અગિયારસો વરસ પહેલાં દક્ષિણમાં ‘‘વાચસ્પતિ મિશ્રા’’ નામના મહાવિદ્વાન પુરુષ થઈ ગયા, જેમણે ષડ્શાસ્ત્રો આદિ ઘણાં પુસ્તકો પર ટીકા કરેલી, સંસ્કૃત જગતમાં સુવિખ્યાત છે. રાજસભામાં અગ્રગણ્ય હોઈ એક ઘડીની ફુરસદ નહોતી. ઉંમરલાયક થતાં તેમનાં સગાંવહાલાં તરફથી લગ્ન માટે વારંવાર આવેલાં માગા પણ પાછાં વાળેલ હતાં.
આમ છતાં એક જગ્યાએ તેવું જ વિદ્વાન કુટુંબ. તેની કન્યા પસંદ કરાઈ અને જોવા ગયા – ત્યારે એકાંત મળતાં કન્યાને કહ્યું – પરણું ખરો, પણ લગ્ન બાદ તારે મારું નામ ન લેવું અને હું તને નહિ બોલાવું. માત્ર ઘર ચલાવવા પરણું છું. મારે જગતના શ્રેય માટે શાસ્ત્રો રચવામાં ટીકા કરવામાં અને રાજસભામાં ઘણા કામ હોઈ તેમાં વખત ગુજારવાનો છે. મારી સાથેના સુખની આશા ન રાખતી હો તો હા પાડજે.
અને પરણી ગયા.
ઘેર આવ્યા બાદ કહ્યું, ‘ જો આ ઘર – આ સીધું સામાન અને રસોડું, ઓરડો તારો – અને બહાર પરસાળમાં મારો બાજોઠ – પુસ્તક – કલમ વગેરે મૂકી દેવાં. જમવા ટાણે થાળી મૂકી જવી, જે મને વખત મળતાં જમી લઈશ. સામે ખાટલો પાથરી રાખવો, ગમે ત્યારે સૂઈ જઈશ. સભામાંથી મોડો આવીશ, પણ તારે સૂઈ જવું. મારું નામ લેવું નહિ – મારે અયાચક્ર વ્રત છે. રાજ તરફથી કાંઈ આવતું નથી.
બસ પછી આ તો ચાલ્યું – રોજ એક જ સરખી રહેણીકહેણી – કન્યાનું નામ ભામતિ હતું. તે રોજ મૂક સેવા કર્યા કરતી – કોઈ અગવડ ન પડે તે કાળજી રાખતી. પતિથી વિશેષ કાંઈ છે નહિ તે જ્ઞાન સિદ્ધ કર્યું હતું.
વાચસ્પતિ રાત્રે મોડો આવે અને લખે મોડા સુધી. જગતહિત માટે શાસ્ત્રો રચે અને ભામતિ પતિ જાગે ત્યાં સુધી અંદર બેસી પ્રભુસ્મરણ કરતી.
વાતને આજ કાલ કરતાં છત્રીસ વરસ થયાં ત્યાં સુધી આમ જીવન વિતાવ્યું – યંત્રવત્ કહી શકાય.
એક વખત બન્યું આમ –
રાત્રે મોડું થઈ જતાં દીવો ઝાંખો પડવા માંડ્યો એટલે ઝટ લઈને તેલ લઈ આવી તેલ પૂરી ઉજાસવાળો કરતાં. વાચસ્પતિએ ઊંચું જોયું.
‘‘અરે આ તો તમે સારું કર્યું – પણ તમે દેવી, કોણ છો ? અત્રે મોડા મારા ઘેર કેમ આવ્યાં ?’’
‘‘અરે મને ન ઓળખી ? હું તમારી પત્ની ભામતિ.’’
‘‘મારી પત્ની ? હું વળી ક્યારે પરણ્યો છું. ?’’
ભામતિએ યાદ આપ્યું, ‘તમૈે જાન લઈ આવેલા – મને એકાન્તમાં કહેલ તારે મારું નામ ન લેવું – ખાલી ગૃહસ્થી માટે પરણું છું.’’
‘‘હા..હા.. યાદ આવ્યું – પણ તેને તો આજે ૩૬ વરસ થયાં – ત્યાં સુધી મૂંગી રહી. આહાહા મારા કરતાં તું તપસ્વી નીકળી. દેવી, મને ક્ષમા કર – તો તું ખાવા પીવાનો વ્યવહાર શી રીતે ચલાવતી ?’’
ભામતી કહે ઃ ‘‘પહેલાં મારા પિયરના દાગીના વેચ્યા – પછી આપે આપેલા વેચ્યા – પછી કપડાં વેચ્યાં – પછી વાસણો વેચી રકમોમાંથી આજ સુધી ઘર ચલાવ્યું – વળી મારે એકાસણા વ્રત એટલે એક વાર જમતી ને છત્રીસ વરસ સુધી એક જ વાર.’’
‘‘અરરર ! હે તપસ્વિની, માગ માગ – હું તારો દેવાદાર છું. મેં રત્નને ધૂળમાં નાખ્યું. ‘‘ભામતી કહે, તમારી સેવા કરતાં ંમારો દેહ પડે – તેવી માગણી છે.’’
વાચસ્પતિ કહે, ‘‘શાક્ટભાષ્ય આ જે ટીકા લખું છું તેને ‘‘ભામતી ટીકા’’ નામ આપી તને સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી અમર કરું છું. દુનિયાના કોઈપણ સંસ્કૃત વિદ્વાનને આ ટીકા વગર ચાલશે નહિ અને આજથી આપણી ગૃહસ્થીની શરૂઆત થાય છે. ધન્ય તને કે આજ પર્યંત તે કાંઈ માગ્યું જ નહિ કે આ લાવો – તે લાવો – આ જુના વસ્ત્રો થીગડાવાળા ગાભા પહેરી આ ભંગાર વાસણોથી ચલાવ્યું. સૃષ્ટિના ઇતિહાસમાં તારા જેવી ત્યાગી સ્ત્રી મેં આજ સુધી જોઈ નથી. ‘આટલું’’ બોલી મૂર્છામાં પડી ગયો.
અહો ભારતભૂમિમાં આવી સ્ત્રીઓ પણ થઈ ગઈ છે.
આલિંગ્ટન નામના એક અંગ્રેજ ફિલોસોફરે કહ્યું છે કે, તમે ખોટું પાત્ર પરણ્યા હશો તો તરત ખબર પડશે અને સાચું પાત્ર હશે તો જીંદગી કેમ પસાર થઈ ગઈ એ ખબર જ નહિ પડે.
આદર્શ સ્ત્રી માટે જ્યોર્જ વોશિંગ્ટને લખ્યું છે કે આવી સ્ત્રી જતાં દુનિયા ગઈ – વાત કરવાનો વિસામો ગયો. અબજો રૂપિયા હોય તો ય શું અને ન હોય તોય શું ?
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ