અમાત્ય રાક્ષસ પોતાનાં બન્ને કાર્યોમાં જોઈએ તેવા યોગો આવી મળવાથી મનમાં ઘણો જ સંતુષ્ટ થયો. ચન્દ્રગુપ્ત ખરેખર કોણ હશે, એ વિશે તેના મનમાં જે સંશય હતો, તે પણ દૂર થયો અને મુરાદેવીના અંતઃપુરમાં પોતાનો કોઈ પણ ગુપ્ત દૂત હતો નહિ – તેથી ત્યાંની કાંઈ પણ બીના જાણવામાં આવતી નહોતી – તે હવે અક્ષરે અક્ષર જાણવાનો માર્ગ ખુલ્લો થયો. મુરાદેવીના સંનિધમાં રહેનારી દાસી જ એ કાર્યમાટે પૂર્ણપણે અનુકૂલા થઈ; ત્યારે હવે બીજું શું જોઇએ? ઉપરાંત ચન્દ્રગુપ્તના પિતાએ પણ આટલી બધી નમ્રતાથી પત્ર લખી વિનતિ કરેલી છે, ત્યારે એ નિમિત્તે તેનાપર નજર રાખવાથી પત્ર પ્રમાણે કર્યું પણ કહેવાશે અને બીજી યોજના પણ યોજાશે – એવા પ્રકારના વિચારો રાક્ષસના મનમાં ચાલુ હતા. એટલામાં તેનો પ્રતિહારી આવીને પુનઃ તેને પ્રાર્થના કરવા લાગ્યો કે, “સ્વામિન્ ! બહાર કોઈ રાજપુત્ર પધારેલા છે અને તેમના પ્રતિહારીના કહેવા પ્રમાણે તે કિરાતરાજા પ્રદ્યુમ્નદેવના કુમાર ચન્દ્રગુપ્ત છે અને તે ખાસ આપને મળવા માટે જ પધાર્યા છે. જેવી આજ્ઞા.” એ સમાચાર સાંભળતાં જ અમાત્ય ઊતાવળો ઊતાવળો ઊઠ્યો અને દ્વારપર સામે જઇને ચન્દ્રગુપ્તને સત્કાર સહિત અંદર લઈ આવ્યો. એક ઉચ્ચસ્થાને ચન્દ્રગુપ્તને બેસાડ્યા પછી તેણે બોલવાનો આરંભ કરતાં કહ્યું કે, “પાટલિપુત્રમાં આવ્યાને ઘણા દિવસ થયા છતાં આ દાસના ગૃહને તો આજે જ પવિત્ર કર્યું ચાલો. એ પણ લાભ જ થયો.”
“અમાત્યરાજ, મારાપિતા પ્રદ્યુમ્નદેવની ગઇ કાલે જ મને એક પત્રિકા મળી છે. એમાં તેમણે મને એવી આજ્ઞા કરેલી છે કે, તમને ખાસ મળીને હવે પછી મારે પાટલિપુત્રમાં તમારી અનુમતિથી જ વર્તવું. પિતાની આજ્ઞાને માન આપીને જ આજે હું અહીં આવેલો છું.” ચન્દ્રગુપ્તે પોતાના અચિન્ત્ય આગમનનું કારણ સ્પષ્ટતાથી વ્યક્ત કર્યું.
“કુમાર ! મારાપર પણ આપના પિતાશ્રી પ્રદ્યુમ્નદેવનું આજ્ઞાપત્ર આવેલું છે. આપ અહીં રહો ત્યાં સુધી મારાથી થવા જેવી હોય તેવી કાર્ય સેવા નિઃશંકતાથી મને બતાવવી – તેવી સેવા કરવાને હું તૈયાર છું. આપના પિતાના પત્રની વાટ જોઇને આટલા દિવસ આપ બોલ્યા ચાલ્યા વિના છાનામાના બેસી કેમ રહ્યા હશો, એ જ હું સમજી શકતો નથી. આપે અમથી પણ આજ્ઞા કરી હોત, તો તેને માન આપવું, એ મારું કર્તવ્ય હતું. આપને ત્યાં છે તો સર્વ કુશળને?” અમાત્ય પણ કિંચિત્ સંતુષ્ટ થઇને કહેવા લાગ્યો.
“હા – પત્રમાં તો સર્વ કુશળ હોવાનું લખેલું છે.” કુમાર ચન્દ્રગુપ્તે ટૂંકો જવાબ આપ્યો અને થોડી વાર પછી તે રાક્ષસની આજ્ઞા લઇને ચાલ્યો ગયો. રાક્ષસ પોતાના મનમાં વિશેષ સંતુષ્ટ થયો.
પરંતુ ચન્દ્રગુપ્તને જોતાં પુનઃ તેના મનમાં કાંઇક ચમત્કારિક પરિણામ થયું. મુરાદેવી અને એ કુમારની મુખમુદ્રામાં રહેલું સામ્ય તેના હૃદયમાં આવી ઉભું રહ્યું અને વારંવાર તે મનસ્વી જ પ્રશ્ન કરવા લાગ્યો કે, “આવું વિલક્ષણ સામ્ય બંધુના પુત્રમાં કેવી રીતે હોઈ શકે ?” પુનઃ તેણે પોતાના મનનું સમાધાન કર્યું કે, “પ્રદ્યુમ્નદેવ મુરાદેવીને સહોદર ભ્રાતા છે, માટે મુરાની અને તેના બંધુની ચર્યામાં સામ્ય હોય, એ સ્વાભાવિક છે – અને પુત્રનું મુખ પિતા જેવું થયું હશે.”
એવી રીતે મનમાંથી જ ઉપજાવી કાઢેલાં ઉત્તરો વડે રાક્ષસના કેટલાક સંશયો તો તે દિવસે દૂર થયા અને તે સર્વથા નિશ્ચિંત થયો. હવે તેના મનમાં એક જ ચિંતા બાકી રહી – તે એ કે, “રાજા ધનાનન્દ રાજ્ય કાર્યભારમાં કાંઇ પણ ભાગ લેતા નથી. મુરાદેવીમાંથી એને મોહ ઓછો કરીને પાછા એને રાજ્યકાર્યમાં કેવી રીતે નાંખવો ? રાજાને ગમે તે ઉપાયે પણ ઠેકાણે તો લાવવો જોઇએ જ અને આપણો મુરાના મંદિરમાં તો પ્રવેશ પણ થઈ શકે તેમ નથી. પણ હવે જ્યારે મુરાની દાસી જ આપણાથી મળેલી છે અને તે જ આપણી ગુપ્ત દૂતી થએલી છે, તો કોઈને કોઈ યુક્તિથી પણ રાજાનું મન કેાઈ દિવસે પણ ફેરવી શકાશે ખરું. એક વાર રાજાનો અને મારો મેળાપ થયો, એટલે મારું કાર્ય સહજમાં જ થઈ જશે. માટે એ વિશે હવે વધારે કાળજી રાખવાની કાંઈ પણ અગત્ય નથી.” એવો વિચાર કરી ત્યાંથી ઊઠીને તે પોતાના અન્ય કાર્યની વ્યવસ્થા કરવા માટે ઉદ્યુક્ત થયો.
અમાત્યની આજ્ઞા અનુસાર હિરણ્યગુપ્ત પ્રતિદિને ગુપ્ત રીતે સુમતિકાને મળવા માટે મુરાના મંદિરમાં જતો હતો. સુમતિકા પણ તે પૂછે તેનાં યોગ્ય ઉત્તરો આપતી હતી અને જે કાંઇ વધારે બીના બની હોય તો તે વિના પૂછે પણ કહી દેતી હતી. હિરણ્યગુપ્ત એ સર્વ વૃત્તાંત રાક્ષસને કહી સંભળાવતો હતો. એ વૃત્તાંતોમાં મુરાદેવી વિરુદ્ધની વાતોની સંખ્યા વધારે રહેતી હતી. એક દિવસે તો સુમતિકાએ પોતે અમાત્યરાજને મળવાની ઇચ્છા દર્શાવી અને તે પ્રમાણે અમાત્યને ત્યાં આવીને એકાંતમાં રાક્ષસને સૂચવ્યું કે, “મુરાદેવીનો કોઈ કૃષ્ણ કારસ્થાન કરવાનો મનોભાવ છે. પણ તે શું છે, એ હું હજી સંપૂર્ણ રીતે જાણી શકી નથી. હવે એમાં વધારે ધ્યાન રાખીને જે કાંઈ પણ જાણવા જેવું બનશે તો હું તમને તત્કાળ જણાવીશ. આ ભેદ પૂરેપૂરો ખુલી ન જાય, ત્યાં સુધી આજની આ વાતને છૂપી જ રાખજો.”
“પણ એ ભયંકર કારસ્થાન શું છે ?” અમાત્ય રાક્ષસે પૂછ્યું.
“કારસ્થાન શું છે, તે અદ્યાપિ મારા જાણવામાં આવ્યું નથી. માત્ર મને સંશય આવ્યો, તેટલી જ બીના આપને જણાવી છે.” સુમતિકાએ ઉત્તર આપ્યું. રાક્ષસે તેને ખોદી ખોદીને સવાલો પૂછ્યા, પણ તે સઘળાનો જવાબ ! એટલો જ મળ્યો કે, “આવો જ બનાવ બનવાનો છે, એમ હું કાંઈ જાણતી નથી; પરંતુ જરા પણ નવાજૂની બની કે હું તત્કાળ ખબર પહોંચાડીશ.” અંતે રાક્ષસે તેની ઇચ્છા પ્રમાણે જ વર્તવાનો વિચાર કરીને તેને જવા દીધી. રાક્ષસના કોઈ બીજા દૂતે પોતાના સંશયનાં કારણો ન જણાવતાં આવી રીતે મોઘમમાં જ કાંઈ કહ્યું હોત, તો રાક્ષસે તેને તે જ ક્ષણે કાંઈ દંડ દીધો હોત; પરંતુ સુમતિકા પાસેથી તો હજી ઘણું કામ લેવાનું હતું, તેમ જ તેને શિક્ષા કરવી, એ પણ પોતાની શક્તિથી બહાર હતું. એવી સ્થિતિ હોવાથી તેને શિક્ષા કરવી તો દૂર રહી, પણ તિરસ્કારથી બોલાવવી, એ પણ ઇષ્ટ નહોતું. અર્થાત્ એથી જ રાક્ષસે શાંતિથી તેને પાછી જવા દીધી. માત્ર હિરણ્યગુપ્તને તેણે તાકીદ કરી મૂકી કે, “એના પર પૂરેપૂરી નજર રાખવી ને દરરોજ એને નિત્ય નિયમથી મળીને એ જે કાંઈ પણ કહે તે આવીને મને કહી સંભળાવવું.” સુમતિકાના ગયા પછી રાક્ષસના મનમાં વિશેષ ચિંતા ઉત્પન્ન થઈ એ સ્પષ્ટ હોવાથી પુનઃ કહેવાની આવશ્યકતા નથી.
“મુરાદેવી ભયંકર કૃત્ય કરશે એટલે શું? શું કોઈના પર તે વિષપ્રયોગ કરવાની છે ? વિષપ્રયોગ કરવાનો હોય તો તે રાજા ધનાનન્દ વિના બીજા કોના પર કરે એમ છે?” એવી શંકા અમાત્યના મનમાં આવી, એ શંકા આવતાં જ તેનું મન અત્યંત ઉદ્વિગ્ન અને ચિંતામય બની ગયું. જો એ સંશય ખરો હોય – મુરાદેવી એ વિના બીજું કાંઈપણ કરશે; એ રાક્ષસને શક્ય દેખાયું નહિ – તો તેને ટાળવા માટે શી યોજના કરવી, એની તેને સૂઝ પડી નહિ, પોતે રાજાને મળી તેને પ્રમાદની નિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરવો, એ જ-માત્ર એ જ ઉપાય રાક્ષસને શક્ય દેખાયો અને મળવાના બહાનામાં કોઈ પણ મહત્ત્વના, ઘણા જ મહત્ત્વના રાજકારણનું દર્શન કરાવવું. એવો તેણે નિશ્ચય કર્યો. “એમ થશે, તો જ કદાચિત્ પોકાર રાજાના કર્ણ પર્યન્ત પહોંચી શકશે, નહિ તો તેમ થવું અશક્ય છે. રાજાપર કોણ જાણે કેવો પ્રસંગ આવવાનો હશે? હવે આ વેળાએ એવું મહત્ત્વનું કયું રાજકારણ બતાવીએ કે જેથી રાજાનો અને આપણો મેળાપ થાય ? જ્યારે તેના નાશના પ્રયત્નની આપણને માહિતી મળી ચૂકી છે,
ત્યારે તેને સાવધ કરવો અને સાવધ કરવા છતાં પણ સાવધ ન થાય, તો બીજા કોઈ ઉપાયે પણ તેના જીવનું રક્ષણ કરવું, એ મારું કર્તવ્ય છે.” એવો વિચાર કરીને તેણે મનમાં નાના પ્રકારની યુક્તિઓ યોજવા માંડી; પરંતુ તેમાંની એક પણ યુક્તિ તેને રામબાણ હોય એવી જણાઈ નહિ. કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરવાનું હોય, તો તે તમે કરો – તમને એ વિશેની કુલ મુખત્યારી સોંપવામાં આવી છે, એવા મહારાજના તેને આજસુધીમાં એક બે નહિ, પણ અનેક સંદેશાઓ આવી ગયા હતા. માટે હવે રાજાને મોઢેમોઢ મળવાની અચૂક થાય, એવી એક જ યુક્તિ તેના જોવામાં આવી. “જાસૂસો કોઈ શત્રુના ચઢી આવવાની બાતમી લઈ આવ્યા છે, તે રુબરુમાં આપને જણાવીને તે વિશે શી વ્યવસ્થા કરવી, તેની આજ્ઞા લેવાની છે. એમ જણાવીએ, તો જ કાંઈક રાજાના મેળાપનો સંભવ માની શકાય – નહિ તો બીજો ઉપાય નથી. હવે એ જ યુક્તિ કરવી જોઈએ. પણ એની યેાજના કરવી કેવી રીતે ? એ વિશેનો સંદેશો અથવા પત્રિકા મોકલવી કોની મારફતે? આપણી નવીન દૂતિકા વિના બીજા કોઈથી એ કાર્ય સાધી શકાય તેમ છે નહિ.” એમ ધારીને તેણે હિરણ્યગુપ્ત દ્વારા સુમતિકાને બોલાવવાની વ્યવસ્થા કરી. સુમતિકા યોગ્ય વેળાએ આવી – એટલે રાક્ષસે તેને કહ્યું કે, “અત્યારે તારે મારું એક અત્યંત મહત્ત્વનું કાર્ય કરવાનું છે. જો એ કાર્ય તું કરી આપીશ, તો હું તને ઘણું જ મૂલ્યવાન્ પારિતોષિક આપીશ.”
આપ જે કાર્યમાટે આજ્ઞા કરશો, તે કાર્ય ઉભે પગે કરી આવવાને હું તૈયાર છું. મને પારિતોષિકની અથવા તો બીજી કોઈ વસ્તુની કાંઈ પણ અપેક્ષા નથી. આપના જેવા સ્વામિનિષ્ઠ અમાત્યરાજની આજ્ઞાને શિરસાવંદ્ય કરીને કાર્ય સફળ કરી આપતાં મારા મનમાં જે સમાધાન થશે, તે જ મને મળેલું પારિતોષિક છે, એમ હું માનીશ.” સુમતિકાએ મહા યુક્તિ અને ચતુરતાથી એ ઉત્તર આપ્યું. રાક્ષસ એ ઉત્તર સાંભળીને ઠંડો ગાર થઈ ગયો – છતાં પણ પાછા પારિતોષિકની આશા આપતો કહેવા લાગ્યો કે, “કાર્ય કાંઈ વિશેષ નથી. માત્ર આ પત્ર ઘણી જ છૂપી રીતે – ત્રીજા કાનને જાણ ન થાય તેવી રીતે ને મુરાદેવીના જાણવામાં પણ ન આવે તેવી રીતે ચોરી છૂપીથી મહારાજાના હાથમાં પહોંચાડીશ? જો એ પત્ર નિર્વિઘ્ને પહોંચી જાય અને મહારાજ મને મળવાને બોલાવે, તો તત્કાળ તારું પારિતોષિક તારે ત્યાં ચાલ્યું આવશે. એમાં તારે રંચ માત્ર પણ સંશય રાખવો નહિ. કાર્ય તો જો તું ધારે તો સહજમાં કરી શકાય તેવું જ છે……….”
“અમાત્યરાજ ! આપની આજ્ઞા મને શિરસાવંદ્ય છે, એમ હું હમણાં જ બોલી ચૂકી છું – માટે આપના કાર્યની સફળતા થતી હશે, તો હું મારા પ્રાણ પણ ત્યાં પાથરીશ. પરંતુ આ કાર્ય માત્ર આ૫ કહો છો, તેટલું સહજમાં સિદ્ધ કરી શકાય તેવું નથી, એ આપે ધ્યાનમાં લેવું જોઈએ. એક પ્રહર કે અર્ધ પ્રહરની વાત તો દૂર રહી, પણ એક ક્ષણ માત્ર પણ મુરાદેવી મહારાજથી દૂર થતી નથી. વળી તેનાથી છાની રાજા સાથે વાત કરી શકાય, એ તો સ્વપ્ને પણ આશા રાખવી નહિ. એક તે રાજા પાસે ન હોય, એવો સમય જ નથી આવતો, અને યદા કદાચિત્ તેવો સમય આવે, તો દેવીની બીજી દાસીઓમાંની કોઈ એક પણ મહારાજ પાસે હોવાની જ. એ અડચણોને ખસેડીને પણ કોઈ મહારાજાથી કાંઈ વાતચિત કરે, તો મહારાજા પોતે જ તે તત્કાળ દેવીને કહી સંભળાવે છે. આપને હું આ બધું એટલામાટે કહી સંભળાવું છું કે, આપને આ કાર્ય જેટલું સહેલું દેખાય છે, તેવું તે સહેલું નથી. પ્રયત્ન કરવાને હું તૈયાર છું – પણ તેમાં સિદ્ધિ મળે કે ન મળે, તે કૈલાસનાથને આધીન છે.” સુમતિકાએ વિઘ્નોનું દર્શન કરાવતાં કહ્યું.
એટલું બોલીને સુમતિકા સ્વસ્થ થઈને બેઠી. અમાત્ય રાક્ષસે પુનઃ તેને આગ્રહપૂર્વક કહ્યું કે, “ગમે તેમ કરીને પણ આટલી આ પત્રિકા મહારાજના હાથમાં પહોંચતી કર. પછી જે થશે, તેની વ્યવસ્થા હું કરી લઈશ. તારે તેની ચિન્તા કરવી નહિ.” એમ કહીને તેને રવાની કરી દીધી.
એ પત્રિકા લઈને સુમતિકા રાક્ષસના મંદિરમાંથી નીકળી. તે સીધી મુરાદેવીના મહાલયમાં ગઈ નહિ – તે તો એક બીજે જ સ્થાને ગઈ અને ત્યાં થોડીકવાર બેસીને પછી મુરાદેવીના અંતઃપુરમાં જઈ પહોંચી. માર્ગમાં તેને હિરણ્યગુપ્ત મળ્યો. તેણે તેને સહજ પૂછી જોયું કે, “અમાત્યની પત્રિકા લઈ પોતાની સ્વામિનીના મંદિરમાં જવાને બદલે વળી બીજે ક્યાં ગઈ હતી ?” એનું સુમતિકાએ હસીને ઉત્તર આપ્યું કે, “હિરણ્યગુપ્ત ! તું અમાત્યનો મુખ્ય ગુપ્ત દૂત કહેવાય છે, અને મને આવો પ્રશ્ન પૂછે છે એ તો મને આશ્ચર્યકારક જણાય છે. અરે – અમાત્યને ત્યાંથી ત્વરિત પાછી મુરાદેવીના મંદિરમાં જાઉં, તો અમાત્યને ત્યાં જ મારું કાંઈ ખાસ કામ હતું અને તે ગુપ્ત કામ કરીને હું પાછી છૂપાઈને પોતાના ઘર તરફ જાઉં છું, એવો કોઈના મનમાં સંશય આવવાનો સંભવ છે ખરો કે નહિ ? તેથી ધીમેથી અમાત્યના ગૃહમાંથી નીકળી હું બીજાં બે સ્થળે ગઈ હતી અને કૈલાસનાથના મંદિરમાં જવાથી બિચારી આવી હશે દેવદર્શન કરવા, એવી જ લોકોની માનીનતા થઈ જાય છે, અને તેથી વિશેષ શંકા આવતી નથી. હું ક્યાં જાઉં છું અને શું કરું છું, એની તું છૂપી દેખરેખ રાખે છે કેમ ? જો એમ જ છે, તો આજ પછી હું તમારે ત્યાં આવવાની નથી. અમાત્ય માટે મારા મનમાં ઘણી જ ભક્તિ અને અતિશય આદર હોવાથી જ અને તે જે કરતા હશે તે મહારાજા અને યુવરાજના હિતમાટે જ હશે, એવી ધારણાથી જ મેં તેમનું કાર્ય કરી આપવાનું માથે લીધું છે. નહિં તો આ કાર્ય વિના મારું શું અટકી પડ્યું છે ? કોઈ પણ કાર્ય હોય તો તે વિશ્વાસથી જ થાય છે – આમ જો તારો અને અમાત્યનો મારામાં વિશ્વાસ ન હોય, તો લે આ પત્રિકા પાછી લઈ જઈને અમાત્યરાજને આપજે.” એમ કહીને અમાત્યે તેને આપેલું પત્ર બહાર કાઢીને તેણે હિરણ્યગુપ્તના મુખ આગળ ધર્યું.
એ વખતે તેણે કોપનો એવો તો આવિર્ભાવ કર્યો કે, હિરણ્યગુપ્ત એકદમ તેના દમમાં લેવાઈ ગયો અને ઘણી જ આર્જવતાથી તેને સમજાવીને ત્યાંથી રવાની કરી દીધી. સુમતિકા તેની દૃષ્ટિથી દૂર ગઈ ત્યાં સૂધી તેવી જ કોપમાં હતી; પરંતુ જરાક દૂર જતાં જ તે મનમાં હસી અને વારંવાર પાછળ જોતી જોતી મુરાદેવીના મંદિરમાં જવા માટે આગળ વધી. તેણે શી યુક્તિ કરી, તે તો તે કે પરમાત્મા જાણે, પણ બીજે દિવસે રાજા ધનાનન્દનો અમુક સમયે મળવા આવવા માટેનો અમાત્ય રાક્ષસને સંદેશો મળ્યો. આમંત્રણ પહોંચતાં જ “સુમતિકા ઘણી જ ચતુર સ્ત્રી દેખાય છે. એણે મારા કહેવા પ્રમાણે તત્કાળ રાજાને પત્ર પહોંચાડીને મારું તેડું કરાવ્યું અર્થાત્ મુરાદેવીના મંદિરમાં જો કાંઈ કામ પડશે, તો સુમતિકા ઘણી જ કામની થઈ પડશે.” એવા વિચારોથી રાક્ષસના મનમાં ઘણો જ આનંદ થયો અને બીજે દિવસે મહારાજનો મેળાપ થાય, તે વેળાએ શું બેાલવું અને તેના પ્રાણપર સંકટ આવવાનું છે, તેમાંથી બચવા માટે શો ઉપાય બતાવવો, ઇત્યાદિનો તે ઊહાપોહ કરતો બેઠો.
બીજે દિવસે યોગ્ય સમયે મહારાજે અમાત્યની મુલાકાત લીધી. એ વેળાએ પ્રથમ મહારાજે અમાત્યને આ પ્રશ્ન કર્યો કે, “તમે જે બીજા કોઈ શત્રુના ચઢી આવવા વિશે પત્રમાં લખ્યું, તે ચઢી આવનાર કોણ છે? કોનો અન્તકાળ એટલો બધો નિકટમાં આવી પહોંચ્યો છે કે, જેથી તેને મગધદેશપર દષ્ટિ નાંખવાની દુર્બુદ્ધિ ઉત્પન્ન થઈ છે?”
“મહારાજાથી મેળાપ કરવા માટે જે યુક્તિ લડાવી છે, તે વિશે મહારાજ અવશ્ય પૂછશે જ, ત્યારે શું ઉત્તર આપવું ? આપની મુલાકાત થતી નહોતી, તે કરવા માટે આ યુક્તિ રચી છે, એમ તો કહેવાય નહિ. માટે હવે કોઈ ઉડાવનારો જવાબ જ આપવો જોઈએ.” એવો મનમાં વિચાર કરીને અમાત્યે તત્કાળ ઉત્તર આપ્યું કે, “મહારાજ ! આપણા આ મગધદેશને વક્રદષ્ટિથી જોનારો કોઈ પુરુષ સમસ્ત ભરતખંડમાં તો નથી. પણ મ્લેચ્છાધિપતિ પર્વતેશ્વર હમેશ આ પુષ્પપુરીને ઘેરો ઘાલવા માટે બડબડ્યા કરે છે – હમણાં હમણાં તો તેનું એ બડબડવું ઘણું જ વધી ગયું છે. વળી તેમ કરવા માટેની થોડી ઘણી તયારીઓ પણ તેણે કરવા માંડી છે, એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. મારા જાસૂસોએ મને એ ખબર આપી, એટલે તત્કાળ તે મહારાજાને જણાવી દેવાનું મેં યોગ્ય વિચાર્યું. મહારાજ ! પર્વતેશ્વરનો મદ ઉતારવાનો પ્રસંગ એકવાર તો નક્કી આવવાનો જ – તે દિવસે દિવસે વધારે અને વધારે ઉચ્છ્રંખલ થતો જાય છે અને તેથી આ વર્ષનો કર ચૂકવતી વેળાએ કાંઈપણ ગડબડ કરવાનો જ, એમ સ્પષ્ટ દેખાય છે. પરંતુ મહારાજ ! હું અહીં આવ્યો છું તે ખાસ એ પર્વતેશ્વર વિશે જ વાતચિત કરવાને નથી આવ્યો કિન્તુ મારે કોઈ અંત:શત્રુ વિશે પણ કાંઈ બોલવાનું છે, પણ જો આજ્ઞા મળે, તો.”
“અંત:શત્રુ ? આપણો અંતઃશત્રુ ? તે વળી કોણ જાગ્યો છે ?” ધનાનન્દે હસતાં હસતાં કહ્યું.
“તે કોણ છે, એ મારાથી અત્યારે જ કહી શકાય તેમ નથી. પરન્તુ આપે ઘણી જ સાવધાનતાથી રહેવું – એટલી મારી પ્રાર્થના છે.” અમાત્યે કહ્યું.
“હા – ખરું છે – હું પણ એવું કાંઈક જાણી ચૂક્યો છું અને ત્યારથી બહુધા સાવધ જ રહું છું.” રાજાએ ઉત્તર આપ્યું.
“મહારાજ સાવધ રહેતા હોય તો પછી બીજું શું જોઈએ? એમ જ હોય, તો પછી બીવાનું કાંઈપણ કારણ નથી.” અમાત્ય બોલ્યો.
“હું ઘણો જ સાવધ છું, એટલું જ નહિ, પણ મારા સંરક્ષણ માટે બીજી પણ બે ત્રણ વ્યક્તિઓ સાવધ થઈ રહેલી છે. એ ભયનો મને પ્રત્યક્ષ અનુભવ મળી ચૂકયો છે, એટલે હવે શંકા લેવાનું કાંઈપણ કારણ રહ્યું નથી.” મહારાજ ધનાનન્દે પોતાપર વીતેલી વાતનો મર્મમાં ઉલ્લેખ કરતાં કહ્યું.
“શું – મહારાજાને અનુભવ પણ મળી ચૂક્યો છે ? અને મહારાજાએ અપરાધીને ક્ષમા આપી છે ?” રાક્ષસે આશ્ચર્યથી પૂછ્યું.
“હા – ક્ષમા હાલમાં તો અપાયલી છે – પણ તે ચોરને માલ મુદ્દા સાથે પકડવા માટે જ એ રાજનીતિ છે.” ધનાનન્દે વળી પણ માર્મિક ઉત્તર આપ્યું.
“પણ મહારાજ ! શત્રુ નિકટમાં વસતો હોવા છતાં તેને દૂર ન કરતાં ક્ષમા આપીને આંખ મીચામણી કરવાથી કોઈ દિવસે અચાનક ઘાત થવાનો સંભવ છે. માટે જ મારી એવી સલ્લાહ છે કે, તેને ક્ષમા કરવી ન જોઈએ.” રાક્ષસ પોતાની જ ધડ કરે ગયો. એમાં પણ તેનો એક હેતુ હતો.
“જો આંખ મીચામણી કરીએ, તો જ ઘાત થાય ને ? પણ જો એને બદલે ચાર આંખો જાગૃત હોય, તો ઘાત કેવી રીતે થઈ શકે વારુ ?” રાજા બેાલ્યો.
“ત્યારે તે શત્રુ કોણ છે, એ પણ મહારાજ જાણતા જ હોવા જોઇએ, કેમ નહિ ?” રાક્ષસે ભેદ જાણી લેવાના હેતુથી એ પ્રશ્ન પૂછ્યો.
“હા – હા – હું તેને સારી રીતે જાણું છું – અને તું પણ તેને થોડા જ દિવસમાં જાણી શકીશ.” રાજાએ તેનું તેવું જ ઉત્તર આપ્યું.
“ત્યારે આપ વ્યર્થ વાટ શાની જોતા બેઠા છો ? જો સંશય આવતો હોય, તો સંશયથી પણ તેને દૂર કરી શકાય તેમ છે.” રાક્ષસે પોતાનો વિચાર દર્શાવ્યો.
“માત્ર સંશયને લીધે જ કોઈને શિક્ષા કરવાથી પરિણામ સારું આવતું નથી, એવો પણ મેં અનુભવ કરી લીધો છે. તેથી એકવાર જે ભૂલ થઈ ગઈ હોય, તેવી ભૂલ બીજી વાર મારા જ હાથે થવા ન પામે, એવી મારી ઇચ્છા છે. વળી જેણે અપરાધીને શિક્ષા કરવામાટે ઊતાવળ કરવી જેઈએ, તે જ વ્યક્તિ ઉતાવળ ન કરવા વિશે વારંવાર આગ્રહ કર્યા કરે છે અને તેથી જ હું નિરુપાય થઈ ગયો છું.” રાજાએ કહ્યું.
“જો મહારાજની આજ્ઞા હોય, તો આ સેવક, અપરાધીને અત્યારે જ દૂર કરી શકે તેમ છે.” રાક્ષસે પોતાની ઇચ્છા વ્યક્ત કરી.
“તે અપરાધી તમારાથી દૂર કરી શકાય, તેવો નથી. અસ્તુ; હવે એ વિષયને રહેવા દ્યો. અમાત્યરાજ ! મુરાથી વિયુક્ત થવાને મને ઘણો સમય થયો, માટે જે હવે વિશેષ અગત્યનું કાંઈ કાર્ય ન હોય, તો સુખેથી પધારો. મારા નિકટના મનુષ્યો જ મારા ઘાત માટે ઉદ્યુક્ત થએલા છે, એ વાત તમારે કાને પણ આવેલી છે, એ જાણીને પ્રિયા મુરાના મનમાં પણ સમાધાન થશે. એવા મોટા અને નિકટના અપરાધીને તેના અપરાધનો સર્વને નિશ્ચય થયા વિના કાંઈ પણ દંડ આપવો નહિ, એવો મુરાદેવીનો ઘણો જ આગ્રહ છે અને તેથી જ હું ઉતાવળ કરી નથી શકતો. અમાત્યરાજ ! એક વ્યર્થ અને નિર્મળ સંશયને વશ થઈ તમે નવરત્નની માળાને કાચના મણકાની માળા ધારી ખાડામાં નાંખી દીધી હતી. પણ તેનું ખરું મૂલ્ય હવે મારા જાણવામાં આવી ગયું છે. શિવ ! શિવ ! તમારા હાથે પણ કોઈ કોઈ વાર કેવા કેવા અનર્થો થઈ જાય છે ! મારા હસ્તે થએલા પ્રમાદને સુધારી લેવાનો મને પ્રસંગ મળ્યો, તે માટે હું પરમેશ્વરનો નિરંતર આભાર માનું છું ! જો કે મારા એ અન્યાયનું મને સારું પ્રાયશ્ચિત્ત આપવું જોઈતું હતું, તે ન આપતાં તેણે મને અંતે પુનઃ સ્વર્ગીય સુખ આપ્યું, એ શું થોડો ચમત્કાર? વળી જેમને આપણે આજ સુધી નવરત્નોની માળા સમજતા આવ્યા હતા, તે જ હવે કાચના મણકાની માળાઓ સિદ્ધ થઇ ચૂકી છે ! તેમણે મારા હાથે બાલહત્યા કરાવી – પોતાના પુત્રનો જ ઘાત કરાવ્યો અને સ્ત્રી હત્યા – સતી હત્યા કરાવવાનો પ્રસંગ પણ લાવી મૂક્યો હતો એ કરેલા કુકર્મનો પશ્ચાત્તાપ કરીને હું હજીતો થોડો ઘણો શાંત થતો હતો, એટલામાં તો તેમણે મારી હત્યા કરવાનો પ્રયત્ન પણ આદર્યો – સમજ્યા કે?” રાજાએ પોતાની કર્મકથા વર્ણવી.
એ સાંભળીને અમાત્ય રાક્ષસ ચકિત થઈ ગયો અને આશ્ચર્યથી કોઈ ઉન્મત્ત – ગાંડા મનુષ્ય પ્રમાણે રાજાના કોપયુક્ત મુખમંડળને જોઈ રહ્યો.
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો