રીડીબાંમ રીડીબાંમ ધ્રસ્બાગ વડલા પર ચડીને ભૂરીયા ઝાપડે બુગીયો ઢોલ માથે દાંડી ટીપી, ગામ આખાના માટીયાર હાથ પડયું હથીયાર લઇ ગામ ભાંગતા ને ખળાવાડ લૂંટતા ધાડપાડુ નું સામૈયું કરવાને સાબદા થયાં.
ત્રણસોક ફાગણના ફાગ ખેલાઇ ગયાં હશે, ભાલ પંથકમાં હાંડા રોખું ઓપતુ જવારજ ગામની વાત છે.ગામમાં પરમાર શાખના ખેડુતો વસે છે ગામમાં ઘઉં કાપણી ની મોસમ પાકી છે, ખળાવાડ મા મુંડીયામા જંગ ખડકાઈ ગયો છે, ખેડુ ઘઉં મસળી રહ્યો છે સૂર્યનારાયણ આથમણે નમી રહયો છે, રૂઝવેળા થાતામા તો હુતાશણીની હોળી પ્રગટી ગામ આખું દર્શને ઉમટયું.
અભેસિંહ નામનો જુવાન દોઢ હાથનું ધારીયું કાંધે નાંખી હાલ્યા આવે છે, સૌ ભાઈઓ દર્શન કરી શાંતિથી આવો હુ ખળાવાડમા બેઠો છું જાવ ભા. એ હો કેહતાં સહુ અભેસિંહના ઓથારે ખળાવાડ મેલી હોળીકાના દર્શન કરવા ઉપડ્યા. સૌ ગામમાં ગયા ને અભેસિંહ ગોદડાનો તકીયો કરી બેઠાં કંઈક વિચારે છે. ચાંદો આભમાં બેક રાશવા ચડયો છે રૂપેરી ચાંદની આખાં ભાલ પંથકને અજવાળી રહીં છે. અભેસિંહ ની આંખ મંદ વાતા મીઠા વાયરા મા ઘેરાણી, ઝોકું આવી ગયું. તળાવની આથમણે પાળે કોઈ ગાઇ રહ્યું હતું એ અભેસિંહ ને સંભળાયો મધુર કંઠે ગાઈ રહેલી રૂપવંતી કાચની પુતળી જોઇ પણ અભેસિંહ પુછે એ પેહલા પધારો અભેસિંહ હું તમારી વાટ જોતી બેઠી છું, અભેસિંહ વિમાસણમાં પડ્યા આંખની ઓળખાણ નઇ નામ ક્યાંથી જાણે. એમણે પુછયું તમે કોણ છો અટાણે આમ એકલાં. અભેસિંહ હું સરગાપર ની અપ્સરા છું વીર માનવીને વરવાં આવી છું. તમે મારી વરમાળા સ્વીકારશો, પોરઠના પગલાં નો ભરતા વીરના વધામણાં કરવાં હું દોડી આવીશ આપ આવશો ને હું રાહ જોઈશ.
અભેસિંહ કાંઇ કહે તે પેહલા એક ગોળો અંબર ના ગોખે આંબવા ઊઠ્યો અને હવામાં અદ્રશ્ય થઈ જાય છે ને અભેસિંહ સ્વસ્થ થયાં તયે ફાગના ગાન ગાઇને કોક કોક જણ ખળાવાડે વહી આવ્યા. અભેસિંહ જાગતાં છોને પણ અભેસિંહએ ઉત્તર ન આપ્યો. પથારીમાં આડા પડ્યા ચિતને ચેન પડતું નથી, રાશવા દિ માથે આવ્યો અભેસિંહ ઘરે આવ્યા. મીણલબાને વાત કરી સરગાપર ની અપ્સરા ને વરવાના કોડ જાગ્યા છે. મીણલબા કહે સમો આવે કંકાવટી લઇ હું તિલક કરીશ હુયે રજપુતાણી છું રોદણા નહીં રડું હાલો વેવલાઇ છોડી જમવા બેસો.
અભેસિંહ ની ડેલીએ ડાયરો ભરણો છે બધા ભાયાતો બેઠા હતા કસુંબા પાણી થઇ રહયા છે. અભેસિંહના અંગમાં મરદાઇ આંકડો ભીડીને અક્કડ થઈ રહી છે. દહ દહ ગાઉંના પંથકમાં ખળાવાડ લુંટાયાની ને ગામ ભાંગવાની વહેતી વાતો ડાયરામાંઆવી. એવે ટાણે અભેસિંહે રાતનાં સપનું આવ્યાં ની વાત કરી ને જણાવ્યું કે જો આપડી ખળાવાડ લુંટાય તો ગામનું નાક જાય લુંટારા ક્યાંરે ખાબકે ભરોંસો નથી. હા ભાઈ વીરગતિ પામનાર ને અપ્સરા વરમાળા આરોપે છે. સાબદાઇ રાખવાની ગોઠવણ કરી ડાયરો વિખાણો.
બીજે દિ સુરજમારાજ ના સોનેરી પગલાં ધરતીને અજવાળી રહ્યા છે એ ટાણે ભુરીયો ઝાંપડો બુગીયો ઢોલ લઇ સજ્જ થયો એની ઘરવાળી સમુએ ટપાર્યૉ એય કઇ બાજું અટાણમા જાણતી નથીં ધાડપાડુ ના ધાડાં ગામડાં ભાગતાં વહ્યા આવે છે. આમ વડલાની ઊચી ટોચ પર ચારેય દશે નજર કરી બેઠો છે. બપોરટાણુ થયું ને ધુળની ડમરીઓ દેખાણી ધ્રબ ધ્રબ ધ્રબ ધ્રસ્બાગ કરતી મરેલાં મરદા બેઠાં કરે એવી ભુરીયાનિ દાંડી ઢોલ માથે પડી. ગામનાં મરદો હાથ પડયું હથીયાર લઇ ધાડપાડુઓનુ સામૈયું કરવા સાબદા થયાં. અભેસિંહ ઘોડી પલાણી હરણાના ભેટા કરે એવી પાણીદાર. દુરથી ખેપટ ઉડતી કળાણી જોતાં જોતાં મા ધુળ ની ડમરીના વાદળ બંધાણા એક સામટા પચીસેક ધાડપાડુઓનુ ટોળું જવારજ ગામને આથમણે પાદર ખડું થયું, રીડયા ઊઠ્યા મારો કાપો નો દેકારો થયો માટીયાર મર્દોની આગળ અભેસિંહે માણકીને તારવી ને પડકાર ફેંક્યો. હરામનું ખાઈ તાગડધીન્ના કરતાં માટીપગાઓ મૌત તમારા માથે ભમતુ લાગે છે માટી થાજો એમ કેહતાં ટોળા વચ્ચે ઘોડી ને ખાબકે છે સબાક કરતો તરવાર્ય નો ઝાટકો ઝીકયો ને લબરક કરતું લુંટારા નુ માથું વઢાઈ ગયું. આ જોઇ બધાં લુંટારા દરબાર માથે ત્રાટક્યા ધીંગાણું ધણધણી ઊઠયું તલવાર ની તાળી પડવા લાગી, ગામનું દળ બે ભાગમાં વહેંચાઇ ગયું. લુંટારા ને ઘેરી લીધાં લુંટારા જીવ પર આવી ધીંગાણું રમવા માડયા. ઘોડી માથે ઊભાં થઈ અભેસિંહ તલવાર વિઝવા માંડી દુશ્મન ની બેક લોથ ઢાળી દીધી. તે જોઈ એક લુંટારાએ તેજીલી બરછીનો ઘા અભેસિંહ માથે કરવાં ગયો પણ તોળાયેલ એનાં હાથ માથે ભુરીયાની પાણીયાળી તલવારનો ઘા પડયો હાથ ગુડાણા બરછી હેઠે પડી શુરે ભરાયેલ ભુરીયાથી ન રહેવાયું ધીંગાણું જામતાં હેઠે ઉતર્યો દરબાર ને ઘા ખાળી બચાવી લીધાં. અભેસિંહ ને જોમ અને જુસ્સો ચડ્યો શૌર્ય છલકાણુ એક ઘા ને બે કટકા કરતાં અભેસિંહ ધીંગાણા મા શોભી રહ્યા છે પાંચ લોથો ઢાળી પણ એક લુંટારાની સડસડતી તલવારનો ઘા પડયો ને અભેસિંહ નું માથું વઢાઈને લોહીનું ખાબચિયુ ભરાણુ.
અભેસિંહ નું ધડ લડતું રહ્યું આ જોઇ ભુરીયો બોલ્યો વાહ બાપુ રંગ રાખ્યો. આમ ધડ તલવાર વિઝતુ આગળ વધ્યું તે દેખીને દશેક જણને રણમાં રોળતા મેલી લુંટારા જીવ લઇ ભાગ્યા, પણ ધડ લુંટારાની વાહે ઝાટકા દેતું હડીયુ કાઢતું દોડયુ ભુરીયો પણ પાછળ પણ શકિત છીણ થતાં પડ્યો ને રામશરણ થયો. એવાં સમે આથમણી દશ્યે તળાવની પાળે જતાં તરવાર્ય વીંઝતા ધડને ભાયાતુએ ગળીનો દોરો કરી અભડાવ્યુ એટલે શુરાતન ઓછું થયું ધડ હેઠે પડયું અભેસિંહ વીરગતિ ને પામ્યા આભની અપ્સરાએ વિજયવંતી વરમાળા પહેરાવી.
મરદાઇ અને મરદાનગી ની વાતું અમર રાખવાં ગામ લોકોએ ભુરીયો પડ્યો ત્યાં ભુરીયાનો અને ધડ પડયું ત્યાં અભેસિંહનો એમ બેઉ વીરોના પાળીયા ખોડાયા. કાળની વાતુને વાગોળતાં કાળના ઘસારા સામે ટક્કર લેતી આ વીર પુરુષોની સ્મારક રૂપી ખાંભીઓ હજીયે ભાલ પંથકના જવારજ ગામની આથમણી દશે ઊભી છે ને પુજાઇ છે.
આમતો જવારજના લોકો અને અભેસિંહના વંશજો આ પાળીયા ને પુજે છે અને માને પણ છે. વ્યવસ્થિત સાફો પાઘડી પહેરવે છે પણ થોડું ધ્યાન આપી આ પાળીયા ને વ્યવસ્થિત ઓટા પર ગોઠવણ કરે તો એક સ્મારક ઊભું થઇ શકે ને શુરવીર ના ચરણે મસ્તક નમાવી શકાય. જોકે અત્યારે આ હાલતમાં છે ત્યાં બેસીને દર્શન કરવાં અઘરાં છે એટલાં માટે અને આ તમારા ગામની ધરોહર છે જે સુર્ય ચંદ્ર રેહશે ત્યાં સુધી આ કિર્તીવંત કથા રેહશે
ફોટા સૌજન્ય. ડોડિયા દિવ્યરાજસિહ (ભાણું ભા)
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..