આમ જોવાં જઈએ તો ગુજરાતમાં કિલ્લ્લાઓ ઓછાં છે, પણ જે જે છે તે ઇતિહાસની સાક્ષી અવશ્ય પુરાવે છે. તેમ છતાં ગુજરાતમાં વાવો , તળાવો , તોરણો અને પોળો વિપુલ પ્રમાણમાં જોવાં મળે છે અને એની એક આગવી લાક્ષણિકતા પણ છે. ગુજરાતની અસ્મિતા છે —– આ વાવો !!!!
જેને રાજસ્થાન અને ઉત્તર ભારતમાં બાવડી કહેવામાં આવે છે. બુંદી ,જયપુર પાસે, ઉદેપુર પાસે અને દિલ્હીમાં આવી બાવડીઓ આવેલી છે.
પણ
પણ ગુજરાતમાં જ કુલ આવી ૧૨૦થી વધુ વાવો આવેલી છે. અમદાવાદમાં પણ ૧૦ -૧૫ વાવો છે. અમદાવાદની પ્રખ્યાત વાવ છે દાદા હરીની વાવ. આ વાવ બહુજ પ્રખ્યાત છે, પણ અમદાવાદથી ૧૮ કિલોમીટર દૂર આવેલી અડાલજની વાવ ખરેખર બેનમૂન છે. અડાલજની વાવ વિષે વાત કરીએ તે પહેલાં આ “વાવ ” એટલે શું એ જાણી લેવું જોઈએ !!!!
એક સમય હતો જ્યારે પાણી ભરવાં લોકો દૂર દૂર સુધી જતાં હતાં. આથી જ રાજાઓએ ગામથી દૂર વાવ બનાવવાની શરૂઆત કરી હતી. વાવ શબ્દ આમતો એક ખાસ શબ્દ છે. જેનો અર્થ થાય છે પગથીયા વાળો કુવો. આમતો કુવામાં પગથીયા તો હોય જ છે પણ ગોળાકારે સીધાં નહિ. આ વાવમાં સીધા પગથીયાં હોય છે જે કોઈપણ માણસ એમાંથી પાણી પી શકે અને આરામ પણ ફરમાવી શકે . પહેલાના સમયમાં વાવ એ દુર દૂરથી આવતાં વેપારીઓ અને યાત્રાળુઓ માટે આશ્રય સ્થાન બનતું. જ્યાં લોકો વિશ્રામ કરતાં અને આહલાદક ઠંડકનો અનુભવ કરતાં, મનને શાંત કરતાં અને પછી કામે વળગતાં !!!!
અડાલજની વાવનો ઈતિહાસ ——-
ઇસ ૧૪૯૮માં રાણા વીરસિંહે પોતાની પત્ની રાણી રૂપબાને ભેટ આપવાં આ વાવ બંધાવાની શરૂઆત કરી હતી.
પણ
એક યુદ્ધમાં તેનું મોત નીપજતાં આ વાવ બનવાની અધુરી જ રહી ગઈ. ત્યારબાદ મહમદ બેગડાએ રૂપબાના રૂપથી મોહિત થઈને તેમેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. રૂપબા એ જવાબમાં અધુરી વાવને પૂરું કરી આપવાનું વચન લીધું. જે મહમૂદ બેગડા એ ૧૪૯૯માં પૂરું કર્યું, પરંતુ રૂપબા પતિવ્રતા નારી હતાં
આથી તેમણે મહમૂદ બેગડા સાથે લગ્ન ના કરવાં પડે એટલે એમને એ વાવમાં ઝંપલાવીને પોતાનો જાન આપી દીધો !!!!
આવી પાંચ કહાનીઓ આ વાવ સાથે સંકળાયેલી હોવાનું મનાય છે.
રાણા વીર સિંહ અને મહમૂદ બેગડાના સ્વપ્ન સમાન આ અડાલજની વાવ
હિંદુ -મુસ્લિમ શિલ્પકળાનો અદભુત સમન્વય છે. જેમાં કલ્પવૃક્ષથી માંડીને ફૂલ , પાંદડા , કળીઓ , વેલ , માછલી ,,પક્ષીઓ, પ્રાણીઓ જેવી અદભુત આકૃતિઓ કંડારવામાં આવી છે. પાંચ માળની આ વાવના દરેક માળે દરેક સ્તંભ ઉપર બેનમૂન કોતરકામ જોવાં મળે છે !!!!! તો મંડપ અને પરિસરમાં હિંદુ ધર્મની પૂજા , લગ્નવિધિ જેવી પ્રથાઓ અને પ્રણાલીઓના પર્તીબીબ સમું સ્થાપત્ય જોવાં મળે છે. ૩ ઇંચના હાથીથી લઇ પાણીના કુંજા , નવ ગ્રહો ,ભિંત ચિત્રો , નૃત્યાંગનાઓ અને નાટ્યકલાની અવનવી મુદ્રાઓ જોવાં મળે છે
અડાલજ વાવના એક-એક ઝરૂખાઓ મનમોહક છે. જેમાં કોઈ પણ બેસે તો રાજા રાણી હોવાનો એક એહસાસ જરૂર થાય છે . અષ્ટકોણીય આકાર ધરાવતી આ અડાલજની વાવ મુખ્ય ચાર સ્તંભ પર બાંધવામાં આવી છે. ચાર રૂમ અને ચાર ખૂણા કે જે એકબીજાંથી ૪૫ ડીગ્રીના ખૂણે બનાવેલા છે. દરેક સ્તંભ ઉપર હિંદુ ધર્મ અને જૈન ધર્મના દેવી-દેવતાઓની પ્રતિકૃતિ જોવાં મળે છે !!!!
ગુજરાતની આગવી ઓળખ સમી આ અડાલજની વાવ ની ખાસિયત એ છે કે બહાર કરતાં વાવની અંદરના ભાગમાં ૫ ડીગ્રી તાપમાન ઓછું રહે છે . જે કારણે આજે પણ ત્યાં પ્રવાસીઓ ઉમટે છે અને એમને આહલાદક ઠંડકનો અનુભવ થાય છે, સાથોસાથ અદભૂત શિલ્પ-સ્થાપત્ય પણ જોવાં મળે છે એ નફામાં !!!!! પુરાતત્વ ખાતું અને ગુજરાત પ્રવાસન વિભાગે આને સાચવવાના અને વિકસાવવાના પૂરતાં પ્રયત્નો કરેલાં છે. જેના પરિણામ સ્વરૂપ તેની બાજુમાં લોન આચ્છાદિત અને વૃક્ષોથી સુશોભિત એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે આને લીધે સહેલાણીઓનું તે આકર્ષણ બનીરહ્યું છે !!!!!
એવું કહેવાય છે કે આ વાવ બનાવવાનો વિચાર મોહેંજોદરો અને હદ્પ્પ્પાની સંસ્કૃતિના સ્થાપત્ય પરથી આવ્યો હશે. કારણકે મોહેંજોદરોમાં ૪૦૦થી વધુ આવા પગથીયા વાળાં કુવા છે અને વિશાળ બાથરૂમ પણ આવીજ રીતે બનાવાયા હતાં …..
અડાલજની વાવની રસપ્રદ વાતો ———–
વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.
વાવનું ધાર્મિક મહત્વ —————–
ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્રયાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.
જો પથ્થરોને બોલવાનું કહેવામાં આવે તો નિશ્ચિત રૂપે અડાલજની કોતરણીવાળાં પથ્થરો હમંણાજ બોલી ઉઠે !!!
આ વાવનાં શિલ્પોનું વણાટકામ જ એવું છેને કે એ આપણામાં વણાઈ જાય છે અને આપણને સંસ્કૃતિ સાથે સતત સંપર્કમાં રાખે છે. અડાલજની વાવ એના શિલ્પ – સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ વાવ એક વાર નહીં પણ અનેક વાર જોવાં જેવી છે. તમે તમારાં ઘરે આવેલાં મહેમાનોને આ અડાલજની વાવ અવશ્ય બતાવજો હોં કે !!!!
——— જનમેજય અધ્વર્યુ
?????????