દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર…!અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે. અને માટે જ તો અહિં કાયમ અગણિત ભાવિકો આવે છે. જેની ગણતરી હજારોમાં નહિ, લાખોમાં થાય છે….!વિશ્વાસ ન હોય તો એક વાર દર્શન કરવા જજો, લાગેલી લાઇનો જોઇને જ આભા બની જશો…!
ભગવાન વિષ્ણુ [ વેંકટેશ્વર ]નું આ “વેંકટેશ્વર મંદિર” અથવા “બાલાજી મંદિર” આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લાના તિરુપતિમાં આવેલ છે. અત્યંત રમણીય એવી સપ્તગીરીની પહાડીઓ પર આવેલ આ મંદિર પર જવાનો માર્ગ પહાડોની અનુપમ રમણીયતાથી લદાયેલો છે. તિરુમલાની ચારેબાજુ સાત પહાડોની હારમાળા વિંટાયેલ છે. જેની શેષનાગની સાત ફેણ સાથે સરખામણી થાય છે. આ પહાડીઓની હારમાળા “સપ્તગીરી” તરીકે ઓળખાય છે. આમાંના એક વેંકટાદ્રી પહાડ પર ભગવાન બાલાજી અર્થાત્ વેંકટેશ્વર બિરાજમાન છે. કહેવાય છે કે,વેંકટાદ્રિ પહાડીના સ્વામી હોવાને લીધે જ ભગવાન વિષ્ણુ “વેંકટેશ્વર” નામે અહિં બિરાજમાન છે.
આ મંદિર દક્ષિણ ભારતીય શિલ્પકલા અને વાસ્તુકલાનો અદ્ભુત સંગમ છે. એની અનુપમ કોતરણીઓ અને અપ્રતિમ છણાવટ જોઇને કલાનો રસિક માણસ પણ અભિભૂત થયાં વિના ના રહી શકે….!ચોલ, હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓનું આ મંદિરના નિર્માણમાં અને તેની ચમક વધારવામાં મહત્વનું યોગદાન છે.
પુરાણોમાં કહ્યું છે કે, કળિયુગમાં ભગવાન વિષ્ણુ સ્વયં માત્ર આ મંદિરમાં જ વિરાજમાન થશે અને અત્યારે બધાં માને છે કે આ મંદિરની મૂર્તિમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે. અને આ જ કારણ છે અહિં લાખો ભાવિકોના દર્શન કાજે આવવાની….! પ્રત્યેક દિવસે ભગવાન વેંકટેશ્વરના દર્શન કાજે દોઢથી બે લાખ લોકો આવે છે….! આ “અધધધ…” આંકડો એ વખતે તો સીમાડા જ છાંડી જાય જ્યારે અહિં કોઇ ઉત્સવ હોય. જેમ કે,દરવર્ષે ઉજવાતો બ્રહ્મોત્સવ; આ ઉત્સવમાં પ્રતિદિન દસ લાખ ભાવિકો પ્રભુના દર્શન કાજે આવે છે….!
ભગવાન વેંકટેશ્વરના આ મંદિરની નજીક “સ્વામી પુષ્કરિણી” નામક એક તળાવ છે. કહેવાય છે કે, સ્વર્ગમાં આ તળાવમાં જ ભગવાન વિષ્ણુ સ્નાન કરતા….!ભગવાનના વરાહ અવતાર સમયે ગરુડજીએ વૈકુંઠથી આ તળાવને અહિં સ્થાપિત કર્યું હતું. એકદમ પવિત્ર, શુધ્ધ અને કિટાણુરહિત એવું આ સરોવરનું અત્યંત પવિત્ર નીર છે. આ જળનો ઉપયોગ પ્રભુની મૂર્તિને સ્નાન કરાવવા અને મંદિરની મુખ્ય પરિસરને સાફ રાખવામાં જ થાય છે. ખાસ પ્રકારની તકેદારીથી આ જળને પવિત્ર અને સ્વચ્છ રખાય છે. દરેક ભાવિક આ જળમાં સ્નાન કર્યા બાદ જ મંદિરમાં જઇ ભગવાનના દર્શન કરી શકે. આ સ્નાનથી ભક્તના તમામ પાપ ધોવાઇ જવાનું કહેવાય છે. અને માટે જ આ સ્નાનનું અત્યંત મહત્વ છે. આમ પુષ્કરિણી સરોવર એક અત્યંત મનોહર અને સ્વચ્છ સરોવર છે, જેનું માહાત્મય અનેક ગણું છે.
ભગવાન વિષ્ણુ તિરુપતિના આ મંદિરમાં વાસ કરે છે તેવું ભક્તો વિશ્વાસપૂર્વક માને છે. કહેવાય છે કે, કલિયુગમાં એકવાર ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા બાદ જ માણસ જન્મ-મરણના ચક્રમાંથી મોક્ષ પામી શકે છે. અને એમાંયે વૈકુંઠી એકાદશીના દિવસે તો ભગવાનના દર્શનાર્થે અસંખ્ય ભાવિકો આવે છે.
આ મંદિરને લઇને સૌથી વધારે ચર્ચા થાય તો એ કદાચ તેની અખુટ ધનસંપત્તિને લીધે જ થાય…! કહી શકાય કે આ મંદિરમાં પૈસાનો કોઇ તોટો જ નથી. અહિં દર્શનાર્થે ભારતના અને દુનિયાના પણ વિરાટ સંપતિ ધરાવતા ધનિકો આવે છે અને પરિણામે એમના દાનથી મંદિર પાસે અસંખ્ય સંપત્તિ ભેગી થઇ છે, આ ક્રમ આજકાલથી નહિ છેક પાછલાં મિલેનિયમ વર્ષથી ચાલ્યો આવે છે. ઘણાં જ મહારાજાઓએ મંદિરને અખૂટ સંપત્તિ દાન કરી છે. ભગવાન વિષ્ણુને શરણે અત્યંત કિંમતી ખજાનાઓ મુક્યા છે. તેને પરિણામે આજે મંદિર પાસે અત્યંત વિશાળ માત્રામાં ખજાનાના ભંડાર છે. અહિં આવતા પ્રત્યેક ભાવિકોને મંદિર તરફથી પ્રસાદ-ભોજન આપવામાં આવે છે. વળી,માનેલી માનતા પ્રમાણે અહિં આવીને લોકો પોતાના માથાના વાળ ઉતરાવે છે.
કહેવાય છે કે,આકાશરાજને ત્યાં લક્ષ્મીજી સ્વયંભૂ પ્રગટ થયેલા. તેઓ પદ્મ સરોવરમાં કમળના ફુલમાંથી પ્રગટ્યા હોવાથી “પદ્માવતી” કહેવાયા. આકાશરાજે માત્ર તેમનું પાલન કરેલું. પછી તેમના લગ્ન ભગવાન વેંકટેશ્વર યાનિ વિષ્ણુ સાથે થયાં. અહિં પદ્માવતી મંદિર પણ આવેલ છે. આમ તો ભગવાન બાલાજીના મંદિર પરિસરમાં ઘણા જ સુંદર મંદિરો અને મંડપો આવેલા જેની રચના મનમોહક છે.
અગાઉ કહ્યું તેમ બાલાજી મંદિર વેંકટાચલ અથવા વેંકટાદ્રિ નામક પર્વત પર આવેલ છે. આ પર્વત પર ચડવાનો માર્ગ “તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ” તરીકે ઓળખાય છે. આ મંદિરમાં નાત-જાતની કોઇ વાડાબંધી છે જ નહિ. અહિં કોઇ પણ ભગવાનના દર્શન કરી શકે. પછી તે ગમે તે વર્ણનો હોય કે ગમે તે જાત-નાતનો હોય. અહિં કોઇનું ગોત્ર કે કુળ જોવાતું નથી. અહિં ગરીબ પણ આવે અને તવંગર પણ આવે. આખરે સૌ છે તો એના જ સંતાન ને….!જગતનાથ કદી ક્યાં ભેદભાવ રાખે છે કોઇ હારે….! એતો જીવણ ભગતને અને નરસિંહ-મીરાંને સમાન જ ગણે છે ને….! શર્ત એટલી કે તમે એના થઇને રહો,બસ !
અહિં આજુબાજુ થોડાં કિલોમીટરના વ્યાસમાં ઘણા મંદિર આવેલા છે. જેમના દર્શન કરવાનો મહિમા છે. નીચે કપિલતીર્થ નામક સરોવરમાં પ્રથમ સ્નાન કરવાનો મહિમા છે. બાદમાં આ સરોવરને તીરે આવેલ ભગવાન કપિલેશ્વરના દર્શન કરવા જોઇએ. ભગવાન નૃસિંહનું એક મંદિર પણ આવેલ છે. ભક્તિ આંદોલનના મહાનત્તમ પ્રણેતા એવા રામાનુજાચાર્યનું મંદિર પણ આવેલ છે.
બાલાજી મંદિરે આવતા ભાવિકોમાં માથાના મુંડનનો મહિમા અનેરો છે. લગભગ બધાં જ ભાવિકો અહિં આવીને મુંડન કરાવે છે અને સ્ત્રીઓ માથાની એક લટ કપાવે છે. આ ક્રિયા “કલ્યાણકટ્ટ” નામક સ્થાને નાઇઓ દ્વારા થાય છે. ભગવાન વેંકટેશ્વરના મંદિરની બાજુમાં આવેલ “સ્વામી પુષ્કરિણી” સરોવરમાં સ્નાન કરીને પછી જ ભગવાનના દર્શન કરવાની માન્યતા છે. આ સરોવરની પશ્વિમ બાજુએ ભગવાન વરાહનું મંદિર છે. જેના દર્શન કર્યા બાદ ભગવાન બાલાજીના દર્શન કરવા જોઇએ.
અંદર ભગવાન વિષ્ણુની ૭ ફુટ ઉંચી અને ભવ્ય મૂર્તિ આવેલ છે, જેના દર્શન માટે દરરોજ લાખો આંખો તરસતી હોય છે….! ગદા,શંખ,ચક્ર અને પદ્મધારી ભગવાન નારાયણ અલૌલિક પ્રતિભાના સ્વરૂપ સમા જગત આખા પર પોતાની કૃપા વહાવતા નજરે પડે છે.
આ ઉપરાંત તિરુપતિની આજુબાજુ અનેક તિર્થ આવેલા છે. જેમાં આકાશગંગા, જાબાલિ તીર્થ, પાપનાશક તીર્થ, પાંડવ તીર્થ, વૈકુંઠ તીર્થ વગેરે આવેલ છે. તિરુચાન્નુરમાં પદ્મ સરોવર અને પદ્માવતી [ લક્ષ્મીજી ]નું મંદિર આવેલ છે. તિરુપતિ શહેરમાં શ્રીગોવિંદરાજનું વિશાળ અને ભવ્ય મંદિર આવેલ છે. જેમાં આવેલ શેષનાગ પર શયન કરતા ભગવાન વિષ્ણુની “શેષશાયી નારાયણ”નામની ભવ્ય મૂર્તિની સ્થાપના શ્રીરામાનુજાચાર્યએ કરી હતી.
ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ પર એક સ્થળે ઘાવનું નિશાન છે. તેની પાછળની એક રોચક વાત એવી છે કે, જુના જમાનામાં તળેટીમાં રહેતો એક ભક્ત દરરોજ પોતાની ગાયનું દુધ ભગવાનને ધરવા માટે વેંકટાચલ પર્વત ચડીને આવતો. બુઢાપો આવ્યો એટલે તે પર્વત ચડી શકવામાં અસમર્થ બન્યો. એટલે જગતનાથ ભગવાન નારાયણ ખુદ ચુપકીદી આવીને અલગ વેશે આવીને સીધા તેમની ગાયના આંચલમાંથી જ દુધ પી જતાં…!કાયમ ગાય દુધ ન દેતી હોવાથી ભક્તને આશ્વર્ય થયું. એક દિવસ છુપાઇને જોયું તો એક માણસ આવીને ગાયના આંચળોમાંથી દુધ પીતો હતો.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) ગાય પણ સાવ સોજી બનીને ઊભી હતી…!ભગવાનના વેશપલટાથી અજાણ ભક્તને ગુસ્સો ચડ્યો. તેનાથી આ અજાણ્યા માણસની અવળચંડાઇ સહન ન થઇ. તેણે લાકડી લઇને પાછળથી વેંકટેશ્વરની ઉપર જોરથી ફટકો માર્યો. અને ત્યારબાદ ભગવાને હસતાં-હસતાં પોતાના મુળરૂપના દર્શન આપ્યા. તે પછી તો પેલાં ભક્તને જાણે પસ્તાવાનો પાર નહોતો રહ્યો, પણ પ્રભુ તો દરિયાવ દિલ હોય છે….!
આ મંદિરનો ત્રુટક ઇતિહાસ તો છેક પાંચમી સદીથી મળે છે. પણ નવમી સદીથી તબક્કાવાર ઇતિહાસ મળવાની શરૂઆત થાય છે. નવમી સદીમાં આ ભૂમિ કાંચીપુરમ્ ના પલ્લવ રાજવીઓના હાથમાં હતી. પંદરમી સદીમાં આ સ્થાન પર વિજયનગરના સામ્રાજ્યનો ઝંડો ખોડાયો. પંદરમી સદી પછી આ મંદિરની ખ્યાતિ ભારતભરમાં ફેલાવાની શરૂઆત થઇ.૧૮૪૩ થી ૧૯૩૩ એટલે કે અંગ્રેજ શાસનમાં આ મંદિરનું સંચાલન હતીરામજી મઠના મહંતોએ કર્યું. ત્યાર બાદમાં મદ્રાસ સ્ટેટએ “તિરુમલા-તિરુપતિ” સમિતિને હસ્તક આ મંદિરનું પ્રશાસન સોંપ્યું. આઝાદી બાદ આ સમિતિમાં થોડો ફેરફાર થયો અને રાજ્ય સરકારવતી સમિતિ સંચાલન માટે એક મુખ્ય પ્રતિનિધિ નિમાયા બાદ મંદિરનું સંચાલન ચાલ્યું. જો કે,સમગ્ર જગતનું સંચાલન તેમની અંદર રહેલ નારાયણ જ કરે છે…!
આ મંદિર સાથે કેટલીક રહસ્યમયી અને અચંબાભરી વાતો પણ જોડાયેલી છે. જો કે,એમાં તથ્ય શું છે એ તો વેંકટેશ્વર જાણે પણ આ વાતોની ચર્ચા થાય છે અને લોકો આ વાતોથી આકર્ષિત પણ થાય છે. જો કે વાતમાં વૈજ્ઞાનિક તથ્ય પણ હોય છે પણ એ નજરે ચડ્યું નથી. આમેય કુદરતના ઘણા કરિશ્માઓ ખોજકારો જાણી શકતા નથી જ….!એ રહસ્યભરી વાતોનો સારાંશ –
કહેવાય છે કે,ભગવાન વેંકટેશ્વરની પ્રતિમાના મસ્તક પરના વાળ કેટલાય વર્ષોથી એમને એમ જ છે. હજી સુધી એ જરડાયા નથી કે કોઇ પ્રકારની ખામી આવી નથી….!માટે ભાવિકો માને છે કે, તે સાક્ષાત્ માનવસ્વરૂપ ભગવાનના જ વાળ છે.
? અન્ય એક હેરતજનક વાત એ છે કે,જો કોઇ ભગવાનની પ્રતિમાની પીઠ પાસે કામ માંડે તો અંદરથી સમુદ્રનો ઘુઘવતો અવાજ સંભળાય છે….! આ સાગરગર્જન કેમ સંભળાય છે એતો ભગવાન જાણે પણ હાં…ભગવાનની પીઠ સદાય ભીની જ રહે છે. એને સાફ કરો તો પણ ફરીવાર એની પીઠ પર એની એજ ભિનાશ આવીને ઊભી રહે છે…!અમુક લોકો આ બંને તથ્યોને એકબીજા સાથે સબંધ હોવાનું માને છે.
? તમે જો ગર્ભગૃહની અંદર રહીને ભગવાનની મૂર્તિ જુઓ તો તે તમને ગર્ભગૃહની બરાબર મધ્યમાં જ વિરાજમાન લાગશે પણ જો ગર્ભગૃહની બહાર રહીને દર્શન કરો તો લાગશે કે મૂર્તિ મંદિરના જમણી બાજુ સ્થિત છે….! લાગે છે કે,આ સ્થાપત્ય કલાની બેજોડ મહારથનું પરિણામ હશે….!
? પર્વતથી લગભગ ત્રેવીસ કિલોમીટર દુરના એક ગામમાંથી વેંકટેશ્વરની પૂજા માટેની બધી સામગ્રી લાવવામાં આવે છે. પુષ્પ,દુધ,ઘી વગેરે બધી સામગ્રી માત્રને માત્ર એ ગામમાંથી જ લવાય છે. અને એ ગામમાં કોઇપણ બહારની વ્યક્તિને પ્રવેશવા દેવામાં આવતી નથી….!
? કહેવાય છે કે,મંદિરની અંદર એક દિપક જલે છે – કેટલાય વર્ષોથી….! અને અચંબિત કરી દેનાર વાત એ છે કે, એમાં કોઇપણ દિવેલ કે રૂની વાટ ઇત્યાદિ કોઇપણ વસ્તુ નાખતું નથી….! એ કેટલાય વર્ષોથી એમનેમ જ સળગે છે….! ખબર નહિ શું હશે આની પાછળનું રહસ્ય ! વેંકટેશ્વર જ જાણે….!
? વેંકટેશ્વરજીની પ્રતિમા પર એક ખાસ જાતનું જલદ કપુર લગાડવામાં આવે છે. આ કપુર જો બીજા કોઇ પથ્થર પર લગાડવામાં આવે તો એ પથ્થર પર આ કપુર અત્યંત જલદ રાસાયણિક પ્રક્રિયા કરે અને પથ્થરને ઓગાળી નાખે. પણ વેંકટેશ્વરની મૂર્તિ પર એવું કાંઇ થતું નથી….!
? દર ગુરૂવારે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને પૂર્ણપણે ચંદનનો લેપ લગાડવામાં આવે છે. અને જ્યારે લેપ ઉતરાય છે ત્યારે લક્ષ્મીજીની મૂર્તિ આકાર લે છે….! મતલબ કે,મૂર્તિમાં લક્ષ્મીજીના દર્શન થાય છે….!અને ભગવાનના પોશાક તરીકે પણ નીચે ધોતી અને ઉપર સાડી પહેરાવાય છે….! આ એક ઔર અચંબિત કરી દેનાર હક્કીત છે.
? મંદિરમાં ભાવિકો યથાશક્તિ અનુસાર દાન કરે છે. પરિણામે મંદિર પાસે કરોડોની સંપત્તિ છે. કહેવાય છે કે,આ દાનની પ્રથા વિજયનગરના મહાન સમ્રાટ મહારાજા કૃષ્ણદેવરાયે કરી હતી.
? ભગવાન બાલાજી અથવા વેંકટેશ્વરના આ મંદિર પર થતી અસંખ્ય ભાવિક-સંખ્યા એ પ્રભુ પરના પૂર્ણ વિશ્વાસનું પ્રતિક છે. એની ભક્તિ જ દરેક દુ:ખ હરનારી છે. શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર ! તિરુપતિ બાલાજીનું આ મંદિર સદાયે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. જય વેંકટેશ્વર !
– Kaushal Barad