તે દિ અશ્વ પર સવાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કિધો
અશ્વો દ્વારા જ કાઠી દરબારોએ કાઠીયાવાડ મેળવ્યું છે, જાણે કે કાઠી દરબારો અને ઘોડાઓએ એકબીજા માટે જ અવતાર ધારણ કર્યો હોઇ ઇતિહાસ જોતા માલુમ પડે છે કે આજ ની બ્રીડ ‘કાઠીયાવાડી ઘોડા’ માટે નો મુળ શબ્દ ‘કાઠી ઘોડા’ જ હતો, જે ઘોડા ને પોતાની જાત માટે ‘કાઠી ઘોડા’ શબ્દ મળ્યો એ તેમનુ મહામુલુ પ્રદાન દર્શાવે છે.
ભારત મા ઋગવેદ કાળથી જ ઘોડાઓ પળાતા હતા. જયારે ૬૦૦૦ વર્ષ પહેલા યુક્રેન રશિયામાં ઘોડા પાળવામાં આવતા હતા. ઘોડા અને ઘોડી બન્નેનાં સંયુકત નામને ‘અશ્વવડવ’ કહેવામાં આવતુ હતું. એક ઘોડો આખા દિવસમાં જેટલી મંજીલ કાપે તે અંતરને ‘આશ્રીન” કહેવાતું. ગાય, ઘોડા અને સારો પુત્ર એનેજ ધન સમજવામાં આવતા.
સૂર્યનારાયણનાં લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા દેવી સાથે થયા હતા. જે સજ્ઞા દેવી સૂર્યનાં તેજ ને સહન ન કરી શકતા સૂર્યની પાસે પોતાની છાંયા મુકીને પિતાની ઘરે ચાલ્યા ગયા ત્યારે પિતાએ તેને સમજાવીને પાછા મોકલ્યા પણ સંજ્ઞાદેવી સાસરે પાછા ન જાતા તેમણે અશ્વિનીનું રૂપ લઈ કોર્ણાકનાં વનમાં ચરવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણે સમાધી ચડાવીને જોયુ તેને સંજ્ઞાદેવી એ વનમાં દેખાયા, ત્યારે તેણે સંજ્ઞાદેવીની પરિક્ષા કરી એ પરિક્ષામાં સંજ્ઞા દેવી હેમખેમ પાર ઉતરી ગયા ત્યારે સૂર્યનારાયણ કહયુ કે દેવી માંગો વરદાન સંજ્ઞાદેવીએ પુત્ર માંગ્યા તે ભગવાને આપ્યા તે સંજ્ઞા દેવી (અશ્વિનીને) અશ્વિનીકુમારો જન્મયા આવી દંતકથા કાઠીઓમાં અને પુરાણોમાં પ્રચલિત છે. ભગવાન સૂર્યનારાયણે અને સંજ્ઞા દેવીએ ઘોડા ઘોડીનું રૂપ લીધુ હોવાથી કાઠીઓ ઘોડાઓને પ્રિય અને પૂજય ગણાવે છે.
ઘોડાઓનાં પણ વર્ણવ્યવસ્થા મુજબ પ્રકારો પાડવામાં આવ્યા હતા.જેમ કે બ્રાહ્મણ જાતિનો ઘોડો માઢું વાળીને પાણી પીવે છે, ક્ષત્રિય જાતિનો ઘોડો ખરી લગાડીને પાણી પીવે છે, વૈશ્ય જાતિનો ઘોડાં હોઠ વડે પાણી પીવે છે, શુદ્ર જાતિનો ઘોડો હંમેશા પાણી પીતા ડરતો રહે છે.
કાઠીઓએ ઓછી સૈનિક શકિતનાં બળે પણ ઘણો બધો વિસ્તાર મેળવ્યો હતો તેની પાછળનું એક અગત્યનું કારણ તેના ઘોડાઓ અને તેઓની ઘોડાઉછેરની એક વિશિષ્ટ આવડત એ હતી. વળી કાઠીઓની વસ્તી જ ખૂબ જ ઓછી હતી. દા.ત. ઈ.સ.૧૮૬૫માં કાઠીઓની વસ્તી ૨૮૫૦૦ હતી.” તો જયારે કાઠીઓ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા ત્યારે તેની વસ્તી કેટલી હશે ? એવા કાળમાં આ કાઠીઓએ માત્ર ઘોડાઓ, પોતાના બાહુબળ અને ગેરીલા પધ્ધતિથી સૌરાષ્ટ્રનો વિસ્તાર કબજે કર્યો હતો. જયારે સામે પક્ષે તો શસ્ત્ર સરંજામ પણ પુરતો રહેતો અને પાયદળ, હયદળ અને અશ્વદળ પણ પુરતા પ્રમાણમાં હતા જયારે આ અલ્પસંખ્યક કોમે માત્ર ઘોડા અને પોતાની આ વિશિષ્ટ યુધ્ધનીતિથી જ વિસ્તારો મેળવ્યા હતા. આ કારણોસર શરૂઆતથી જ ઘોડાઓની ખૂબ માવજત અને ઉછેરમાં તેવો માહેર રહયા છે. કાઠીઓ જેવી ઘોડાઓને અન્ય કોઇ કેળવણી આપી શકતુ નથી તેથી જ અન્ય ઘોડાઓની સરખામણીમાં કાઠી ઘોડો વખણાય છે. કાઠી ઘોડાની મહત્તા સમજીને જૂનાગઢ રાજયે તો કાઠી ઘોડાની ટપાલ ટીકીટ બહાર પાડી હતી “
અશ્વ ઉછેર ની વિશીષ્ટતા»
કાઠી દરબારોમા એક કહેવત છે કે, ‘નરા તરા એક તાસીર’ એટલે કે ઘોડી અને સ્ત્રીને એક તાસીરનાં ગણ્યા છે જેથી ઘોડીએ ઠાણ દીધા પછી છ દિવસે છઠ્ઠી કરવામાં આવે છે અને એની સુવાવડમાં આખા ઘઉંને ઘી ચોપડી ખવરાવવામાં આવે છે. ઘોડીને જયારે વછેરૂ આવે છે ત્યારે તેઓને ખ્યાલ આવી જાય છે કે ઘોડી ૧૧ મહિને જ ઠાણ આપે છે. જેથી ઠાણ આપતી વખતે વછેરાની નાળ કાપવી અને તેને દોરો બાંધવો અને તેને છરી અને વીણેલી દોરી તૈયાર જ રાખવામાં આવે છે. જો આમા ભુલ થાય તો એની નાળમાંથી વધુ લોહી જતુ રહે અને વછેરૂ મરી જાય છે પણ જે મોટુ અને જાતવાન ઘોડું છે એને માટે આ તૈયારી રાખવામાં આવે છે જયારે ટારડું ઘોડું જંગલમાં ફાણદ અને વછેરૂ નીચે પડે ત્યારે ફરતો પડદો હોય છે તે તેની માં દતંથી કાપે છે એટલે એ પડદા બહાર વછેરૂ નીકળે છે. નાળ કાપવા માટે જંગલમાં કોઇ ન હોય ત્યારે ઘોડી પોતે જ દાતથી નાળ કાપી અને દાતમાં દબાવી રાખે છે. લોહી તેમાથી જવા દતી નથી. છઠ્ઠી કરવામાં ઘોડી અને વછેરાની બહાર જળાશયે લઇ જવામાં આવે છે અને ઘોડીનાં કપાળે પાણી છાંટવામાં આવે તથા ચાંદલો કરવામાં આવે છે આને જળજરીયુ કહેવામાં આવે છે “આ પછી એક મહિના બાદ પહેલા દશેયાનાં ઠાણે ઘોડી દોરાવી“બીજુ વછરૂ લેવામાં આવે છે.
કાઠી ઘોડાઓનું પરિક્ષણ ઉત્તમ, મધ્યમ અને કનીષ્ઠ કેવો પ્રકાર છે તે ઘોડાના અવયવોનાં માપથી કરે છે. લગભગ ઘણા ખરા કાઠી વૃધ્ધો ઘોડાઓની જાત અને તેની પરિક્ષણ જાતે જ કરી શકતા અને તેના માપદંડો તેને મોઢે જ રહેતા હતા. ઘોડીને ગર્ભ ધારણ કર્યા પછી અગિયારમાં મહિને પ્રસવ થાય છે. જન્મ થતા જ તેને ખુર થી જાનુ પર્યંત માપતા જેટલી ઉંચાઇ જણાય એના થી ત્રણ ગણી ઉંચાઇ તેની યુવાવસ્થા મા થાય છે ચાર જ વર્ષ સુધી બાલ્યવસ્થા (વછેરૂ) ગણાય. ત્યાં સુધી તેને કોઇ કામમાં લેવાય નહી અને કામ લે તો ઘોડું આગળ જતા નિર્બળ બની જતો. આ સમયે ઘોડાનાં મોઢામાં લગામ નાખવાનો મહાવરો કરવામાં આવતો. ઘોડા પાંચથી આઠ વર્ષનાં થાય ત્યાં તેની યુવાવસ્થા ગણાતી આ અવસ્થામાં તેને ચલાવવાની શરૂઆત કરવામાં આવતી અને જુદી જુદી ચાલો શીખવવામાં આવતી. ૯ થી ૨૦ વર્ષ સુધી ઘોડાની પ્રોઢ અવસ્થા ગણાય. ઘોડાને રાખવા માટે તથા ખોરાક વિશે સારી એવી જાણકારી રાખવી અગત્યની થઇ પડે છે અને તેની જાણકારી કાઠીઓ રાખતા હોય છે.
સુકુ ઘાસ અશ્વને માટે ઉત્તમ ખોરાક છે. ઘાંસ પાણીથી ઘોઇ સુકવી પછી ખાવા આપવુ. અશ્વનાં ઉદરમાં જાજી જગ્યા હોતી નથી એટલે એકદમ વધારે ખાઇ શકતો નથી માટે થોડી થોડી વારે ઘાસ આપવું. કોઇવાર થોડા ગાજર દેવા આ બધુ દેવાથી તેનુ ઉદર ફુલી જાય છે. બે વખત દાણા ખવડાવવા દાણા સાથે થોડુ મીઠું સારૂ છે. દાણામાં ઉત્તમ ચણા છે અશ્વને સ્વચ્છ પાણી આપવું પાણી પાયા બાદ થોડો સમય ફેરવવો અને સવાર સાંજ પણ ખુલ્લી હવામાં ફેરવવો. આખો દિવસ છાંયે બાંધવાથી જોખમ વગેરે થાય છે કયારેક તડકામાં ફેરવવો લાભકારક છે. અશ્વ માટે નરમ અને સુકા ઘાસનુ આઠ નવ આાંગળ પીળી સંયા બનાવવી સવારે લઇ લેવી બગડેલુ ઘાસ બદલવું. શીત કાળમાં ગરમ કપડું ઓઠાડવું, વરસાદનાં દિવસોમાં મચ્છરથી રક્ષણ કરવું, અશ્વનાં ચારેય પગમાં નાલ જડાવી, ખુરથી નીચેના કઠીન ભાગને શરીર છોલી નાળ બાંધવી . જે નરમ સ્થાનમાં ખીલ્લો બેસે તો લંગડો થાય છે. અશ્વનાં શરીરમાં પરસેવો થાય છે તેમાં ધુળ કે કાદવ ચોટે છે માટે સવાર સાંજ ખરેરાથી તેનું શરીર સાફ રાખવું. ખરેરી કરતા પહેલા મોઢામાં લગામ દઈ ગરદને જરા ખેંચી રાખવી. અશ્વ જે બદમાશ હોય તો લગામને તાણી પુછડી સાથ બાંધવી. પ્રથમ ગરદનને અને પછી બીજા અંગને ખરેરો કરવો. ખરેરા બાદ પીછી ફેરવી સફેદ વસ્ત્રથી શરીર લુંછી નાખવુ પછી તેના ઉપર ગાદી ફેરવી કેશવાળી તથા પુછને કંધીથી સાફ કરવી.
વર્ષમાં બે વાર કારતક અને ફાગણમાં ઘોડો રૂવાટી બદલે છે ત્યારે ખરેરો ન કરવો. અશ્વ પર હંમેશા સવારી ન થતી હોય તો ખુલ્લા મેદાનમાં ચાર પાંચ ઘડી બરાબર ચલાવવો કારણ કે બાંધી રાખવાથી તેને જવળ કે એવા કોઇ વ્યાધી થાય છે તેને ખાધા પછી આરામ નહી આપવાથી, બીમાર હાલતમાં બાંધી રાખવાથી, વરસાદ વખતે વિશેષ ગરમીમાં કામ કરાવવાથી અને થાકેલાને એકદમ પાણી પાવાથી તેને કઠીન પીડા થાય છે. ઘણી વખત મરી પણ જાય છે. મહેનત કરાવ્યા પછી મીઠાનાં કે સ્વચ્છ પાણીથી મુખનાં ફીણ, અંડ, તેની આસપાસનાં ફીણ ધોઇ ટેલાવવું, પરસેવો દુર થયા પછી અશ્વશાળામા લાવી ઘાસથી તેનુ શરીર સાફ કરી પાણીથી ધોઈ તેને કોરૂ કરી ગાદી ફેરવવી પછી જ તેને ખવરાવવું પીવરાવવું જેથી તેનો થાક દુર થાય. ઘોડાના ઘણા જાણકાર કાઠીઓ જ હોય છે તેથી તે જાણકારો ઘોડીને ઉનાળામાં દોરાવે છે. ત્યારે તેની રૂવાટી જીણી અને સુંવાળી થાય છે. આ જાણકારોને તીથીનું પણ જ્ઞાન હોય છે જે અમુક તીથીએ દોરાવે તો વછેરી જ આવે, આ તિથી બહાર વછેરો આવે છે. ઘોડાની માવજત માટે વછેરાઓને દુધ પાવવામાં આવે છે. ઘોડાઓને જોગાણમાં ચણા, દાળ અને બાજરો વધારે આપવામાં આવે અને મગ કળથીનું બાફણ પણ આપવામાં આવે છે. શુકનીતિમાં ઘોડાની પરિક્ષા, ઘોડાનો ખોરાક, ઘોડાનું શિક્ષણ વગેરે વિષયની સુંદર ચર્ચા કરવામાં આવી છે.
શુકનીતિ મુજબ ઘોડાને ખાવા માટે ચણા, અળદ, લીલા સુકા મઠ તથા સંપુર્ણ રીતે રાંધેલું માંસ આપવાનું લખ્યું છે. પણ કાઠીઓ ઘોડાને કદી પણ માંસ આપતા નથી. ઘોડાને ખોરાકમાં ગરમ વસ્તુ આપવાની જરૂર હોય છે તેથી બાજરો, રજકો, ગોળ, ચણા વગેરે વગેરે અપાય છે. વળી ઘોડા ઉછેરમાં એ પણ ખાસ ધ્યાન રાખવુ પડે છે કે વછેરૂ પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને ઘી અપાય નહી. ઘી ખવરાવવાથી તેના પગ બગડે છે પણ ખાલી દુધ પાવામાં આવે તો વછેરૂ પચાવી લે છે. પાંચ વર્ષથી ઉપરનાં ઘોડાને ઘીની સુખડી કરી ખવરાવાય છે. બીજી રીતે ઘોડાને અસેળીયાની ખીર કરી ખવરાવવામાં આવે છે. કાળીજીરીની ફાકી બાજરાનાં લોટ સાથે અપાય છે. આમ ગરમ પદાર્થો ઘોડાને ગુણકારી છે. વછેરાની આગળ સંચળનો ગાંગડી રાખવામાં આવે છે એટલે વછેફ ગાંગડી જયારે ત્યારે ચાંટીયા કરે છે. તેમા તેની સાથે દવા પણ આપી દેવાય છે. કાઠી દરબારો ઘોડાને દરિયાનું પાણી અને સરસૈયાનું તેલ લગાડતા તેથી ઘોડાના વાળ જલ્લી વધતા હતા. ખાસ કરીને મોઢાની માણેકલટ અને કેશવાળીમાં આનો ઉપયોગ કરતા. કારણ કે કેશવાળી ઢીંચણ સુધી લાંબી હોય તે ઘોડા વધારે રૂપાળા લાગે છે. ઘોડી જયારે દોડાવવાની હોય કે દાણ કળાવતી હોય ત્યારે ઘોડા ભેગી કરવામાં આવે છે. ઘોડાનાં જે ખાસદાર હોય તે ધોડીને દામણ દઈ ઉભી રાખે છે અને ઘોડો જયારે ઘોડી ઉપર ઓવાળે ત્યારે તેનુ લીંગ પકડી લે છે અને તેમાંથી જરતા વીર્યને હથેળીમાં પુંભડામાં લઇ લે છે પછી તેમાં ઉદર અથવા તેતરનું લોહી ભેળવી પછી માખાણ ગવાળો હાથ કરી ઘોડાનાં લીંગને બદલે તે હાથ ઘોડીની યોનીમાં મુકી તે પુંભડુ કમળમાં મુકી દેવામાં આવે છે પછી જયારે એ ઘોડીને વછેરૂ આવે કે તેતરના કલરનું કે ઉંદરનાં કલરનું આવે તેને પુંભડી વછેફ કહે છે. કાઠીઓ આ કળા ૨૦૦૦ વર્ષથી જાણતા હતા.
યુધ્ધ ઉપયોગી તાલીમ»
કાઠીઓ યુધ્ધ નીતિમાં અન્ય કરતા થોડા જુદા હતા તેવી જ રીતે રહેણીકરણીમાં કયાંક જુદા પડયા છે. જો કાઠીઓને કોઇ જાતવાન ઘોડો દુશમનનો ગમી જાય તો તેઓ છાનામાના એ ઘોડાનો આંકડાનો ગોઢલો ખવરાવી દેતા તેથી ઘોડાને મોઢામાં ખૂબ જ તમતમાટ ઉપડતો અને બટકા ભરવા માંડતો આથી કંટાળી પેલો માલિક તેને વેચી દેવા કાઢે ત્યારે કાઠીઓ ખરીદી લેતા અને પછી એ જ ઘોડાને બાફેલુ રીંગણ ખવરાવતા તે ઘોડાનો તમતમાટ પણ મટી જતો અને બટકા ભરતા તેને ધીરે ધીરે ભુલાવી દેતા.
કાઠીઓ ઘોડાને યુધ્ધમાં ઉપયોગમાં આવે તેવી પણ તાલીમ આપે છે. જેવો ઘોડાને એવી તાલીમ આપે છે તેને એક કાઠી ઘોડેસવાર સામે દસ ઘોડેસવાર દુશ્મનો આવે તો એ બધાને નોખા પાડી કાઠીનો ઘોડો સોંસરવો થઇને જતો રહે પણ સવાર કે ઘોડાને જરાય વાગે નહી. આવા સમયે જે સામા દુશ્મનો ભાગે તો તેની પાછળ કાઠી સવારનો ઘોડો પાછળ પાછળ જાય છે અને એ ઘોડો ભાગનારની એડી કે જોડુ દબાવી દે છે અને ઘોડો સામાને મોઢાનું ધુંધુ મારીને પાડી દેતો હતો.”
🐎 અશ્વ ની કનોટી (કાન) પાસે કાઠો ક્ષત્રીયો એક ટુંકી વાઘ રાખતા જેને “શંખવાઘ” કેવાય. આ વાઘ નો ઉપીયોગ ભાગ્યે જ કરતા. જ્યારે દુશ્મન આગળ ભાગતો હોય પોતાના અશ્વ સાથે ત્યારે તેનો ભેટો કરવા માટે આ શંખવાઘ નો ઉપીયોગ થતો. શંખવાઘ પકડીએ એટલે સવારને અશ્વની ડોક સાથે થય જવુ પડે જેથી અશ્વ ને વેગ પકડવામાં અનુકુળતા રહે. આ શંખવાઘ ના ઇશારાથી ઘોડી તોપ ના ગોળાની જેમ છુટે.
🐎 કાઠીઓ લગામ ના ઇશારાથી ઘોડાને બે પગે જાડ થવાની તાલીમ આપતા. લગામ ના ઇશારા થી ઘોડો બે પગે જાડ થય ને પાંચસાત ડગલા આગળ ચાલે. જાણે હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડવા હોય તેમ બે પગે જાડ થાય. આ તાલીમ કારેણે માહારાણા પ્રતાપ ના ચેતકે હાથીના કુંભાથળ ઉપર ડાબા માંડયા હતા, અને આજ તાલીમ ના કારણે કાઠી હાદા ખુમાણના બાવળાએ વજેસીંહજીના હાથી ના કુંભથળ ઉપર ડાબા માંડયા હતા.
🐎 પાછળ દુશ્મન આવતા હોય તેને સામે લેવા માટે લગામ નો ઇશારો કરે એટલે ઘોડી બે પગે જાડ થયને પાછલા એક પગે અડધું ચક્કર ફરે એટલે ઘોડી પાછળ આવતા દુશ્મન ની સામે થય જાય.
🐎 વાંદરી જેમ ચારે પગે ઉછળતી ચાલે તેમજ ઘોડી ને ચારે પગે કુદાવતી ચલાવી હોય તો ઘોડીની બન્ને વાઘ પકડી ને ઇશારો કરતાં ઘોડી ચારે પગે કુદતા વાંદરાની જેમ કુદતી કુદતી ઠેકડા મારે. આને “લંગુરી” લેવડાવી કહેવાય.
🐎 શીણ ની લગામ ખેચતા અને પછી લગામ પોચી મુકીને એડી મારતા ઘોડી બે પગે જાડ થાય અને જાણે પાંખ આવી હોઇ તેમ ઉછળે છે, આને “ઘોડી ની ઉડાન” કહેવાય
🐎 યુદ્ધમાં જ્યારે દુશ્મન તલવાર કે ભાલાનો ઘા કરે ત્યારે એ ઘા ચુકવવો હોય તો ઘોડી ના ગોઢણ ઉપર જરા એડી મારતા ઘોડી ગોઢણભેર થય જાય અને દુશ્મન ઘા ચુકી જાય. જ્યારે વજેસીંહજીએ હાથી ની અંબાડી ઉપરથી કાઠી હાદા ખુમાણ ઉપર સાંગનો ઘા કરયો હતો ત્યારે હાદા ખુમાણે પોતાના બાવળા ના આગલા પગે ભાલા ની બુટીથી ઇશારો કર્યો ત્યારે બાવળો ઘોડો ગોઢણભેર થઇ ગયો અને વજેસીંહનુ નીશાન ખાલી ગયું અને સાંગ જમીન માં ખુંપી ગઇ.
🐎 પાછળ આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી ના પેટમાં બે ય પગની એડી અડાડતાં ઘોડી પાછલા પગે કુદીને સોઇજાટકી ને પાછળ આવતા અસવાર ને જુડ મારે છે. આને “ટીટોડ” કહેવાય. ટીટોડ વખતે મોળા અસવાર પડી પણ જાય
કાઠી ક્ષત્રીયો અશ્વો ને આવી તાલીમ આપતા, એક વાર કર્નલ વોકર (Sir Henry Raeburn brigadier General Alexander Walker of Bowland) ને જ્યારે કાઠી દરબાર કાંથડ વરૂએ પોતાની સીહણ નામની ઘોડી સાથે ઉપર ના બધા કરતબ બતાવ્યા ત્યારે કર્નલ વોકરે પાંચ ગામ સામે ઘોડીની માંગ કરેલ. ત્યારે કાંથડ વરૂએ સોયજાટકી ને કહ્યુ કે “સાહેબ પોતાની મેડમ કોઇને આપી શકે?
વોકરે કહ્યુ :ના!
તેવી રિતે હુ મારી સીહણ નો આપી શકુ. આની માથે મે કેટલાય યુદ્ધ ખેલ્યા છે,જે દી હું નહી હોય તે દી તુલસીશ્યામમાં શામજીની જગ્યામાં બંધાશે” અને પાંચ ગામ નો ગરાશ આપતા પણ કાઠી એ પોતાની સીહણ નો આપી. અને કર્નલ વોકરે તે ગામ ઉપર ભાવનગર નો હક્ક ઠરાવી આપ્યો. આમ પોતાની પ્રાણપ્યારી સીહણ ઘોડી માટે પોતાનો ગરાસ નો મોહ જતો કરનારા એ અટંકી અડાભીડ ક્ષત્રીયને ઘોડી પર કેટલો પ્રેમ હશે એની કલ્પના કરવી અઘરી થઇ પડે.
ઘોડા ને ચાલ શીખવવાના માહેર કાઠીઓ»
ઘોડી વિષમ અંગુલી ધરાવે છે તે ખરી ઉપર ઉભો રહે છે અને બાકી બે આંગળી જમીનને સ્પર્શતી નથી તેનો સમાવેશ ઈકિવડી કુળમાં કરવામાં આવ્યો છે. શાસ્ત્રીય નામ EQUUS CABALLUS મંદ ગતી (PACE) રેવાલ,ખદડુકક, કુદકાચાલ તેમ તેની વીવિધ પ્રકારની ચાલ છે.
ઘોડાની ચાલ શીખવવી એ કાઠીઓની ખાસ કળા હોય છે કારણ કે ઘોડાને જો તેની ચાલ ન શીખડવામાં આવે તો તોફાને ચડે છે અને કુદવા માંડે છે. આથી ઘોડાની ચાલ સુધારવા કાઠીઓ ખૂબ પ્રયત્ન કરી તેની ખરાબ ચાલ તેને ચલાવી ચલાવીને ભુલાવી નવી ચાલ શીખવાડે છે.તેઓ ઘોડાને હરણ ઠેક શીખવાડે છે જેમાં ઘોડો એક કુદકો બીજો કુદકો એમ દસ કુદકા મારી જેનારને આશ્ચર્ય પમાડે છે. આવા કુદકો મારી શકતો ઘોડો માયાપાદરનાં દેશાવાળા સાહેબનો ‘કુમાર’ ઘોડો હતો. તેણે સાંથળી દ.શ્રી પુંજાવાળાના લગ્નમાં આવીટેકો મારી જાનૈયાઓને આશ્રર્યમાં મુકી દીધા હતા.
ઘોડાને અડધુ દોડાવાનુ શીખવતા જેને આંઘોળ કહેતા, જેને પળ લેવરાવી તેમ કહેતા એટલે લાંબા પગ મુકીને વેગ કરે તેવી ચાલ પણ શીખવતા, છુટી લગામે અને તેના મનને ફાવે તેમ ચાલવા દે તે ચાલને છુટી ચાલ કહેવામાં આવે છે. પગલા ત્યાંને ત્યાં ભરે તેને ખદ કહે છે, તેમાં સવારને ઘોડો થકવી નાંખે અને ખાંડી નાંખે અને કોઇ દીવસ ન બેઠો હોય એવા સવારને તો ભોઠું પણ પડી જાય છે. આવી ખદ ચાલવાળા ઘોડાને કાઠીઓ સુધારે છે.
કાઠીઓનો મુખ્ય વ્યવસાય અને શોખ ઘોડા ઉછેરનો હોવાથી પેઢી દર પેઢી પંથક પ્રમાણે અલગ અલગ ઘોડાની દરેક બાબતોનાં નિષ્ણાંત કાઠીઓ હતા. જીજાવદર (તા.બોટાદ)નાં ભાણાભાઈ હરસૂરભાઈ ખાચર ઘોડાનાં રોગનાં નિષ્ણાંત હતા, સરતાન પરનાં ગેલાભાઈ મોકાભાઈ ખાચરને ઘોડા ઉછેરવા, ફેરવવા, કુદાવાનું સારૂ એવું જ્ઞાન હતું. કમળાપુર (તા. જસદણ)નાં ગેલા ખાચર પાટિયાળીમાં (તા.બોટાદ)ટપુભાઈ ભુરાભાઈ ખાચર વાંકીયામાં (તા. બાબરા) ગીગાભાઇ કાથડભાઈ ખાચર, સાંથળીમાં અમરાવાળા એભલવાળા, માયાપાદરમાં (તા. કુંકાવાવ)માં અમરાવાળા દેસાવાળા, ધારેયમાં (તા. ચોટીલા)નાજ ભાઈ સુરીગભાઇ ધાધલ, ઘોબામાં (તા.સાવરકુંડલા) ખુમાણ સામંતભાઇ, ચુડામાં (તા.ભેસાણ) નાજભાઈ દાનભાઈ ધાધલ વગેરે વગેરે ઘોડા ઉછેર, ચાલ, રોગ, પરખ વગેરેનાં નિષ્ણાંત હતા. નાગેશ્રી(તા. જાફરાબાદ)નાં સુરગભાઇ વરૂ ઘોડાની દરેક બાબતનાં સારા જાણકાર હતા અને તેમને ઘોડાઓ વિશે ઘણી વાર્તાઓ લખી છે. ઘોડાને છત્રીસ ખોટ અને આઠ એબ હોય છે. ઘોડાને ચાલીસ દાંત હોય છે ઘોડીને છત્રીસ દત હોય છે. એ દંતપરીક્ષણ ઉપરથી ઘોડાનું આયુષ્ય અંદાજી શકાય છે. જેની સરેરાશ આયુષ્ય ત્રીસ વર્ષની ગણાય છે. પરંતુ તેની આયુ મર્યાદા ૧૮ થી ૨૦ વર્ષની અંદાજવામાં આવે છે. ઘોડાની આશરે ૨૫૦ જેટલી જાત છે જેમા ભારતનાં ઘોડાની છ જાતો છે. (૧) કાઠીયાવાડી (ર) મારવાડી (૩) ભુતાની (૪) મણીપુરી (પ) સ્પિતિ (૬) ચુમુરવી. ભારતની આ છ જાતોમાંથી કાઠીયાવાડી ઘોડાની બાવન જાત છે. આ કાઠીયાવાડી ઘોડાની જે જાતો પ્રસિધ્ધ છે તેમાંની અમુક જાતોની ઘોડીઓનાં વંશને નીચેના દરબારોએ અને ગામોએ જાળવી રાખ્યો હતો.
રાજકોટના શેઠ સવજી વાલજીવાળા જાદવજીભાઈના હસ્તલિખિત સંગ્રહમાં સોરઠી સાહિત્યનું એક પ્રાચીન કવિત છે અને તેમાં ૨૮ જાતની જુદાં જુદાં ગામની પ્રખ્યાત ઘોડીની જાતનાં નામો એમ છે કેઃ
ગીત
મુલક કાઠિયાવડમાં ઘોડી ઊંચી જાત,
નામ ઠામ વર્ણન કરૂં છે ક્યાંની પ્રખ્યાત.
છે ક્યાની પ્રખ્યાત તાજણ ભડલી સારી,
જેતપુરમાંહીં જબાદ ચોટીલે ચાંગી ભારી.
મણિયાની જ હીરાળ નહિ સતાવીશ આડમાં,
છે ઘોડી બહુ સરસ મુલક કાઠિયાવાડમાં.
ઢસા ની વાંગળી માણકિ ગઢડા ચમરઢાળ
જસદણ રેડી ભૂતડી ગોસળ મા ફૂલમાળ
ગોસળ મા ફૂલમાળ શીંગાળી લખતર,
ચૂડે બોદલી જાણતે રેશમ સોમાસર.
લક્ષ્મી ધાંધલપુર બેરી મૂળી મેવાસા,
ભાડલે મલપતી-મલ્લ વાગલી માણકી ઢસા.
ભીમોરે કેસર અને નોરણ આંખણિયાળ,
ઢેલ સરસ છે બાબરે અને લીંબડી લાલ.
લીંબડી લાલ રામપાસા હળવદની,
દડવામાંહીં લાસ મની જાણે ગુંદ્રરણની,
લખી ભાખી ખેરવા બગડ વાંદરી,
પાળિયાદની હરણ જુઓ ભીમોરો છે કેસર.
કાઠીઓ પાસે કેવા વિખ્યાત ઘોડા હતા અને તેઓએ સારા એવા પરાક્રમો કરી બતાવ્યા. આ ઘોડાઓ વિશે ઘણી બધા કથાઓ લોકસાહિત્યમાં વેરાયેલી પડી છે.
આ મુંગા પશુઓએ કાઠી દરબારો ના માન,પાન અને વેણ ને પાળી સ્વામી ભક્તિ નો પરચો આપ્યો હતો.
આટકોટ ના દાદા ખાચર ઇ.સ. ૧૭૯૨/૯૩ મા મોરબી ના લશ્કર સાથે ચોટીલા માં લડતા મરાયા તેની ઘોડી ભાગી ને ૫૫ કિમી આટકોટ આવી ને સંદેશો આપવા નુ કામ કર્યુ.
અમરેલી જીલ્લાનાં ઘારંગાણી પાસે એક જુનો ફગાહા નામનો ટીંબો હતો. આ જગ્યાએ સાણીયા વીંછીયા અને તેની વછેરીની લોક વાર્તા મળે છે. સાણીયા વિંછીયાને કોઇએ મેણ માર્યું કે તમે તો એ ટારડા ઘોડા પાછળ ખૂબ વ્યસ્ત છો ? ત્યારે સાણીયા વીંછીયાએ કહયુ કે તો જોઇ લેજે ‘એક દિવસ એ ઘોડી ઉપર ચડીને કાઠી કોમમાં નવાઇ રૂપ કામ કરી આવીશ’ પછી તો સાણીયાએ ધીરે ધીરે એવી બધી ઘોડીને તૈયાર કરી કે તે એક રાતમાં ૭૦ ગાવનો પંથ કાપી આવતી હતી અને લોલીયાણાનાં (કચ્છ)ઠાકોરની કચેરીએ ઘોડીને હોડમાં મુકી કંઇ પણ માંગવાનુ વચન લીધુ અને એ શરત જીતી આ ફગાસનાં માત્રાવાળા સાથે જાડેજી સોનલબાને એ પોતાની ઘોડીનાં પરાક્રમે પરણાવ્યા હતા.“
જસદણનાં કુ.શ્રી જીલુભાઇ ખાચર ઘોડા ઉપર જોડીયા પગે ઉભા થઇ જતા અને ઘોડું ચાંચ ભર તગડે જતા હોય એમાં ભુંડ ઉપર ભાલાનો આંગળી ઉપર ફેરવી ઘા કરતા અને ભૂંડને જમીન ઉપર જડી દેતા હતા.
કાઠીઓનાં અન્ય પ્રખ્યાત ઘોડાઓ વિશેની ઢગલાબંધ વાતો જાણવા મળે છે. જેમના આ પ્રમાણે ના શિર્ષકો થી વાર્તાઓ આપણે જોઇએ છીએ, જેમ કે ધોળીનો રૂખડ અને રૂખડનાં રોજો, હાદા ખુમાણનો બાવળો,ચોટીલા સોમલા ખાચર ની ચાંગી,કોઠી ના લુણા ખાચર ની લખી,પીરાણી તાજણ,સિંહણ નો સવાર,ચડ્યે ઘોડે,ઘોડી અને ઘોડેસવાર,માંકડી નુ દાન વગેરેની કથાઓ ખૂબ જ પ્રખ્યાત છે.
રાજકોટમાં અશ્વર્પધા યોજાય હતી તેમાં રેશમિયાના(તા.ચોટીલા)ખાચર દરબારની ભૂતડી ઘોડી એક હજાર ઘોડામાં પ્રથમ આવી ત્યારે લોકકવિએ તેનો દુહો જોડયો હતો.
આજીકાંઠે આવેલ, હેમર એક હજાર સરિયતમાં સરકાર, તને ભૂપત રિજયા ભૂતડી.
કાઠીઓએ અનેક અન્ય રાજામહારાજાઓને ઘોડાઓ ભેટમાં આપ્યા હોવાના ઉલ્લેખો મળે છે જેમ કે ‘ચેતક’ ભીમોરા દરબાર માંથી દાંતી ચારણો દ્વારા મેવાડ(રાજસ્થાન)ગયો હતો.
પાળિયાદનાં તાલુકદાર દાનાભાઇ નાનાભાઇ ખાચરે ઉદયપુરનાં મહારાણાને ‘રેડિયો’ નામનો ઘોડો ભેટ આપ્યો હતો અને તેને મહારાણાએ ‘શીવબક્ષ” નામ આપી પોતે જ તે ઘોડા ઉપર સવારી કરતા અને દશેરાનાં દિવસે પાટ ઘોડા તરીકે તેનુ જ પૂજન થતુ
“ કાઠી જ્ઞાતિનું ઘોડા ઉછેરનાં ક્ષેત્રે આજે પણ એ પ્રદાન ગણાવી શકાય કે આ ઝડપી અને વાહનનાં યુગમાં પણ એટલુ જ મહત્ત્વ રહયુ છે. તેથી જ કાઠીયાવાડી ઘોડાની જાતો જાળવી રાખવા માટે અનેક અશ્વપાલક મંડીળીઓ ઉભી થઇ છે. એજ રીતે પોલીસદળમાં પણ ઘોડેસવાર પોલીસોનું ખૂબ જ મહત્ત્વ રહયુ છે અને આ પેડોકમાં પણ કાઠી જ્ઞાતિનાં ઘોડા ઉછેરની પદધતીએ જ ઘોડા ઉછેરવામાં આવે છે. સમય પલટાય ગયો છે છતાં આજે પણ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાં અસંખ્ય ઘોડાઓ પાળવામાં આવે છે અને તેનો વંશ જાળવી રાખવાનું અગત્યનું કામ થઇ રહયુ છે. આ જગ્યાઓ સિવાય અન્ય કાઠીઓ આજે પણ ઘણા ગામોમાં ઘોડા ઉછેર કરી રહયા છે. કાઠીઓને મુળથી જ ઘોડા ધાર્મિક રીતે વ્હાલા હોવાથી આજે પણ ઘોડાઓનું મહત્ત્વ તેમને માટે એવું જ રહયુ છે. લગ્ન પ્રસંગે અને દશેરાનાં દિવસે ઘોડા ખાસ તૈયાર કરી શણગારી એ ઘોડાનું કવૌત અન્ય લોકોને બતાવી અચંબામાં નાંખી દે છે. આ આધુનીક યુગમાં પણ કાઠીઓનાં ઘોડા તરફનાં આ પ્રેમ અને તેની ઘોડા પ્રત્યેની લાગણી અને ઉછેરને હિસાબે ઘોડાઓ જળવાય રહયા છે અને અન્ય સમાજનાં લોકોને પણ અને ખાસ કરીને શહેરી જીવન જીવતા લોકોને પણ ઘોડાઓ તરફ ઘેલું લગાડયું છે તે તેનું મહત્ત્વનું પ્રદાન ગણાવી શકાય.
પ્રેષિતઃ કાઠી_સંસ્કૃતીદીપ_સંસ્થાન
સાભાર અને સંદર્ભઃ
-ધીરુભાઇ પી. વાળા(ગુજરાત ના કાઠીયાવાડી અશ્વ)
-ડો.પ્રદ્યુમનભાઇ ખાચર(કાઠીઓ અને કાઠીયાવાડ)
-ભગવદ ગો મંડલ
-જયમલ પરમાર(ભલ ઘોડા વલ વંકડા)
-કાઠી રાજપુત મેગેઝીન,વર્ષ-૧૯૩૧
ચિત્રઃ પ્રભાતસિંહ બારહઠ
ઓમ રેવન્તાય નમઃ
ઓમ સૂર્યાય નમઃ
જય કાઠીયાવાડ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..