ભક્તકવિ દુલા ભાયા કાગ રચિત ‘બાવન ફૂલડાંનો બાગ’

ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા મોરારિબાપુ. તા. ૨૨ ફેબુ્રઆરી ૧૯૭૭ને ફાગણ સુદ ૪ના રોજ કાગબાપુનું અવસાન થયું ત્યારે આપા હમીરે એમને આ શબ્દોમાં શ્રઘ્ધાંજલિ અર્પી હતી.

ફોરમ ગઈ ફૂલડાં તણી, કરમાણો કવિતા બાગ,
સુવાસ સઘળી જતી રહી, જાતાં દુલા કાગ.

***

ગૌરવ હતું ગુજરાતનું, પદ્મશ્રી દુલા કાગ,
ચારણ કુળ શિરોમણી, હતા કવિજન કાગ.

એક કાળે કર્મી પિતા ભાયાભાઈ કાગની મહુવા પંથકમાં હાંક વાગે. દરરોજના પોણો પોણો મણ અનાજનાં દળણાં દળી અભ્યાગતોને ઉજળો આવકારો આપી ખંતપૂર્વક ખવરાવનાર અન્નપૂર્ણાના સાક્ષાત્‌ અવતારસમાં માતા ધાનબાઈની કૂખે મજાદરમાં જન્મેલા દુલાભાઈ કાગના પંડ્યમાં ભક્તિના પૂર્વજન્મના સંસ્કારો આંટા દઈ ગયેલા.

પાંચ ચોપડીનું ભણતર ભણીને બાળક દુલાએ ઉઘાડા પગે ગાયો ચારવાનાં જાણે કે વ્રત લીધાં. ખભે લાકડી, ઝોળીમાં ગજાનન ગણેશની મૂર્તિ, હાથમાં રામાયણ અને સુભદ્રાહરણ પુસ્તકો લઈને વગડા વચાળે વખડાના વૃક્ષના છાંયે માળા ફેરવતા ફેરવતા દુલો દેવને આરઝુ કરે, ‘દેવ, મને જ્ઞાન દેજે’ શ્રી પ્રવિણભાઈ લ્હેરી લખે છે કે ‘ગાયો ચરાવતાં ચરાવતાં પીપાવાવ મંદિરમાં સંત સમાગમે કવિતાની સરવાણી ફૂટી નીકળી. તળપદા શબ્દો, અતિસૂક્ષ્મ નિરીક્ષણ અને અજોડ ઉપમા સાથે રસ ઝરતાં તેમનાં ગીતોનો જાદુ આજે પણ લોકહૈયામાં અકબંધ છે. કવિ કાગના સથવારે જ મેઘાણીભાઈ લોકસંસ્કૃતિને સુપેરે ઉજાગર કરી શક્યા. કવિ કાગની ગાવાની પઘ્ધતિ પણ પરંપરા મુજબ. ન કોઈ વાજિંત્ર કે ન કોઈ સાજિંદા. પોતાના હાથની લાંબી આંગળી અને હથેળીના તાલે ભાવાવેશમાં ગીતો, ભજનો લલકારતાં કવિ કાગ કોઈ માઈકની વ્યવસ્થા વિના હજારો લોકોને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરી શકતા.

કવિ કાગ મૂળભૂત રીતે ભક્તિના માણસ એટલે લોકો એમને ભગતબાપુ તરીકે ઓળખતા. રાજુલા પંથકમાં ત્રણ જણાની ત્રિપુટીને લોકો આજેય અનન્યાભાવથી યાદ કરે છે. ‘કનુ કલ્યાણજી ને કાગ, એમના જીવતરમાં નઈં ડાઘ.’ કનુભાઈ લ્હેરી એટલે આરઝી હકૂમતના સેનાની અને સમર્પિત લોકસેવક. કલ્યાણજી મહેતા ડુંગરના નાના વેપારી પણ એમના ઉમદા આતિથ્યસત્કાર. અને ત્રીજા કાગવાણીની સરવાણી વહાવી અભણ માનવીઓના હૈયે એકચક્રી રાજ કરતા ભક્તકવિ દુલા ભાયા કાગ. ભગતબાપુના હૈયામાંથી પ્રગટેલી ભજન સરવાણીના શબ્દોને લોકહૈયાંએ સ્વાતિબિંદુની જેમ ઝીલ્યાં છે. એમનું એક નાની વાદળી થાજોનું ગીત આપણને કેટકેટલું કહી જાય છે!

તમે વાદળી નાની થાજો રે, સમદર મોટો થાશો નહીં,
તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં.

નિત્ય ભરી જાય નિર તમારાં, કોઈને નહીં નકાર,
ભરે પાણીડાં તોય ન ખૂટે, તળવાણીની ધાર
તમે નાનો વીરડો થાજો રે, મોટો કૂવો થાશો નહીં.

તપતાં બળતાં પશુપંખીડા, બેસે શીતળ છાંય
મારગ કાંઠે આસન માંડી, ઊભા રહી સદાય,
તમે નાની લીંબડી થાજો રે, તાડ મોટો થાશો નહીં.

કોઈની પાસે કંઈ ન માગે, કરે સદા ઉપકાર
થાક્યા પગના કાંટા કાઢે, ધન્ય એનો અવતાર
તમે નેરણી નાની થાજો રે, તીખી તલવાર થાશો નહીં.

દર્દ ટળે ને દવા મળે કાં ભૂખ્યાને ભોજન
ભય મટે ને ભ્રાંતિ ભાંગે, શાંતિ પામે મન
તમે નાની ચીઠ્ઠી થાજો રે, કોરટનો કાગળિયો થાશો નહીં.

નર નારીને નેહ ઘણેરો, બાળ રમે બે ચાર
‘કાગ’ ખંભામાં ભર્યા ખજાના આવ્યા ને સત્કાર
તમે નાની ઝૂંપડી થાજો રે બંગલો મોટો થાશો નહીં.

આવા ગીતોમાં કવિએ જાણે કે ડહાપણનો દરિયો ઠાલવ્યો છે. કાગવાણીના ચાર ભાગ આવાં ગીતોના છે. ભારત સરકારે કવિ તરીકે એમને વધામણા આપતો પદ્મશ્રીનો ઈલ્કાબ સને ૧૯૬૨માં એનાયત કર્યો. સને ૧૯૯૮માં કવિના ગામ મજાદરને પૂ. મોરારિબાપુના વરદ્‌હસ્તે ‘કાગધામ’ નામાભિધાન કરાયું. શ્રી બળવંત જાની લખે છે કે ‘કવિના નામથી કોઈ ગામનું નામ સ્થપાયું હોય અને કોઈ યોગી સંસ્કારપુરુષના હસ્તે તે થાય એ ઘટના દુનિયામાં કદાચ વિરલ હશે. કાગવાણી જેટલા કોઈ ગુજરાતી કવિના સંગ્રહો નહીં વેચાયા હોય.’ મારે અહીં કાગવાણીની નહીં પણ કાગવાણીના ચાર મણકા પછી ભગતબાપુએ પાંચમો મણકો ‘બાવન ફૂલડાંનો બાગ’ આપ્યો છે એની વાત અહીં કરવી છે. એમાં કાવ્યો નથી પણ લોકો વ્યવહારમાં અને આચરણમાં મૂકી શકે એવાં ૨૬૦૦ જેટલાં સૂત્રાત્મક વાક્યોનો ફૂલ બગીચો આપ્યો છે. જેની ત્રીજી આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ હતી. ત્રણેય આવૃત્તિઓની ૭ હજાર નકલો પ્રગટ થયા પછી આજે એ અપ્રાપ્ય છે. કવિતા લખનારા કવિએ સુવાક્યોની સફરે અકસ્માત ચડી ગયા. વાત એમ હતી કે કાગબાપુ ભણેલા ઓછું છતાં પત્રવ્યવહાર નિયમિત કરતા. સ્વજનોને પત્રો લખતાં એમાં સુવાક્યો ટાંકવાની એમને ટેવ. આમ તેઓ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠિ નાનજીભાઈ કાલિદાસ મહેતાને પત્રો લખતાં એમાં આવા પ્રેરક સુવાક્યો ટાંકતા. શ્રી નાનજીભાઈને આ સુવાક્યો કિંમતી કણ જેવા લાગ્યાં. એમણે કાગબાપુને આનો સંગ્રહ પ્રગટ કરવા વિનંતિ કરી. એના સુફળરૂપે ‘બાવન ફૂલડાંનો બાગ’ સંગ્રહ પ્રગટ થયો.

એની પ્રસ્તાવનામાં પિંગળશીભાઈ લખે છે કે ‘આ પુસ્તકમાં જીવનને સ્પર્શતા સૂત્રોનો એમણે સંગ્રહ કર્યો છે. એમાં સનાતન સત્યથી ભરપુર મહાવાક્યો છે. વ્યવહાર નીતિની અનેક શિખામણો છે. ઐતિહાસિક સત્યોની વિવિધ તારવણી છે. રાજનીતિના બોધપાઠો છે. માનવ સ્વભાવના વિવિધ પાસાંઓનું વિશ્વ્લેષણ છે. એમાં ધર્મોપદેશ છે, સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. અહીં ગ્રંથકાર વિદ્વત્તાનો ઝભ્ભો પહેરી પોતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આંજી નાખતાં નથી. એમની કહેવાની શૈલી એવી સીધી અને સરળ છે કે આપણા મનને વાંચનનો થાક લાગતો નથી, પણ પ્રસન્નતા મળે છે. સત્યવક્તા ચારણ તરીકે દુલા ભગતે ગોળમાં વીંટીને કેટલાક કડવાં સત્યો પણ આપણને સંભળાવ્યાં છે. આપણી નબળાઈઓ તરફ મિત્રભાવે આંગળી ચીંધી છે. આપણા મિથ્યાભિમાનને ચીમકી આપી છે, પરંતુ આ બઘું પ્રાસાદિક રીતે મુલાયમ સ્પર્શથી કર્યું છે.’ આવો આપણે આ બાવન ફૂલડાંના બાગમાં એક લટાર મારીએ.

૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.

૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.

૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.

૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.

૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.

૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.

૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.

૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.

૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.

૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.

૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.

૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.

૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.

૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.

૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.

૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.

૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.

૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.

૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.

૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.

૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.

૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.

૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.

૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.

૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.

૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.

૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.

સ્વાતિબિંદુએ છીપમાંથી પ્રગટેલાં સાચાં મોતીડાં જેવા ૨૬૦૦ જેટલાં વિચારમૌક્તિકોથી ‘બાવન ફૂલડાંનો બાગ’ મહેંકી રહ્યો છે. સમાજ એની સુવાસને પારખે એ જ કાગબાપુને સાચી શ્રઘ્ધાંજલિ છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!