રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બ્રેથલેસ [ Brethless ] ગીત….! રેણકી છંદનો આવો મનહર ઉપયોગ બીજે ક્યાંય થયો નથી. આ અતિ મનહર ગીતના રચયિતાનું નામ છે – બ્રહ્માનંદ સ્વામી !
બ્રહ્માનંદ સ્વામીનો જન્મ ઇ.સ.૧૭૭૨માં રાજસ્થાનના શિરોહી જીલ્લાના થાણ ગામમાં થયો હતો. તેમનું મુળ નામ “લાડુદાન ગઢવી” હતું. તેમના પિતાનું નામ – શંભુદાન ગઢવી અને માતાનું નામ – લાલુબા. આમેય “ચારણ ચોથો વેદ”એ કહેવતોક્તિ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી બાળપણથી જ પ્રભુભક્તિને વરેલા સાહિત્યના માર્ગે ચાલવાના રસિક હતાં.
તેઓ ઉદેપુરના મહારાજાના દરબારમાં કવિ તરીકે વિવિધ રચનાઓ કરતાં અને રજુ કરતાં. તેમની રચનાઓથી પ્રભાવિત થયેલા મહારાજાને લાગ્યું કે,આ વ્યક્તિ મહાકવિ બનવાને સર્જાયેલી છે….! તેથી તેઓએ તેમને “પિંગળશાસ્ત્ર”નો અભ્યાસ કરવા કચ્છ મોકલ્યા. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષ હતી. એ વખતે સાહિત્યમાં પિંગળ જેવા ભારેખમ વિષયોમાં કચ્છની બોલબાલા ઘણી હતી. કચ્છમાં એવા ઘણા વિદ્વાનો હતાં જે આવા વિષયોમાં સફળતાપૂર્વક ખેડાણ કરી જાણતાં.
કચ્છમાં જઇને બ્રહ્માનંદ સ્વામીએ ભુજની કાવ્યશાળામાં પિંગળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર સહિત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કચ્છમાં રહેવાને કારણે તેમની રચનાઓમાં કચ્છી તળપદી બોલીની અદ્ભુત છટા પણ વર્ણવાયેલી છે.
ઇ.સ.૧૮૦૪માં સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક એવા શ્રીસહજાનંદ સ્વામી સાથે તેમનો મેળાપ થયો. સહજાનંદ સ્વામીના વિચારોથી પ્રભાવિત થઇ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા. અને લાડુદાનજીમાંથી રંગદાસજી અને અંતે “બ્રહ્માનંદ સ્વામી” નામધારી બન્યા.
એ વાતમાં કાંઇ અતિશ્યોક્તિ નથી કે બ્રહ્માનંદ સ્વામીએ સ્વામી નારાયણ સંપ્રદાયને અલગ ઉંચાઇ બક્ષી હતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ યેનકેન પ્રકારે આ સંપ્રદાયને સમર્પિત કાર્યો કરતા રહ્યા. પોતાની કાવ્યરચનાઓથી તેમણે સંપ્રદાય સહિત આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું.
વળી, માત્ર કાવ્યશાસ્ત્રમાં જ નહિ શિલ્પ અને સ્થાપત્યની વિદ્યામાં પણ બ્રહ્માનંદ સ્વામીનો જોટો જડે તેમ નહોતો. મુળી અને જુનાગઢના મંદિરો ઉપરાંત વડતાલનું ભવ્ય સ્વામિ નારાયણ મંદિર તેમની જ દેખરેખમાં બન્યું હતું. આમ,બ્રહ્માનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવનાર હતાં. ૬૪ કળાઓમાંથી ૨૪ કળાઓ તેમણે શીખેલી હતી.
તેમની કાવ્યરચનાઓ ખરેખર અદ્ભુત હતી. તેમણે આઠ હજાર જેટલા પદોની ગુજરાતીમાં રચના કરી છે. ઉપરાંત હિંદીમાં પણ લાંબાં કવિતોની રચના કરી છે. તેમની દરેક રચનાઓ છંદાલંકાર અને કાવ્યશાસ્ત્ર બહોળા જ્ઞાનથી ભરપુર હતી. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યાં ત્યારે કાગબાપુએ બ્રહ્માનંદ સ્વામીની “રંગભર સુંદિર શ્યામ રમે…..” રચના ટાગોરને સંભળાવી હતી. કવિવર ટાગોર આનાથી ખાસ્સા પ્રભાવિત થયા હતાં. દુલા કાગે કહેલું કે – “તેમને પ્રભુનો સાક્ષાત્કાર હતો અને એના સિવાય કોઇની તાકાત નથી કે આ લખી શકે…..!”બ્રહ્માનંદ સ્વામીએ પદો, કવિતો,ભજનો, થાળ વગેરે પ્રેમલક્ષણાભક્તિથી ભરપુર પદોની રચના કરી છે. સ્વામી સહજાનંદ લિખીત “શિક્ષાપત્રિ”નો બ્રહ્માનંદ સ્વામીએ ગુજરાતીમાં કાવ્યુનાવાદ કર્યો છે. તેમની બધી રચનાઓ અત્યારે “બ્રહ્માનંદ સ્વામી [ ભાગ : ૧-૨ ]”માં સંગ્રહિત છે.
ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ અને સ્વામી નારાયણ સંપ્રદાયના મહાન સંત એવા બ્રહ્માનંદ સ્વામીનું ૬૦ વર્ષની વયે ઇ.સ.૧૮૩૨ના અને વિક્રમ સંવત ૧૮૮૮ના જેઠ સુદ દસમના રોજ મુળી ખાતે અવસાન થયું.
જનમાત્રને ઉત્સાહથી ભરી દેતી આ રચનાને લીધે બ્રહ્માનંદ સ્વામી સદાય અમર રહેશે –
રંગભર સુંદર શ્યામ રમે [ છંદ : રેણકી ] –
સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….
ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..
ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….
ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…
ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….
ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….
સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….
– Kaushal Barad.
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ
– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો