગધદેશને પરાજિત કરવાનો છે, પરંતુ એ કાર્ય, સૈન્ય લાવી ધનાનન્દનો પરાજય કરીને સાધી શકાય તેવું નથી. કારણ કે, મગધદેશનો સેનાપતિ અને તેનું સૈન્ય ઘણાં જ મોટાં અને અજેય છે. મારા શિષ્યની સેના એટલે ભિલ્લ, કિરાત અને એવા જે બીજા જંગલી લોકોની બનેલી સેના – તેમની પાસે ધનુષ્ય બાણ, પરશુ, કરવાલ ઈત્યાદિ હથિયારો ઉપરાન્ત બીજાં હથિયારો નથી અને તેમની સંખ્યા પણ ઘણી જ ઓછી છે. એવી સ્થિતિમાં સૈન્યને લાવી મગધદેશપર ચઢાઈ કરવી, એટલે પોતાનો નાશ પોતાના હાથે જ કરી લેવા જેવું છે. માટે મારે મગધદેશમાં રહીને અહીંની અંતર્વ્યવસ્થામાં કેટલો ભેદ થવો શક્ય છે, તે જોવું જોઈએ. કોઈ અલ્પ બળવાળા મનુષ્યની એક મજબૂત ઘરને તોડી પાડવાની ધારણા હોય, તો તેના પર બહારથી પ્રહાર કરવાને બદલે નીચેથી તેવા પાયાને નિર્બળ કરી રાખવાની પ્રથમ વ્યવસ્થા કરવી જોઈએ અને પછી પ્રહાર કરવો – એટલે એકદમ તે ઘર જમીનદોસ્ત થવાનું જ. એ યુક્તિ વિના ઇષ્ટ હેતુ સાધ્ય થઈ શકે તેમ નથી. અર્થાત્ ધનાનન્દના રાજ્ય પર ખુલ્લી રીતે આક્રમણ કરવા પહેલાં તેના અંદરના પાયાને કોતરીને પોકળ બનાવી દેવો જોઈએ. તેના જે આધારસ્તંભો હોય, તેમને કાઢી લેવા જોઈએ અને જે જે શક્તિમાન્ મનુષ્યોનો કોઈ પણ કારણથી રાજા ઉપર કોપ થએલો હોય, તે સર્વને વશ કરીને પોતાના પક્ષમાં લઈ લેવા જોઈએ. એવી રીતે અંદરની બધી વ્યવસ્થા થઈ કે, પછી બહારથી ફટકો લગાવવાનો જ વિલંબ.
સારાંશ કે પછી આપણી ઇચ્છા પ્રમાણે ન થાય એવું કાંઈપણ નથી રહેવાનું. માટે મારે જે બુદ્ધિ પરાક્રમ કરવાનું છે, તે એટલું જ કે, પ્રથમ ધનાનન્દનાં મર્મસ્થાનો ક્યાં છે, તે શોધી કાઢવાં જોઈએ. એ કાર્ય સાધ્ય થઈને રાજાનાં મર્મસ્થાનો જો હાથમાં આવ્યાં, તો પછી આઘાત કરીને ધનાનન્દને જર્જરિત કરવામાં કશી પણ કઠિનતા પડે તેમ નથી.” એવો વિચાર કરીને જ ચાણક્ય પાટલિપુત્રમાં આવ્યો હતો. “ હું પાટલિપુત્રમાં ગયો અને ખટપટમાં લાગ્યો, તો કોઈ મને ઓળખી તો નહિ કાઢે ?” એવી એકવાર તેના મનમાં શંકા આવી, પણ “ હું રાજસભામાં માત્ર એકજવાર ગયો હતો, અને તેને પણ લગભગ આજે ત્રણ વર્ષ થવા આવ્યાં. માટે મને કોઈ ઓળખે એવો સંભવતો નથી જ અને કદાચિત્ કોઈ ઓળખશે જ, તો તે સમયે જોઈ લઈશું. કાર્ય કરવાની ઇચ્છા ધરનારે દૂર દૂરદૃષ્ટિ પહોંચાડીને પોતાને જે કાંઈપણ કરવાનું હોય તે કરવું જ; પ્રારંભમાં જ અનેક વિધ સંકટોની કલ્પના કરીને સર્વ કાર્યો સંકટરૂપ છે, એવું ચિત્ર પોતાનાં નેત્રો સમક્ષ ઊભું કરવાથી કાર્ય કોઈ કાળે પણ સિદ્ધ થતું નથી. માટે બુદ્ધિમાન પુરુષે સાધારણ વિચાર કરીને કાર્યોનો આરંભ કરવો અને પછી જેમ જેમ સંકટો આવતાં જાય, તેમ તેમ તેમના નિવારણના ઉપાયોની યોજના કરવી.” એવા નિશ્ચયથી તે શંકાને મનમાંથી કાઢી નાખીને ચાણક્યે ઘણી જ ગંભીરતાથી પાટલિપુત્રમાં પ્રવેશ કર્યો.
પાટલિપુત્ર નગરમાં આવ્યા પછી હવે ઉતરવું કયાં? એનો તેને ઘણો જ વિચાર થઈ પડયો. કોઈ બ્રાહ્મણને ત્યાં જઈને ઊતરી શકાય તેમ હતું, પણ તેવા કોઈ બ્રાહ્મણથી તેને પરિચય નહોતો. માટે પ્રથમ જે સ્થાન મળે ત્યાં જવું, એવો વિચાર કરીને તે શોણ નદીના તીર૫રથી ચાલ્યો જતો હતો, એટલામાં સામેથી આવતા એક બુદ્ધભિક્ષુએ તેને જોયો. તેની મુખમુદ્રાપરથી તે ભિક્ષુક તત્કાળ પામી ગયો કે, “આ બ્રાહ્મણ કોઈ નવોસવો આવેલો પુરુષ છે અને તે ક્યાં ઉતરવું એના વિચારમાં હોય એમ જણાય છે.” એ સમયમાં બુદ્ધભિક્ષુકોનો મગધદેશમાં થોડો થોડો પ્રસાર થવા લાગ્યો હતો અને બ્રાહ્મણ તથા ક્ષત્રિયોને પોતાના ધર્મમાં લાવવાનો તેમનો પ્રયત્ન ચાલુ હતો. પરંતુ તેમના એ પ્રયત્નને અદ્યાપિ વિશેષ ઉગ્ર અને ભયંકર સ્વરૂપની પ્રાપ્તિ થએલી નહોતી – બુદ્ધધર્મ તે એક મોટું અરિષ્ટ છે, એવી હજી લોકોની ભાવના થએલી નહોતી. માત્ર કટ્ટા બ્રાહ્મણધર્મને માનનાર લોકો જ તેમનો તિરસ્કાર કરતા હતા. અર્થાત્ બુદ્ધભિક્ષુને જોતાં જ ચાણક્યની મુખચર્યા પ્રચંડ બની ગઈ; અને બુદ્ધભિક્ષુક હાસ્યયુક્ત મુદ્રા કરીને “नमो अरिहंताणम्” એમ કહીને તેની સમક્ષ આવી ઊભો. રહ્યો. એથી તો ચાણક્યની મુખમુદ્રા અધિક તિરસ્કારયુક્ત બની, એ જોઈને બુદ્ધભિક્ષુને વધારે હસવું આવ્યું અને તેથી તે તેને કહેવા લાગ્યો કે, હે બ્રાહ્મણ શ્રેષ્ટ, તું મારો તિરસ્કાર કરે છે, તે હું સારીરીતે જાણું છું; પરંતુ પોતાનો જે તિરસ્કાર કરતો હોય, તેને જ સહાયતા કરવી, એવી મને બુદ્ધદેવની આજ્ઞા મળેલી છે – હું તે પ્રમાણે જ વર્તીશ. તું આ નગરમાં નવો આવેલો છે, એમ તારી ચર્યાને જોતાં સ્પષ્ટ જાણી શકાય છે. માટે તું મારી સાથે ચાલ – મારા વિહાર પાસે શ્રી કૈલાસનાથનું મંદિર છે ત્યાં હું તારા રહેવાની સઘળી યોગ્ય વ્યવસ્થા કરી આપીશ. તારું આવી રીતે આતિથ્ય કરવામાં મારા મનમાં કોઈ પણ પ્રકારની પાપબુદ્ધિ છે, એવી શંકા માત્ર પણ ન કરતાં નિશ્ચિન્ત રહેજે.”
એ બુદ્ધભિક્ષુ પોતે વૃદ્ધ હતો અને તેનું એ ભાષણ ઘણું જ પ્રેમથી ભરેલું હતું. ચાણક્યને પણ ઉતારા માટે જગ્યાની જરૂર તો હતી જ. તેથી તેટલા સમયને માટે પોતાના બુદ્ધો માટેના તિરસ્કારને દૂર કરીને ચાણક્યે તે બુદ્ધભિક્ષુના આમંત્રણને સ્વીકારવાનો નિશ્ચય કર્યો અર્થાત્ તેનો સ્વીકાર કર્યો.
બુદ્ધભિક્ષુકે તેને પોતાના વિહારમાં લઈ જઈને પાસેના કૈલાસનાથના મંદિરમાં તેને રહેવાની બધી ગોઠવણ કરી આપી. બુદ્ધભિક્ષુના એ સત્કારનો તેણે ઘણા જ કષ્ટથી સ્વીકાર કર્યો. જોકે ચાણક્યના મનમાં તો એને માટે પશ્ચાત્તાપ થતો જ હતો; પરંતુ તે જ રાત્રે એક નવીન ચમત્કાર થવાથી તેનો તે પશ્ચાત્તાપ દૂર થયો અને તેને સ્થાને આનંદનો ભાવ આવીને વિલસી રહ્યો.
હમણાં જ આપણે કહી ગયા છીએ કે, એ સમયે ઉત્તરભારતવર્ષમાં બૌદ્ધ મતનો પ્રસાર કાંઈ ઘણા બળથી થતો નહોતો. પરન્તુ એ ધર્મમતની વિરુદ્ધ ગમે તેટલી ખટપટ કરીને તેનો પ્રસાર થાય, તે પહેલાં તે તેને છિન્ન ભિન્ન કરી નાંખવાના પ્રયત્નો પણ કાંઈ તેવા બળપૂર્વક પ્રચલિત થયા નહોતા. ક્વચિત્ કોઈ એક બ્રાહ્મણ, થોડાક ક્ષત્રિયો, તેટલા જ પ્રમાણમાં વૈશ્ય અને તેથી થોડાક અધિક શુદ્રો ધીમે ધીમે બૌદ્ધધર્મમાં જતા હોય, એવાં ચિન્હો દેખાવા લાગ્યાં હતાં. પણ એ ઊપરથી કાંઈ એમ ધારવાનું નથી કે, સ્વધર્મના પ્રસાર માટે બુદ્ધભિક્ષુઓના પ્રયત્નો ચાલતા નહોતા, તેમના પ્રયત્નો તો ચાલુ જ હતા; પરંતુ અદ્યાપિ બ્રાહ્મણ ધર્મી રાજા કિંવા બ્રાહ્મણ આચાર્યના પોતાના અથવા તો કુલપતિઓના મનમાં તેમનું પરિણામ થઈ શકે, એટલા બધા તે પ્રયત્નો પ્રબળ થયા ન હોતા. એ એક જેવો તેવો ગાંડો ધર્મ છે – કેટલાંક માણસો એને માને છે અને કેટલાક નથી પણ માનતા, એવી ભાવનાથી બૌદ્ધધર્મ પ્રતિ રાજ્યકર્તાઓ દુર્લક્ષ કરી જતા હતા. માત્ર કટ્ટા બ્રાહ્મણો જ એનો બહુ તિરસ્કાર કરતા હતા અને તે એટલે સૂધી કે, બુદ્ધના નામનું ઉચ્ચારણ કરવું, એ પણ તેમને પાપજનક ભાસતું હતું. પરંતુ તેમનું જડમૂળથી ઉચ્છેદન થવું જોઈએ, એટલી ભાવના સુધી તેઓ પણ પહોંચ્યા નહોતા. પાટલિપુત્રમાં આવતાં જ પ્રથમ બુદ્ધભિક્ષુનો ભેટો થયો અને તેણે જ આશ્રય આપ્યો, એ ચાણક્ય મુનિને સારું લાગ્યું નહિ, પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “જ્યારે મારે અહીં ગુપ્ત રહીને જ મારું કામ કરી લેવાનું છે, ત્યારે આની સહાયતા લેવી અને આની ન લેવી, એમ કરવાથી કશો પણ લાભ થવાનો નથી. વળી એ બુદ્ધભિક્ષુ મને કાંઈ પોતાના વિહારમાં આવવાનો આગ્રહ કરતો નથી. એણે મને શ્રીકૈલાસનાથના મંદિરમાં રહેવાની ગોઠવણ કરી આપી છે, તે પછી મારે વાંધો શા માટે કાઢવો જોઈએ?” એ વિચારથી બૌદ્ધો માટેના તેના તિરસ્કારમાં કાંઈક ન્યૂનતા થતી જોવામાં આવી.
શ્રી કૈલાસનાથનું મંદિર ઘણું જ વિશાળ અને રમણીય હતું. એ મંદિરની આસપાસ એક મોટું અને સુશોભિત ઉપવન શોભી રહ્યું હતું અને તેને પુષ્પવાટિકાના નામથી ઓળખવામાં આવતું હતું. એ પુષ્પવાટિકામાં અનેક સ્થળે બીજાં પણ કેટલાંક નાનાં નાનાં દેવાલયો જોવામાં આવતાં હતાં, અને તે પ્રત્યેક દેવાલયના અગ્રભાગમાં એક એક સુંદર પુષ્કરિણી (નાનું તળાવ) આવેલી હતી. એ પુષ્કરિણીઓ પાસે જ પોતપોતાનાં પવિત્ર આહ્ભિક કર્મો કરવા માટે પાષાણનાં અનેક ઉચ્ચ આસનો બાંધેલાં હતાં અને તેમનાપર બેસીને બ્રાહ્મણો પોતાનાં કર્મો કરતા હતા. હિરણ્યવતી નામની એક નાનકડી નદી પુષ્પપુરીની એક બાજૂએ વહેતી હતી, તેમાંનું પાણી નળ બાંધીને એ પુષ્કરિણીએામાં લેવામાં આવ્યું હતું. એવી જ રીતે એ પુષ્પવાટિકાના એક ભાગમાં એક કૃત્રિમ વન બનાવીને તેમાં દર્ભના રોપાઓ પણ વાવવામાં આવ્યા હતા. સારાંશ કે, કર્મનિષ્ટ અને તપોનિષ્ઠ બ્રાહ્મણો માટે પોતાનાં પવિત્ર કર્મો શાંતિ અને સ્વસ્થતાથી કરવાને જેવું સ્થાન જોઈએ તેવું એ યોગ્ય સ્થાન હતું, બુદ્ધભિક્ષુની આજ્ઞા લઈને ચાણક્ય શ્રી કૈલાસનાથના મંદિરમાં ગયો અને તે મંદિરને જોતાં જ તેના મનમાં અવર્ણનીય આનંદ થયો.
ચાણક્યે પોતાનાં સર્વ આહ્ભિક કર્મો કર્યાં અને એ કાર્યથી મુક્ત થતાં જ બુદ્ધભિક્ષુએ તેને પૂછાવ્યું કે, “ભોજન માટે સીધું મોકલું કે કાંઈ ફલ મૂળની વ્યવસ્થા કરું?” એનો હવે કેટલોક ઉપકાર લેવો, એ વિચારથી પુન: તેને સંકોચ થવા લાગ્યો અને અંતે તેણે “આહ્ભિકની સમાપ્તિ થતાં હું આ૫ની પાસે આવું છું અને પછી જે વ્યવસ્થા કરવાની હશે તે કરીશું.” એ પ્રમાણેનો સંદેશો કહાવ્યો. બુદ્ધિભિક્ષુ પામી ગયા કે, “બ્રાહ્મણ મારી પાસેથી ભેાજન સામગ્રી લેતાં સંકોચાય છે, પણ તે આવશે એટલે તેનું સમાધાન કરીશું.” એમ ધારીને તે સ્વસ્થ રહ્યો. ચાણક્ય પોતાના આહ્ભિક કર્મની સમાપ્તિ કરીને “હવે શું કરવું?” એવા વિચારમાં ઊભેા હતો, એટલામાં બુદ્ધભિક્ષુ તરફથી વળી પણ એક માણસ આવ્યો અને તેણે કહ્યું કે, “બ્રહ્મર્ષિના નિત્ય કર્મની સમાપ્તિ થઈ હોય, તો ભિક્ષુ વાટ જોતા બેઠા છે, માટે ત્યાં પધારવાની કૃપા કરશો.” પ્રથમ તો આ બધા પ્રકારથી ચાણક્યને એવી શંકા થઈ કે, આ બધો તે પોતાનો દંભ જ બતાવે છે, અને તેથી તેને ઝટકાવી નાખવામો પણ તેણે વિચાર કર્યો. પરંતુ સત્વર જ તેનો એ વિચાર બદલાઈ ગયો. તેના મનમાં આવી ભાવનાઓ થવા લાગી, “હું આ નગરમાં જે કાર્ય માટે આવેલો છું, તે કાર્ય જો સિદ્ધ જ કરવું હોય, તો કઈ વેળાએ કોની સહાયતાની જરૂર પડશે, એનો નિશ્ચય નથી. માટે સ્વાર્થી મનુષ્ય અતિશય નીચ મનુષ્યથી તે ઉચ્ચતમ પદવીના મનુષ્ય પર્યન્ત સર્વનો સ્નેહ એક સરખી રીતે જ મેળવવો જોઇએ. નકામીમાં નકામી વસ્તુનો સંગ્રહ કરવો. અમુક વસ્તુ તો તુચ્છ અને તિરસ્કરણીય અને અમુક જ માત્ર સંગ્રહ કરવા યોગ્ય છે, એમ ધારવાથી પરિણામે હાનિનો જ સંભવ થાય છે. સર્વ વસ્તુઓને અને સર્વ મનુષ્યોને સમય આવ્યો કે સારી રીતે ઉપયોગ કરી શકાય છે.” એવી રીતે મનમાં જ નીતિના વિચારોની શૃંખલાને ગોઠવીને તેણે પોતાની જિહ્વાને કાબૂમાં રાખી અને તે સંદેશો લઈને આવેલા માણસને “હું પાછળ પાછળ આવું છું. તું આગળ ચાલ.” એવું શાંત ઉત્તર આપ્યું. થોડી જ વેળામાં ચાણક્ય તે બુદ્ધભિક્ષુ પાસે જઈ પહોંચ્યો.
બુદ્ધભિક્ષુ તો ચાણક્યની વાટ જોતો જ બેઠો હતો. તેણે ચાણકયનું આગમન થતાં જ પોતે ઊઠીને નમસ્કાર પૂર્વક તેનો સત્કાર કર્યો, અને પાછો ભેાજન વિશે પ્રશ્ન કર્યો, એ પ્રશ્ન સાંભળતાં જ ચાણક્યના મનમાં પુનઃ કિંચિત્ સંકોચ થતાં તે બુદ્ધભિક્ષુને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ભિક્ષો ! આપ મને જો ધાન્ય આદિ પદાર્થો ક્યાં મળે છે, એટલું જ માત્ર બતાવશો અથવા તો બજાર ક્યાં છે, તે બતાવવાને પોતાનું માણસ સાથે આપશો, તો મારી પાસે પૈસા છે. હું ધાન્ય આદિ વેચાતું લઈ આવીને ભેાજન કરીશ. આપે વિના કારણ મારા માટે શ્રમ લેવાની કાંઈ પણ અગત્ય નથી. આપે જે મને આટલી બધી સહાયતા આપેલી છે, એ પણ આપનું મારા શિરે કેટલું બધું ઋણ થએલું છે. વળી આપના જેવાનું ઋણ કદાપિ ફેડી શકાય તેવું નથી હતું. કારણ કે, બદલાની આપના હૃદયમાં આશા જ નથી. ઉપકાર એવા મનુષ્યનો લેવો જોઈએ કે, કોઈ વાર આપણે પણ તેના પર ઉપકાર કરી શકીએ. માટે……… ”
ચાણક્યનું એ ભાષણ સાંભળીને બુદ્ધભિક્ષુ કિંચિત્ હસ્યો અને એનું ઉત્તર આપતો બોલ્યો કે, “બ્રહ્મવર્ય ! તારું બોલવું અક્ષરે અક્ષર સત્ય છે; પરંતુ કોઈ પણ અન્ન દાન આપતું હોય, તો તેનો અનાદર કરવો નહિ, એ બ્રાહ્મણોના કર્તવ્યને તું ભૂલી કેમ જાય છે? વળી હું તને કાંઈ રાંધેલું અન્ન આપતો નથી. ભગવાન્ ગૌતમે અમને એવો ઉપદેશ આપેલો છે કે, અતિથિનો સત્કાર કરવો, એ સર્વથી શ્રેષ્ટ અને અત્યંત મહત્ત્વનું કાર્ય છે. આજે તું નવો સવો જ આ નગરમાં આવેલો છે, અને અત્યારે અપરાહ્ન કાળ થવા આવ્યો છે; માટે આજે તો અહીં જ ફળમૂળ આદિનો આહાર કરી લે. આવતી કાલે જેમ તારી ઇચ્છા હોય તેમ કરજે. હું તેમાં બિલકુલ હરકત કરનાર નથી. મારી વિનંતિ એટલી જ છે કે, જ્યાં સુધી તું આ પાટલિપુત્રમાં હોય ત્યાં સુધી મારાથી જે આપી શકાશે, તે સહાયતા આપવાને તૈયાર છું. એ સહાયતા માગવામાં રંચમાત્ર પણ સંકોચ કરીશ નહિ. અમે ભગવાન બુદ્ધ દેવના શિષ્ય થયા, માટે અમારી અધમોમાં ગણના કરવાનું કાંઈપણ કારણ નથી.”
ભિક્ષુનું એ ભાષણ સાંભળીને ચાણક્ય એકદમ ચૂપ થઈ ગયો. ત્યાર પછી પોતાના મુખ આગળ ધરવામાં આવેલાં ફળ મૂળમાંથી જે કાંઈ ગમ્યું, તે લઈને તે પુષ્કરિણી પાસે ગયો અને ત્યાં બેસીને તેણે ફલ-આહાર કર્યો. ફલાહાર કરી લેવા પછી હવે શું કરવું? એના વિચારમાં લીન થઈને તે બેઠો. એટલામાં સૂર્યાસ્તનો સમય થયો. સર્વ મંદિરોમાં અને જૂદાં જૂદાં ન્હાનાં દેવાલયોમાં દીપકોને જાગૃત કરવામાં આવ્યા. ઉપવનમાંનાં વૃક્ષેામાં માળા બાંધીને રહેલાં સર્વ પક્ષીઓ પોતપોતાના માળાઓમાં પાછાં આવવા લાગ્યાં. એથી ચાણક્ય પોતાના સાયંસંધ્યા આદિ વિધિ કરી લેવાના પ્રયત્નમાં લાગ્યો. સર્વ વિધિ થઈ રહ્યા પછી તે મનસ્વી વિચાર કરવા લાગ્યો કે, “હું જે આ પાટલિપુત્રમાં આવ્યો છું, તે કાંઈ કેવળ બ્રહ્મ કર્મ કરીને ઉદર નિર્વાહ કરવા માટે આવ્યો નથી. ત્યારે આમ બેસી રહેવાથી શો લાભ? ધનાનન્દ રાજાના મર્મસ્થાનો ક્યાં ક્યાં છે અને તેના ઘરમાં બાકોરું પાડવાની જગ્યા ક્યાં છે તેમ જ કયા ઉપાયથી લોકોનું મન એનાથી વિરુદ્ધ થઈ શકશે, એ સઘળી વાતોનો મારે શોધ કરવાનો છે, એવી સ્થિતિ હોવાથી આપણે આના આતિથ્યનો સ્વીકાર કેમ કરવો અને આમ કેમ બની શકે ? વિગેરેના વિચારનો આ સમય નથી. ગુરુ પુત્રને મૃતસંજીવનીનો લાભ થયો, તે શુક્રાચાર્યના ઉદરમાં પ્રવેશ કરવાથી જ થયેા. ત્યારે મારે પણ આ મગધદેશના લોકો સાથે હળી મળીને અંતઃસ્થ રહસ્યો શાં શાં અને કેવાં કેવાં છે, તે જાણી લેવાં જોઈએ. એમ થશે, તો જ સર્વ પ્રકારની માહિતી મળતાં ભવિષ્યમાં વ્યૂહની રચના કેવી રીતે કરવી, તે જાણી શકાશે.
માટે હવે રહસ્યો કઢાવવાનો જે આરંભ કરવાનો છે, તેનું બુદ્ધભિક્ષુકથી જ મંગળાચરણ કરીએ તો શું ખોટું છે? પોતાના ધર્મનો પ્રસાર રાજકુળમાં પણ થાય એવી ભાવના તો એ બુદ્ધભિક્ષુના મનમાં પણ હશે જ. એથી રાજકુળમાં એકંદર શા શા વ્યવહારો ચાલે છે, એનું કાંઈક પણ જ્ઞાન એણે મેળવેલું હોવું જ જોઇએ. એ સર્વ કારણોને લીધે હાલમાં ચાર દિવસ–નહિ, મારી પ્રતિજ્ઞા પ્રમાણે નંદવંશને જડમૂળથી ઉચ્છેદ કરીને મારા પ્રિય શિષ્યને મગધદેશના સિંહાસનપર બેસાડવાનું કાર્ય સિદ્ધ ન થાય,- ત્યાં સુધી આ કર્મકાંડને હવે હું બંધ રાખીશ, ક્ષાત્ર ધર્મ – મેં આજ સુધીમાં જો કે એ ધર્મને યોગ્ય કોઈ પણ કૃત્ય કરેલું નથી – પરંતુ તે શિષ્ટ કૃત્યો શિષ્યના હસ્તે કરાવવાનાં છે-માટે તે ક્ષત્રિય ધર્મનું મારે આચરણ કરવું જોઇએ. અર્થાત્ એ કાર્યની સફળતા થાય, ત્યાં સુધી બ્રાહ્મણ ધર્મને થોડોક સંકુચિત કરી નાંખવો જોઇએ. આ બૌદ્ધધર્મનો ભિક્ષુ છે, માટે એની સાથે બોલાય નહિ અને એની સાથે વ્યવહાર રખાય નહિ, એ નિયમોનું અવલંબન મારાથી કેમ કરી શકાય? ચાલ ત્યારે હમણાં તો બુદ્ધભિક્ષુ પાસે જઈને વાતચિત કરતો બેસું. વખતે એમાંથી પણ કાંઈ સાર નીકળે, અને તે ઉપયોગી થઈ પડે – ઈશ્વરની ગતિ કોઈ જાણી શકતું નથી.”
એવો નિશ્ચય કરીને ચાણક્ય બુદ્ધભિક્ષુના વિહારમાં આવી પહોંચ્યો અને બુદ્ધભિક્ષુએ આદર સત્કાર આપ્યા પછી બેસીને તેણે રાજસભા અને અમાત્યગણ વિશેની માહિતી મેળવવાના હેતુથી બે ચાર પ્રશ્ન કર્યા. એથી ભિક્ષુને એવો નિશ્ચય થયો કે, “આ બ્રાહ્મણ કેવળ રાજસભામાં પોતાનો પ્રવેશ કેવી રીતે થાય અને પોતાની સંભાવના કયા માર્ગે થઈ શકે, એવા હેતુથી જ આવા પ્રશ્નને પૂછે છે.” એવી ધારણાથી તે દૃષ્ટિએ તેણે પણ સર્વ માહિતી કહી સંભળાવી અને એવી સૂચના આપી કે, “રાજસભાના કેટલાક અમાત્યો પર જેમનું સારું વજન પડે છે, એવા કેટલાક ધનાઢ્ય શેઠો ગુપ્ત રીતે મારા શિષ્યો થએલા છે, તેમની પાસે તારી વાત કાઢીને હું તારો રાજસભામાં પ્રવેશ કરાવી આપીશ.” પોતાનો સત્ય હેતુ કોઈના જાણવામાં ન આવે, એવી ચાણક્યની ઇચ્છા હોવાથી તેણે પણ “આ૫ જો એટલો શ્રમ લેશો, તો મારું કાર્ય થઈ જશે.” એવા શબ્દો ઉચ્ચાર્યા. અને રાત્રે પોતાના સ્થાને જવા માટે ઊઠવાની તે તૈયારી કરતો હતો, એટલે વળી પણ બુદ્ધભિક્ષુએ કહ્યું કે, “કેમ વહેલો વહેલો ઊઠે છે શા માટે? બેસ, મને હવે કાંઈ કામ નથી. પોતાની પણ કાંઈક વધારે માહિતી હોય, તો મને સંભળાવ.” તેના એ આગ્રહથી ચાણક્ય પાછો ત્યાં બેઠો. ભિક્ષુક તેને કાંઈક પૂછવાના વિચારમાં હતો, એટલામાં એક સ્ત્રી બુદ્ધભિક્ષુ પાસે આવી અને મહા ભક્તિથી નમસ્કાર કરીને કહેવા લાગી કે, “ભગવાન વસુભૂતિ ! તમને એક વિનતિ કરવાને હું આવેલી છું – આપને પૂછીને એક ભેદનો મારે ખુલાસો કરવાનો છે. મારા મનમાં ઘણી જ ચિન્તા થઈ પડી છે. એક પખવાડિયા સુધી તો એ ભેદને ગમે તેમ કરીને મેં મારા મનમાં છૂપાવી રાખ્યો; પરંતુ આજ એવી ઇચ્છા થઈ આવી કે, આપને એ સર્વ વાત કહી સંભળાવવી અને આ૫નો એ વિશે શો અભિપ્રાય છે, તે જાણવો.”
“વત્સે વૃન્દમાલે ! તું આવી શુષ્ક કેમ બની ગઈ છે? તારા હૃદયમાં કોઈ ભયંકર ચિંતા જાગેલી હોય એમ જણાય છે, નહિ વારુ ? મુરાદેવી તો શરીરે સ્વસ્થ છે ને ?” બુદ્ધભિક્ષુએ તેને આશ્વાસન આપીને કુશળ સમાચાર પૂછ્યા.
મુરાદેવીનું નામ સાંભળતાં જ વૃન્દમાલા એકદમ કહેવા લાગી કે, “ભગવાન ! મુરાદેવી શરીરે તો સર્વથા સ્વસ્થ છે, પરંતુ તેનું અંત:કરણ આજકાલ બહુ જ અસ્વસ્થ થએલું છે. કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થયો, તે દિવસથી મુરાદેવીની ચિત્તવૃત્તિ પોતાના સ્થાનેથી ખસીને દૂર થઈ ગએલી છે.”
વૃન્દમાલા આવી અને “એક ભેદનો મારે ખુલાસો કરવાનો છે,” એમ તેણે કહ્યું, ત્યારથી જ ચાણક્યે ત્યાંથી ઊઠી જવાનો વિચાર કર્યો હતો; પરંતુ મુરાદેવીનું નામ સાંભળતાં જ, “કાંઈ પણ રાજવંશની વાત નીકળવાની છે.” એવી ધારણાથી તે પાછો ત્યાં જ થોભી ગયો અને “કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થયો, તે દિવસથી મુરાદેવીની ચિત્તવૃત્તિ પોતાના સ્થાનેથી ખસીને દૂર થઈ ગએલી છે,” એ વાક્યને સાંભળીને તો તેણે ત્યાં જ બેસીને તે શો વૃત્તાંત કહે છે, તે સાંભળવાનો નિશ્ચય જ કર્યો. વૃન્દમાલા હવે વસુભૂતિને શું કહે છે અને વસુભૂતિ વૃન્દમાલાને શું કહે છે, તે સાંભળવાને તેનાં કર્ણો ઉત્સુક થઈ રહ્યાં. ચાણક્ય મહા ચાણક્ય હતો, એમ કહીશું તો એ કહેવું કાંઈક વિલક્ષણ જ કહેવાશે; કારણ કે, એનો અર્થ ચાણક્ય ચાણક્ય હતો એટલો જ થાય છે – અર્થાત્ ચાણકય એ શબ્દ મહાધૂર્ત અને ચતુર બ્રાહ્મણના નામનું અપભ્રષ્ટ રૂપ ધારીને જ આપણી ગુજરાતી ભાષામાં આવલો છે. માટે ચાણક્યને બીજી તે શી ઉપમા આપી શકાય ? વૃન્દમાલા તે મુરાદેવીની દાસી હોવી જોઈએ અને કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થવાથી મુરાદેવીને મત્સરપિશાચે પછાડેલી હોવી જોઈએ, એવો ચાણક્યને સ્પષ્ટ ભાસ થયો. “જો મારી કલ્પના સત્ય હોય, તો તો જાણે આપણને આ એક ઘણી જ હિતકારક માહિતી મળી કહેવાય અને એનો સારી રીતે ઉપયોગ કરવાથી રાજકુળમાં ભેદ પાડવા માટેનું એ એક ઉત્તમ સાધન થઈ પડશે.” એવી તેની ધારણા થઈ એથી જો ચાણક્યને ત્યાંથી ખસવાની ઇચ્છા ન થઈ હોય, તો તે સ્વાભાવિક છે.
વસુભૂતિ વૃન્દમાલાને કહેવા લાગ્યો, “વૃન્દમાલે ! તું આ શું બોલે છે? તું પોતે ક્યાં છે અને શું બોલે છે, એનો વિચાર કર. વત્સે ! આવાં ગૃહનાં છિદ્રો ત્રીજાને કાને પડવાં ન જોઈએ અને તેમાં પણ તારા જેવી એક વિશ્વાસપાત્ર સેવિકાએ પોતાના મુખને બને તેટલું સંકુચિત જ રાખવું જોઈએ. જો મુરાદેવીનો પોતાનો પુત્ર આજે જીવતો હોત, અને બીજી સોક્યોએ એના શિરે ખોટા ખોટા આળ ચઢાવ્યા ન હોત, તો આજે તે પુત્રને જ યૌવરાજ્ય મળ્યું હોત અને તેનો જ પટ્ટાભિષેક થયો હોત; એ ગત વાર્તાનું સ્મરણ થતાં દેવીના મનમાં અતિશય ખેદ અને ઉદ્વેગ થાય, એ સ્વાભાવિક છે. પરંતુ તારા જેવી દાસીએ એવી વાતોની હોહા કરવી ન જોઈએ, વિશ્વાસપાત્ર અનુચરોએ પોતાનાં નેત્ર, અને પોતાનાં કર્ણો જો ઉઘાડાં રાખ્યાં, તો મુખને તો તેમણે બંધ જ કરવાં; કદાચિત્ મુખને ઉઘાડવાની જરૂર જ દેખાય, તો તે પોતાના સ્વામિ સમક્ષ ઉઘાડવું અને તેને જે કાંઈ પણ કહેવાનું હોય તે કહી દેવું. બીજા કોઈ પાસે તેનો સ્ફોટ કરવો નહિ.”
વસુભૂતિ એ પ્રમાણે બેાલતો હતો, તે વૃન્દમાલા શાંતિથી સાંભળતી હતી; પરંતુ તે બુદ્ધભિક્ષુના બોલવાની સંપૂર્ણતા થતાં જ તે બોલી કે, “ભગવન્, આપનો ઉપદેશ મેં સાંભળ્યો અને તેને હું હાથ જોડીને શિરપર ધારણ કરું છું. હમણાં જ આપ સમક્ષ મેં જે વાતનો ઉચ્ચાર કર્યો, તે વાત મેં અત્યાર સૂધીમાં કોઈને પણ કહી નથી. પરંતુ આજે મારાથી રહી ન શકાયું. દેવીની જે હમણાં સ્થિતિ થએલી છે, તે જો થોડા દિવસ વધારે રહેશે, તો કોઈપણ પ્રકારનો રાજ્યમાં મહાપ્રલય થશે અથવા તો દેવીનો પોતાનો જ નાશ થશે, એવી મારી ધારણા થએલી છે. આપ મારા ગુરુ છો. આપે મને ભગવાન તથાગતનો ઉપદેશ આપેલો છે અને તે ઉ૫દેશમાં એમ દર્શાવેલું છે કે, જો કોઈને વિનાકારણ ઘાતપાત થતો હોય અને તેનું જો આપણાથી નિવારણ થઈ શકતું હોય, તો અવશ્ય નિવારણ કરવું. એથી જ આપની પાસે આપનો અભિપ્રાય જાણવાને આવી છું. મારી સ્વામિની જો આવી જ સ્થિતિમાં રહેશે, તો તેનો પોતાનો નાશ થશે અથવા તો બીજું કાંઈ પણ અનિષ્ટ થશે, એમ સ્પષ્ટ દેખાય છે; પરંતુ એનું નિવારણ કેમ કરવું, એ માટેની યુક્તિ મને સૂઝતી નથી. દેવીને મેં સમાધાનની ઘણીએ વાતો સંભળાવી; પણ ના; એક પણ વાત તેને ગળે ઉતરતી નથી. માટે હવે આ૫ જો યુક્તિ બતાવો તો થાય. ગૃહનાં છિદ્રો બીજાને કાને જાય તો સારું, એવા હેતુથી હું આવી નથી. આવા પ્રસંગે સલ્લાહ પૂછવાની હોય તે આપને નહિ, તો બીજા કોને પૂછું વારુ?”
વસુભૂતિનો હેતુ એવો હતો કે, ચાણક્યના દેખતાં વૃન્દમાલા એ ભેદને ન ઊધાડે તો વધારે સારું, અને પોતાનો એ હેતુ તેના ધ્યાનમાં આવે, તેટલા માટે એ ઊપર લખેલો ઉપદેશ જરાક કઠોર શબ્દોમાં અને વારંવાર ચાણક્ય પ્રતિ દૃષ્ટિ કરી કરીને તેણે તેને કહી સંભળાવ્યો હતો. પરંતુ “ચાણકય, તે મારા જેવો જ વસુભૂતિનો કોઈ ગુપ્ત શિષ્ય હશે.” એવી ધારણાથી તે મનોનિગ્રહ ન કરી શકી અને તેથી ચાણક્યના દેખતાં જ વસુભૂતિથી સમક્ષ તેણે પોતાના પેટની બધી વાતો એકદમ ઓકી નાખી. વસુભૂતિથી ચાણક્યને “તું ઉઠી જા” એમ પ્રત્યક્ષ રીતે કહી શકાય તેમ હતું નહિ, અને અપ્રત્યક્ષ રીતિથી સુચના આપી, તે તેણે ધ્યાનમાં લીધી નહિ. એથી અંતે તેના નિયંત્રણના પ્રયત્નને એક બાજૂએ મૂકીને તે બુદ્ધભિક્ષુ વૃન્દમાલાને કહેવા લાગ્યો કે, “વત્સે વૃન્દમાલે ! જો તારી સ્વામિનીના મનમાં કોઈ પણ પ્રકારે શાંતિ ન જ થતી હોય, તો એકવાર તેને અહીં લઈ આવ. અને તેમ ન થઈ શકે, તો ભગવાન તથાગતનો જે ઉપદેશ મેં તને આપેલો છે, તે તું તેને આપીને તેના મનને શાંત કર. બીજો હું શો ઉપાય બતાવી શકું? વત્સે ! તેં આજે મને જે સમાચાર આપ્યા છે, તેથી મારા હૃદયમાં ઘણી જ ચિન્તા ઉત્પન્ન થઈ છે. તથાપિ હું આજે એકાંતમાં એ વિશે વિચાર કરીશ, અને જે મને સૂઝશે તો બીજો ઉપાય તને બતાવીશ – તું પાછી કાલે અહીં આવજે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે અને તે એ કે મારી પાસે તેં જે વાક્યોનો ઉચ્ચાર કર્યો છે, તે વાક્યોનો બીજા કોઈ સન્મુખ તો શું પણ પિતા સમક્ષ પણ ઉચ્ચાર કરીશ નહિ. આજ પર્યન્ત તે મારી આગળ તારી સ્વામિનીની જે જે વાતો કરેલી છે, તેમના વિશે વિચાર કરતાં મને લાગે છે કે, ભગવાન્ તથાગતનું આ નગર વિશેનું ભવિષ્ય મુરાદેવી દ્વારાજ સત્ય થશે. એ મહા દીર્ધદ્વેષી હોય એમ દેખાય છે. મારા ધારવા પ્રમાણે મુરાદેવીના દુગ્ધ પીતા બાળકને અરણ્યમાં મોકલીને તેની હત્યા કરાવવાને લગભગ સોળ સત્તર વર્ષ થવા આવ્યાં હશે, કેમ નહિ કે?”
“હા-હા-સોળ વર્ષ તો નક્કી થઈ ગયાં; પરંતુ એના સ્મરણથી આજે પણ દેવીના મનમાં ઉદ્વેગ અને શોકની એટલી બધી પ્રબળતા છે, કે એ ક્રૂર કૃત્ય જાણે ગઈ કાલે જ કરવામાં આવ્યું હોયની!” વૃન્દમાલાએ ઉત્તર આપ્યું.
“ભગવાન, અર્હંતની જે ઇચ્છા હોય તે ખરી, તું હવે જા, કાલે આવજે.” એમ કહીને વસુભૂતિએ વૃન્દમાલાને જવાની આજ્ઞા આપી. તેના ગયા પછી એક દીર્ધ ઉષ્ણ નિઃશ્વાસ નાખીને તે ઘણીક વાર સુધી સ્વસ્થ બેસી રહ્યો. હમણાં જે કાંઈ પણ સાંભળવામાં આવ્યું, તે વિશે પ્રશ્ન કરીને ભિક્ષુ પાસેથી વધારે માહિતી કઢાવવાનો વિચાર ચાણક્યના મનમાં આવ્યો; તેથી તે ઉઠ્યો નહિ – છતાં પણ એકાએક એમ પૂછવાની તેની હિંમત થઈ ન શકી. એટલામાં વસુભૂતિએ પુન: એકવાર નિઃશ્વાસ નાખ્યો અને ચાણક્યને ઉદેશીને કહ્યું કે;–
“વિપ્રવર્ય ! તને કદાચિત્ સત્ય ભાસશે નહિ, પરંતુ અમારા મહા- પરિનિબ્બાણસૂતો (મહાપરિનિર્વાણ સૂત્રો) માં ભગવાન બોધિસત્વે આ પાટલિપુત્રના સંબંધમાં ભવિષ્ય ભાષેલું છે – તે એ કે, આ નગરીના શિરે ત્રણ મહાસંકટ આવશે, અગ્નિપ્રલય, જળપ્રલય અને ગૃહકલહ. તેમાંના ગૃહકલહનો તો આ આરંભ નહિ હોય ? રાજા અને મંત્રિઓ યોગ્ય વિચાર કરનારા ન હોય, તો બહુધા આવી જ દશા થવાનો સંભવ હોય છે. એ મુરાદેવી ખરી રાજકન્યા – કિરાત રાજાની પુત્રી છતાં પણ તેને વૃષલી ઠરાવીને અને ધનાનન્દના યોગે ઉત્પન્ન થએલા એના પુત્ર વિશે પણ બીજી રાણીઓ અને મંત્રીઓએ અયોગ્ય શંકાઓ ઉપજાવીને તેને હિમાલયના અરણ્યમાં ઘાત કરાવ્યો. એ અન્યાયથી કરાયેલી બાળહત્યા જ ગૃહકલહનું કારણ થઈને ભગવાન બોધિસત્ત્વના વચનોને સત્ય કરી બતાવવાનાં હોય, એવે જ હવે ભાસ થાય છે.”
બુદ્ધભિક્ષુ વસુભૂતિના એ ભાષણના શબ્દે શબ્દને ચાણક્ય ઘણા જ ધ્યાનથી અને ઘણી જ ઉત્સુકતાથી સાંભળતો બેઠો હતો. તેના હૃદયમાં કોઈ બીજા જ વિચારો રમી રહ્યા હતા.
આગળની વાત હવે પછીના ભાગમાં..
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો