વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

🌟
– વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો –
૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.
૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.
૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.
૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.
૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.
૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.
૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.
૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.
૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.
૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.
૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.
૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.
૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.
૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.
૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.
૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.
૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.
૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.
૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.
૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.
૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.
૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.
૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.
૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.
૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.
૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.
૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.
૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.
૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.
૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.
૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.
૩૮. દુર્જનોનું બળ હિંસા છે.
૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.
૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.
૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.
૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.
૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.
૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.
૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.
૪૬. હણે તેને હણવામાં પાપ નથી.
૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.
૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.
૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.
૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.
૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.
૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.
૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.
૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.
૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.
૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.
૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.
૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.
૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.
૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.
૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.
૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.
૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.
૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.
૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.
૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.
૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.
૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.
૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.
૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.
૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.
૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.
૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.
૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.
૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.
૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.
૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.
૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.
૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.
૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.
૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.
૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.
૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.
૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.
૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.
૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.
૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.
૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?
૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.
૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.
૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.
૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.
૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.
૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.
૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે.
૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.
૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.
૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.
૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.
૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.
૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.
૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.
૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.
૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.
૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.
૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.
૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે.
અસ્તુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!