અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો લઇ રહી છે. વૈદ્યરાજ વધુને વધુ વિચારના વમળમાં ઘુમરીઓ લઇ રહ્યો છે.
વાત એમ બની હતી કે, મુંબઇ ઇલાકાની અંગ્રેજ કોઠીમાંથી એક ફતવો બહાર પાડયો છે. ‘આસવારિષ્ટ’ આ એક જાતનો દારૂ છે. તે બનાવવા અને વેચવા સામે મનાઇ કરવામાં આવશે. આવા ફતવાએ હિંદભરના વૈદ્યોમાં ફફડાટ કર્યો પણ કોઇએ ચૂંકારો કર્યો નહીં.
આ વાત સાંભળી અમદાવાદનો બાપાલાલ નામનો આયુર્વેદમાં અખંડ ઉપાસક વૈદ્ય વલોવાઇ રહ્યો. એનું અંતર અંદરથી પોકારો પાડી રહ્યું છે કે આસવારિષ્ટ તો આયુર્વેદનું અમૃત છે. એ બંધ કરાવવાની તજવીજને તોડવી જોઇએ. પણ કરવું કેમ ? કામ ઘણું કપરું છે.
એક બાજુ અંગ્રેજ સરકારની અણનમ સત્તા. બીજી બાજુ પોતે પડીકી બાંધનારો વૈદ્ય. પોતાની અને સરકાર વચ્ચે આભ – જમીનનું અંતર. દેશમાં પરદેશી દવાનો પગપેસારો એ બીજી બાજુ આયુર્વેદનો આવી રહેલો અસ્તાચળ. બધી વાતને વિચારને ત્રાજવે બાપાલાલ તોળી રહ્યો છે.
અંતરમાં ઊંઠેલો અજંપો અકળાવી રહ્યો છે. બાપાલાલ આળોટતી અકળામણમાંથી ઉકેલ શોધવા મથી રહ્યો છે. આખરે વૈદ્ય એક વાત ઉપર આવીને અટકયા.
સવારે વૈદુ કરતા વૈદ્યરાજોને ભેગા કરીને વાતને ઉપાડવી. સરકારની આંખ ઉઘાડવી. મનસુબો ઘડીને બાપાલાલ ભરનિંદરમાં પોઢી ગયો. ઘડી પહેલાનું ધમસાણ શમી ગયું. અમદાવાદ માથે અંધકારમના ઓઢણા ઉતરી ગયા. ઉદયાચળના પહાડ પરથી અરૂણના તેજ બાપાલાલને આંગણે આળોટયા. કમળની પાંદડીએથી ઝાકળ ઝરી પડી. ચંડોળા તલાવડીના જળે સૂરજદેવનાં તેજ ઝીલ્યાં. આળસ મરડીને આખું અમદાવાદ બેઠું થયું.
બાપાલાલ પુજાપાઠમાંથી પરવારી માથે પાઘડી મૂકી ખંભે સોનેરી સળીએ શોભતો ખેસ નાંખી, પગમાં પંપશુઝ પહેરી ખોખારો ખાઇને હાથમાં લાકડી ધરીને નીકળી પડયા. બાપાલાલે અમદાવાદના વૈદ્યરાજોને તેડું મોકલ્યું. બાપાલાલના બોલે એક પછી એક સૌ ભેળા થયા. ભાપાલાલે વાત માંડી-
‘આસવારિષ્ટ માથે આફત આવી છે. એનું કેમ કરશું ?’
‘સરકારને તે કેમ કરીને પૂગાશે?’ એક વૈદ્યરાજે મુંઝવણમાં મમળાવીને વેણ કાઢ્યા-
બાપાલાલે ધીરજથી વળતો ઉત્તર દીધો,
‘આસ વારિષ્ટનો અંત એટલે આયુર્વેદના અમૃતનો અંત જાણજો.’
‘બાપાલાલ .. તમારી વાત તો લાખની છે પણ સિંહને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે’
વૈદ્યોમાંથી એક જણે આખા હિન્દ માથે હાકેમી ભોગવતા અંગ્રેજ સરકારનું ચિત્ર દોર્યું. શાહીસત્તાને ખ્યાલ આપ્યો.
‘તમારામાંથી કોઇ ભેળા હાલે તો હું કહેવા જાઉં.’
બાપાલાલની જીગર જોઇને વૈદ્યરાજો તાજુબ થઇને બોલ્યા.
‘પણ બાપાલાલ! અંગ્રેજ સરકારમાં આપણું સાંભળશે કોણ ? આપણું ઉપજે શું ?
સવાલ કરનાર માથે મટ માંડીને અજોડ યોદ્ધા જેવા બાપાલાલને બોલ્યાઃ
‘ભાઇ, સાંભળે કે ન સાંભળે પણ આપણે સંભળાવવું છે.’
પળવાર બધાનાં મોઢા બંધ થઇ ગયાં, સળી પડે તોય અવાજ સંભળાય એવી ચૂપકીદી છવાઇ ગઇ.
વળી પાછો એક જણે બોલ્યો –
‘બાપાલાલ, સત્તા સામે શાણપણ નકામું છે. વિલાયતી દવાઓ ઘાલવી છે એના આ બધા ઉધામા છે.’
બાપાલાલે હળવેથી વેણ કાઢ્યાં –
‘ઇ ક્યાં મારાથી અજાણ છે ? ભલેને આવે વિલાયતી દવાઓ, પણ આસવારિષ્ટ ઓસડ છે અને એ આપણું ઓસડ છે તેની બંધી સામે મારો વાંધો છે. આ વાત મારે સરકારને મોઢામોઢ કહેવી છે.’
‘તમારામાં હિંમત હોય તો અમારી કાંઇ ના નથી, પણ સરકાર છે એટલું ધ્યાન રાખજો.’
‘આવો હુકમ નીકળતો અટકાવવા હું મારા પ્રાણ પાથરવા તૈયાર છું પછી ક્યાં વાત છે ?’
બાપાલાલના બોલ સાંભળી સૌ મોંમાં આંગળાં નાંખી ગયા.
‘અમે ભેળા રેશું પમ અમે એક પણ વેણ બોલશું નહી.’
‘બોલનારો હું બેઠો છું. તમે ભેળા હાલો એટલે મારે મન ઘણું.’
વાત પાકી કરીને બાપાલાલે મુંબઇ જવાની તૈયારી આદરી. દૂધે બાંધેલા ઢેબરાના ડબા ભરાવ્યા. બે – ત્રણ વૈદ્યોને ભેળા લઇને બાપાલાલ મુંબઇ ઉતર્યા. મુંબઇમાં સરકાર સામે બાપાલાલ વૈદ્યે જોરદાર જબાનમાં રજૂઆત કરી કે,
‘સાહેબ, આસવારિષ્ટ દારૂ નથી પણ દવા છે. અમારા આયુર્વેદમાંથી આસવારિષ્ટ જાય તો આયુર્વેદનો અગ્નિસંસ્કાર થઇ જાય છે. સરકાર આવો કોઇ હુકમ બહાર પાડશે તો તે સામે પહેલો શહીદ હું થઇશ.’
બાપાલાલની વાત સાંભળી અંગ્રેજ સરકાર ચૂપ બની ગઇ ને આસવારિષ્ટ પર આવતો પ્રતિબંધ અટકી ગયો.
નોંધઃ આ બનાવ વિક્રમ સંવત ૧૯૬૮માં બન્યો હતો. આ બનાવ પછી તેમણે પોતાના ઘેર વૈદ્ય મિત્રોને બોલાવી વૈદ્ય સભાની સ્થાપના કરી. આ સભાના પોતે પ્રમુખ બન્યા. તેમણે દ્વારકા, પીઠાધીશ્વર, જગદ્દગુરુ શંકરાચાર્ય મહારાજ, પૂ. માધવતીર્થજીની પણ ચિકિત્સા કરી હતી.
આ આયુર્વેદના ઉપાસક વૈદ્ય શ્રી બાપાલાલ હરિશંકરનું અવસાન તા.૨૮-૧૦-૧૯૧૫ના રોજ થયું હતું…
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ