મારૂં તો ઠીક પણ મારાં મિત્રનાં ઢોર જાસે તો જીવન ઝેર થાય મરીજાવ તો કુરબાન છે
તારોડીયા ભાતની ઓઢણી ઓઢેલી નવોઢા સરખી રાત ધરતી માથે વહી રહીં છે. દુગારી ગામનાં લોકો ઊનાળાનો બળાપો કાઢે છે, ગામને પાદરે જામગરી ઝબુકી ધાડુ કળાય છે. ગરવી ગુજરાત માથે ચારસોક વરસ મોર્ય કારમો દુકાળ પડ્યો. ખાવાં ધાનને ઠેકાણે તરણુય નથીં, પેટનો ખાડો પૂરવા મનખ માતર હેવાતિયા મારી રહ્યા છે. નેકીને નેજવે મેલી લોક ચોરી લુંટફાટ ને રવાડે ચડયું છે. ગામે ગામ બુમ આવે છે, પાંચ દિ મોર્ય આઠેક માણસો એ ખંભાતની ગાળીમા પટેલના ગાડા લુંટી ગયા. કાનવાડા માથે ધાડુ ઝપટ કરી ગયું. પાડલાને પાદરે પાંચને વાઢી નાખ્યાં. ગાણોલ માથે ચિઠ્ઠી બંધાઈ રીઝામા લુંટના ભણકારા વાગે છે.
અર્ધા ગુજરાત માથે દુકાળનો કાળભૈરવ માનવના કાળજા ફફડાવતો ફરી વળ્યો. આવીજ બીક દુગારી ગામનાં લોકોમાં હતી ચોરંટા ઓચિંતા નો ત્રાટકે તો સારું. પણ એકદિવસ વૈશાખી અમાસની રાતે ગામને પાદરે જામગરીયુ કળાણી, પાંચ પંદર જુવાન સાબદા થયાં, ધાડાને વાળવું કે સમજાવવું એમ મસલત કરતું બજાર વચ્ચે ફડકે બેઠું છે. આઠેક ઘોડા ને ચાર સાંઢીયાની વણઝાર આવી બોકાનાબંધ બે ભાલાળા અસ્વારો ધબડાટ કરતાં આવી ઊભાં રહ્યાં. ગામનાં એક જણે રામ રામ કર્યાં. લુંટારા બોલ્યા અટાણે રામનો જોગનથી ભાભા બાજરાનો ટાણો છે સમજ્યા કેવાં આઇવા છીએ, દિ ઊગે થી દિ નમે લગણ કાનવાડા ઝાડીમાં ખાંડી બાજરો લાવી દેજો નહીતર રૂઝવેળાના સાબદા રેજો. આમ જાસો દઇ લુંટારો ગાયબ થયો.
દુગારી ગામ મુંઝવણ મા મુકાયુ ત્યાં લુંટારા પાછાં આવ્યાં કે ભાભા અમારાં સરદારે ત્રણ દાન પૂછવાનું કીધું છે બોલો આ બીજીદાણ જવાબ દો આ કાળમાં માણસ પોતે પોતાનો ખાડો નથીં પુરી શકતો ને આમને બાજરો ઉઘરાવીને આપવાનો તો સાબદા રેજો ગામ માથે ત્રાટક્શુ. ગામ ભેગું થયું, ખાંડી બજારો ભેગો કરવો કેમ? આમ વાતમાં ભવજી ભરવાડ ને પોતાનો લબરમુછીયો મિત્ર લધાજીનો દેખાણો. તેમને બોલાવવામાં આવે છે લધાજીના ઘરેથી અસલ રાજપુતકુળના ઠકરાણા તખુબા પોતે. ડાયરામાં આવતાં પેહલા તખુબાએ ચેતવણી આપી ધાકધમકીથી બાજરો દેતાં મો લાજે નહીં ઇ જોજો રાજપુતનો ઇ ધરમ ન્હોય. ટુંકમાં ગામે ખાંડી બાજરો ભેગો કરી કાનવાડા ઝાડીમાં પહોચાડી દેવાનુ નક્કી કર્યું, પણ ભવજી ભરવાડે ના પાડી હું બાજરો નથીં દેવાનો, કાલે બીજી માંગણી કરછે, પેધું ઝડશે જે કરો એ બાજરો નહીં આપું, તો ગામને લુંટાવા દેવું બાજરા ભેગું જણસ પણ જશે ચુપ બેઠેલાં લધાજીને ખટક ખાઇ ગઇ બોલ્યા આવાં નામર્દ થાશુ તો ગામનું નાક જાશે. લધાજી ને ભવો કે ભુખ્યા ને ખવરાવી દો એ ધર્મ છે આ નાગાને નહીં. તો ગામે કીધું તો દરબાર તમે ને ભવો ગામનુ નાક જાળવજો.
લુંટારા ને બાજરો ઉઘરાવવાનું શરૂ કર્યું ને ફરતા ફરતા લધાજીની ડેલીયે આયો. તખુબા અધમણ બાજરો દઇદો બા, તખુબા કે બાજરો મફત મુલે નથ્ય પાક્યો ગામવાળાને દેવો હોયતો દે આ ડેલીનો દાણો ન આપું ને ઉઘરાણી આગળ ચાલી. ભવજી ને ત્યાં ન્યાં પણ આવોજ જવાબ મળ્યો. ગામે ઘરોઘરનો બાજરો ઉઘરાવીને બળદગાડા મા ઠાંસીઠાંસીને ભરી દિધો ને કાનવાડા ઝાડીમાં દેવા ગયાં. બોજરો ઊટ માથે ભરી રહ્યા ત્યાં એક જણે ગાડાખેડુ બોલ્યો લધાજી ને ભવજી એ બાજરો નો આપ્યો એમાં મોડું થઈ ગયું. લુંટારા બોલ્યા ઇમ ભરવાડ ને કેજે જાનવર સાચવીને સુવે ને લધાજીને કહેજે સાબદા રેજો.
ભરવાડે ભાઇબંધ રજપુત ને વાત કરી લધાજીએ ભાયાતને ભેગાં કરી સાબદ રેવા કિધુ. પોતાના ભાઈબંધ ના ઢોર ચોરાઈ તો નાક કપાય. એમ વિચારતા લધાજી રાતનાં ત્રણ ત્રણ આંટા ભવજીની ઝોક્ય મા મારે છે. અને વખત આવે વરતી લેવાની મનોકામના સેવતી રજપુતાણી સજાવેલી સમશેર ખીટીયે ભરવી. બરાબર પંદર ને એક સોળમાં દિયે સૂર્યનારાયણ ભગવાને આથમણા આસન લીધાં ને રૂઝવેળા ટાણે બારેક હથિયાર ધારી અસ્વારોએ ભવજી ની ઝોક્યની વાડ ફેદી નાંખી પંદર ગાવડા પાંચ ભેંસો તગેડી હાલ્યા. ગામમાં દેકારો થયો ભવજીના ઢોર આઢીને હાલી નીકળ્યા ડેલીમા લધાજી ને તખુબાએ વાત જાણી ધોડો ધોડો રજપુત નાક જાળવવાનો અવસર આવ્યો પછી નહીં મળે. જમતા જમતા લધાજીએ કોળીયો ભાણે મુકી તલવાર લેતાક ઝોક્ય ભણી દોટ મૂકી તખુબા ભાયાત ને જાણ કરી ભરવાડ્ણેય પણ સાભેલુ લીધું હતું.ને લધાજી એ જાણે છંછેડેલો કેસરી ઝપટ કરે એમ લુંટારા માથે તુટી પડે છે. થોરનુ ડીડલા ની જેમ દશ અસ્વાર ની વચ્ચે જઇ માથાં વાઢવા માડયા ત્રણ જણને ઠાર કરી ચોથો ઘા કરે પેલા એક અસ્વારે લધાજીની ડોક માથે ઘા કર્યો ડોક અર્ધી વઢાઈ માથું છાતીએ આવી ગયું છતાં લધાજી લડતાં રહ્યા.
ભવજીની પત્ની સાભેલુ વિઝવા માંડી લધાજી નું ધડ આડેધડ લડાઈ કરે છે ભવજી ને સુરાતન ચડયું તેને પણ બે જણને ઠામ રાખ્યા પણ એક અસ્વારે ભવજીના જમણા હાથને કાંપી નાખ્યો. ત્યાં તખુબા સમશેર લઇ વાઘણની જેમ ચાક માથેથી પીંડ ઊતારે એમ બે જણાના માથાં ઊતારી લીધાં પાછળ થી એક ચોરંટાએ ઘા કિધો જનોઇવાઢ તખુબાનું માથું ઊતરી ગયું. ભાયાતો હથિયાર લઇ કુડાળે પડયા. લુંટારા ચેતી ગયાં હવે આમ જીવ ખોવાનો થશે ને ભાગ્યા. આંખના પલકારામાં રોળાની રમત જાણે પુરી થઈ. લધાજી કામ આવ્યાં તખુબા પણ હારો હાર રહી ગયાં ભવજીનો હાથ ધરતી માથે પડ્યો હજી ઊછળતો હતો. ગામનાં લોકોએ વીરની વાતો પથરે કંડારી તળાવની પાળે લધાજીની ખાંભી ખુતાણી સંવંત:૧૫૫૭ જેઠવદી ૨ને પડખે સતી તખુબા વીરાંગના ની સ્મૃતિ આપતો પાળીયો ખોડાણો. ખાંભીયુ પછી ગામને થયું નાક જાળવ્યું ખરું. એકહાથે ઠુઠો ભવજી ભરવાડ ભાઇબંધને સંભારી સંભારી જીંદગી જીવ્યો તા લગણ દર જેઠી ૨ ને દિ સવાશેર સિંધુરથી ભાઈબંધની ખાંભીને નવરાવતો રહ્યો વાજતેગાજતે શુરાપુરા ના પાળીયાને સવામણ ચણાના બાકળા ના નૈવેદ ધરતો. જીગરજાન લધાજીને યાદ કરી દુહા ગાતો
લડૈ લધાજી લડ્યો શુરોપુરો સાજ
ધીંગાણે ધણધણયો જમણી મોરી બાય
આમ ભવજી પણજિયા ગાતો નેવું વર્ષનું આયખું પુરું કરી મર્યો ત્યારે લધાજીની જોડા જોડ ખાંભી ખુતાણી ૧૫૮૭. બેય વીર પુરૂષો જાણે જનમ જનમના સાથી બની રહ્યા ..
ફોટા સૌજન્ય. ભગવતસિંહ ડી. દુગારી
આ વાત લગભગ પાંચ જણ પાસેથી સાંભળી હતી. પુરૂષોતમ સોલંકી એ પણ લખી છે
મિત્રો આ એજ શુરવીરોના પાળીયા કાળની સામે ટક્કર ઝીલી ઊભાં છે
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..