સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા પશુ-પક્ષીઓને ધન્ય છે. તેઓ આ પાવનકારી અને પાપોનો નાશ કરનાર તીર્થનાં દર્શનનો, સ્પર્શનો લાભ દરરોજ લે છે. હું ચક્રવર્તી હોવા છતાં દૂર રહેનાર હોવાથી તેમનાં જેટલો પુણ્યશાળી નથી.”

સંવત ૪૭૭ ઇ.સ.૭૯૬માં ધનેશ્વરસુરિજીએ શત્રુંજય મહાતીર્થ મહાત્મય સૌરાષ્ટ્રની સુંદરતા વર્ણવતાં લખે છે કે: “ભારતખંડના સર્વ દેશોમાં આ રાષ્ટ્રમાં આ દેશમાં દુનીર્તિને દૂર કરનારા તથા પ્રીતીવાળા મનુષ્યો વસે છે. સૌરાષ્ટ્રમાં અલ્પવૃષ્ટિ થાય છતાં ધાન્ય પાકે છે. અહીંના જલ નિર્દોષ છે, પર્વતો પવિત્ર છે, અને ભૂમિ રસકસથી ભરપૂર છે. ખનિજો પણ અહીં વિપુલ પ્રમાણમાં છે, નદીઓ નિરંતર પ્રવાહવાળી છે. સરોવરોમાં કમળ ખીલે છે, જલાશયો પુષ્કળ પાણીથી ભરેલાં છે, ઉષ્ણ અને શીતલ જલના કુંડો છે, સૌરાષ્ટ્રના વનો અને પર્વતોમાં પ્રભાવશાળી ઔષધિઓ થાય છે, વૃક્ષોમાં સંદર ફળો થાય છે. અહીંની માટી પણ પ્રભાવશાળી છે, સૌરાષ્ટ્રમાં ઉછળતો રત્નાકર છે.

સૌરાષ્ટ્રમાં સરળ પ્રસનનમુખવાળા,વિચક્ષણ, સંતોષી, નિંદા અને ઈષ્યરહિત, સ્વપત્નીથી જ સંબંધ રાખનારા, સત્યભાષી, સુકૃત કરનારાં,પરદ્રોહ ન કરનારા, શાંત,વેરરહિત,માયા અને લોભથી મુકત, ઉદાર,પવિત્ર આચરણવાળા અને સુખી મનુષ્યો નિવાસ કરે છે.

સૌરાષ્ટ્રની સ્ત્રીઓ શીલવાન, પતિભકિત પરાયણ, હસતા મુખવાળી, રૂપવતી, વત્સલા, ગુરૂભકિતમાં દ્રઢ, સુભગા, દૈદીપ્યમાન, બહુપુત્રા, લજજાયુકત, કમલનયનવાળી અલ્પરોષવાળી, સુંદર વસ્ત્રો ધારણ કરનારી મુગ્ધા બુધ્ધિશાળી, મૂદુ, ગંભીર, ગુણવંત અને ગુણીજનો પ્રત્યે અનુરાગ ધરનારી છે.

સૌરાષ્ટ્રમાં માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારા, કલાકુશળ, શાંત અને સુશીલ પુત્રો હોય છે.

સેવક વફાદાર, સદ્દભકિતવાળા, શૂર, અલ્પ સંતોષી,અનુરાગી, પ્રિયકર,સ્વામીનો આશય સમજનારા,મિષ્ટભાષી,સ્નેહાળ,સ્વામીઓનો દ્વેષી પ્રત્યે દ્વેષવાળા અને પ્રિય પ્રત્યે પ્રેમ કરનારા હોય છે.

ક્ષત્રિયો આસ્તિક ઉચિત વર્તન કરનારા ક્ષમાશીલ, દાક્ષિણ્યથી શોભતા તથા સાત્વિક છે.

સૌરાષ્ટ્રમાં પુષ્ટ અને બહુ દૂધ દેનારી ગાયો છે, ભેંસો પણ મહાબળવાન અને હરણ ન કરી શકાય તેવી મોટા શિંગડાવાળી બંધન રહિત ચરનારી છે.બળદો સ્કેધોથી ભરેલા, ઘોડા ઊંચા અને ચપળ હોય છે. હાથીઓ સંગ્રામમાં શૂરા હોય છે, બીજા પણ અનેક પ્રાણીઓ હોય છે.

નગરો મોટા મોટા દુર્ગોથી વિભૂષિત, ધ્વજાઓથી શોભતાં, ગૃહસ્થોના ઘરો,જયાં એનેક દાતાઓ દાન દઇ રહ્યાં છે, તેવાં મહાલયો છે.”

૧૪૬૮માં મહમદ બેગડો જુનાગઢ ઉપર ચડી આવ્યો ત્યારે તેને સૌરાષ્ટ્ર અતિ પ્રિય લાગ્યુ. મિરાંતે. સિકંદરી નોંધે છે કે: “ઓહો ! સોરઠ કેવો દેશ છે ! જાણે માણવા ખાનદેશ અને ગુજરાતની તર અને તત્ત્વ ઇશ્વરે એકત્ર ન કર્યા હોય ! અને જાણે સમસ્ત ના સારા માણસોનો મેળો ન કર્યો હોય ! તેમજ આ ત્રણ દેશોના મર્દ અને ખાનદાના માણસોને એક કરી એક ઝંડા નીચે મૂકી તેને દુનિયાના બીજા દેશોના પારસમણિ જેવું ન બનાવ્યું હોય ! ”

સાક્ષરવર્ય શ્રી ચંદુલાલ બેચરલાલ પટેલ સૌરાષ્ટ્રની ભૂમિને પુણ્યવંતી ગણાવતાં. લેખે છે કે : “શ્રી ચંદ્રવંશ શિરોમણી શ્રીકૃણચંદ્રના પાદાંબુજે પુનિત થયેલી, ગૌતમ, ચ્યવનાદિ મુનિવરોના આશ્રમસ્થાનો વડે તપોભૂમિ કહેવાતી, ગિરનાર, શત્રુંજય આદિ સમૃધ્ધિવાન પર્વતોથી સિધ્ધદાત્રી ગણાતી, દ્વારકા પ્રભાસ આદિ તીર્થોથી તીર્થંકૃત મનાતી, એકાંતવાસી ગોરખાદિ સિધ્ધોના નિવાસે પુણ્યશાળી થયેલી, ગિરિકંદરાના અલૌકિક ગુહાકંદરાએ ગૌરવવંતી ગણાતી, પુણ્યશાળી કુંડ તળાવ ને નદી વડે પતિતપાવની લેખાતી, અશોકદેવ જેવા રાજધુરંધર સમ્રાટોનાં સ્મરણ ચિન્હોએ અંકિત થયેલી, સુદામાં અને નરસિંહ જેવા ભકતજનોનાં જન્મથી વરસૂ ગણાતી, દયાનંદ ને ગાંધીજી જેવા જગમહાત્માઓનાં જીવન સાફલ્ય માતૃભૂમિના મોંઘા મૂલે અંકાયેલી, રાજવીરોનાં સમર સુહાગણે શોભતી, મોંધા માનના મહેમાનોને ઉરના આદર આપી પરોણાગતમાં પ્રખ્યાતા થયેલી, પ્રેમ શૌર્યે ઉજળા પાઠ ભણાવી નરવીરોનાં નામ સ્મરણે વીરત્વનું બિરદપામેલી, નેક ટેકના પાલક બહાદુર બહારવટીઆના ખાંડાના ખેલને અંકિત થઈ ઉજજવળ ભૂમિ ગણાતી, રસધારનાં વહેણ વહેવડાવી અનેક આત્માઓને રસબોળ કરી રસવંતી ગણાતી, લીલી નાઘેરનાં બારે માસ લીલાંછમ ખેતરોથી સદાય હરિયાળી દીપતી, ઝાડ ઝુંડરૂપ વનરાજીથી વિભૂષિત લાગતી, પશુધનના બહોળા વિસ્તારે દૂધ દહીંની રેલમ છેલે રિધ્ધિ સિધ્ધિથી રળિયામણી થયેલી, પ્રાચીનની પ્રભુતા આજે પણ ઉજળી ભાત પાડી અનોખી ગણાતી, રસકસયુકત ફળદ્રુપતાને લીધે સુરાષ્ટ્ર-સૌરાષ્ટ્ર ર્નિસાર્થક સુંદર બિરદ ધારણ કરનાર ભૂમિ કે જેને સાગર સાચાં મોતીની મધુર છોળે અહર્નિશ ચરણ ચુંબી વધાવે છે. આવી આવી અનેક ઊજળી સંસ્કૃતિએ વિભૂષિત થયેલી કઠિયાવાડની ભૂમિ સાગરકાંઠે ઝૂલતા વહાણની જેમ અરબી સમુદ્ર ઉપર ભરતખંડની ભીંતમાં ઝૂલતા ઝરૂખા જેવી દેખાઇ, ભારતમાં કોઇ જુદી જ ભાત પાડે તેવી છે.”

પુરાતત્ત્વવિદ્ શ્રી કૃષ્ણલાલ મહેતા સૌરાષ્ટ્રની ભૂમિને ભૌગોલિક દ્રષ્ટિએ અદભૂત હોવાના કારણો આપતાં જણાવે છે કે: “આ સૌરાષ્ટ્ર અદભૂત ભૂમિ છે. એના ભૂસ્તરની અને કાલગણનાની લપમાં પડયા વિના એટલું નિ:શક કહેવાય છે કે આ અતિ પ્રાચીન પ્રદેશ છે. જે દિવસે હિમાલય દરિયાને તળિયે હતો, તે દિવસે ગરવો ગિરનાર વાદળથી વાતું કરતો હતો ! ભારતની તળભૂમિથી અલગ, કોઈ બીજા બૃહદખંડનો (હાલ લુપ્ત) આ ભાગ છે. સૌરાષ્ટ્રના ભૂસ્તરે અનેક ઊથલા માર્યા છે. કાળક્રમે બદલાતો બદલાતો આજનો સૌરાષ્ટ્ર બંધાયેલો છે. સૌરાષ્ટ્રની દરિયાકાંઠી તો અસંખ્યવાર પોતાના રૂપરંગ બદલી ચૂકી છે! આજે પણ કદાચ બદલાતી હશે, પરંતુ મનુષ્યનું અલ્પ આયુ તેને નોંધી ન શકે તેટલી ધીમી પ્રક્રિયા છે.

આવા આ સૌરાષ્ટ્રે ભૂસ્તર, ભૂતળની વિવિધતા-વિપુલતા પુષ્કળ છે. અહીં ભૂમીનુ પ્રત્યેક રૂપ વિદ્યમાન છે. સૌરાષ્ટ્રનો આકાર રત્નાકરની આરતી ઊતારતો ધૂપડા જેવો છે એની ગિરિમાળાઓ, સરિતાઓ, કંદરાઓ, વનરાઇ, જલચર, ખેચર, ભૂચર અને માનવ -ચંદરવો ખરેખર સૌરાષ્ટ્ર અભૂત ભૂમિ છે!

સૌરાષ્ટ્ર એક સ્વતંત્ર ભૂભાગ છે. એક સમયે તે ચારેબાજુથી સમુદ્ર વડે વીંટળાયેલો હતો, એની ઝાલર અહર્નિશ બજ્યા કરતી હતી. મધ્યમાં ભદ્રભામિની થી ભડભાદર લોઠકીં ગોવાલણ સમી ભદ્રા એના જાજરમાન પ્રવાહથી ગજગતિએ વહે છે. મદારેશ્વરની શિરજટામાંથી વહેતી સૌરાષ્ટ્રની આ ગંગા છે. આ ભદ્રાના બન્ને પડખે રક્ષક સમાન બે ગિરિમાળાઓ છે. એક બાજુ મદાવા, સાણા,ટાણા, ગિર, ગિરનાર અને વિવિધ શૃંગો તેમજ આલેચ અને ઓસમમાત્રી છે. બીજી બાજુ ચોટીલા, સરધાર, ભલધાર, ગોપ અને બરડો છે. આ બન્ને ગિરિમાળાઓમાં સમૂહશૃંગો અને ઉપશૃંગોનું વૈવિધ્ય છે. આ શૃંગોમાંથી નાની મોટી લગભગ ત્રણસો જેટલી જલધારાઓ ધરતીને પ્લાવિત કરતી ચારે બાજુ વહે છે. ઉત્તરે કચ્છના અખાતને મળતો એક સમૂહ, દ્વારકાથી સોમનાથ વચ્ચે અરબી સમુદ્રને મળતો બીજો સમૂહ, સોમનાથથી ગોપનાથ વચ્ચેનો ત્રીજો અને ગોપનાથથી ધોલેરા વચ્ચે ખંભાતનો અખાતને મળતો ચોથો સરિત્ સમૂહ છે. આ સરિતાઓ વનશ્રીથી સુશોભિત છે, અને પશુપંખી મનુષ્યથી ચેતનવંતી બનેલ છે. મનુષ્યસભ્યતાની પા પા પગલીથી માંડી વિરાટકાય નગર સંસ્કૃતિ આ સરિતાઓના તટે સર્જાયેલ છે. ભૂસ્તર કરતાંય ભભકાદાર સૌરાષ્ટ્રનો દરિયાકિનારો છે. એનો મિજાજ કયાંક પંચરંગી, તો કયાંક નવરંગી તો કયાંક શતરંગી છે. જયાં જયાં દ્વિવેણી કે ત્રિવેણી અને સરિતસાગર સંગમ છે ત્યાં ત્યાં શિવ કે શકિતનાં બેસણાં છે.”

સિંકદર સામ્રાજયના ભારતીય દૂત મેગસ્થનીએ વિશ્વમાં બે જ દેશને જ આતિથ્ય સત્કાર માટે સર્વોચ્ચ ગણાવ્યાં છે, તે બે પૈકીનો એક પ્રદેશ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રની આતિથ્યપ્રેમી, ભાવઘેલી પ્રજા, આતિથ્ય સત્કાર માટે સર્વસ્વ ન્યોછાવર કર્યાનાં અનેક ઉદાહરણો ઇતિહાસમાં અંકિત છે. આથી જ દોહો ગવાય છે ને

કાઠિયાવાડમાં કોં ક દિ, ભૂલો પડય ભગવાન,
મારો કરું મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.

ડો. ભગવાનલાલ ઇંદ્રજી નોંધે છે કે : “સૌરાષ્ટ્રની માયાળુતા એ ઈતિહાસનાં આદિકાળથી, મનુષ્યોને આ ભૂમિ તરફ આકષર્યા છે, કેટલાંકે આ આકર્ષણથી આ ભૂમિમાં આશ્રય લીધો, તો કેટલાંક ઉપર વિજય મેળવ્યો.”

વિશ્વના વહાણવટાના વિકાસના ઇતિહાસમાં દ્રષ્ટિ કરીશું તો એક યુરોપના સ્પનિયર્ડ અને બીજા સૌરાષ્ટ્ર-કચ્છ એ બન્ને દેશોના નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. સૌરાષ્ટ્ર-કચ્છની નાખુદાઓ સહજસુઝથી કોઈપણ જાતના યંત્ર-સાધન-સામગ્રી વગર કેવળ કુદરતી રીતે પવન, પાણી,પ્રવાહ,વેગ વગેરેના ઊંડા જ્ઞાન અનુભવથી તથા ખગોળના અવલોકન પરથીએ વહાણો અન્ય દેશોની સફરે લઈ જતાં. ઋત, ઋતુનાં પવન,વેગ,જુદા જુદા પાણીના રંગ, સમુદ્રમાં તણાતી વનસ્પતિના પ્રકાર, પક્ષીઓ ઉપરથી આ નાવિક કયે વખતે, કયા ભાગમાં, કયા વિસ્તારમાં વિચરી રહ્યું છે, તે કેવળ આતમસુઝથી બતાવી આપતા હતા. કચ્છના એક વહાણવટીએ વાસ્કોદગામાના વહાણને આફ્રિકાથી જ હિન્દ લાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં ઘોઘા, પોરબંદર, માંગરોળ, મહુવા, તળાજ, હાથબ, સલાયા, વગેરે સ્થળોએ વહાણ બંધાતા હતા. આ વહાણો હલકાં અને ઝડપી ગતિવાળા હતા. જયારે બીજા દેશોના જહાજો ભારે વજનવાળા અને મંદગતિ વાળા હતા. આથી જ નેલ્સનનું વિકટરી જહાજ નથુ બંધાનાં સલાયાનાં જહાજવાડામાં બંધાયું હતું. સૌરાષ્ટ્રની નૌકા વિદ્યા પ્રાચીનકાળથી જ વિશ્વ વિખ્યાત છે. ઈ.સ.ના બીજા સૈકાથી તો ગ્રીસ, એસેરિયા, અરબસ્તાન અને ઇજિપ્તના વહાણો સૌરાષ્ટ્રનાં સાગરમાં મોટી સફરો ખેડતાં હતાં નૈ સૈન્ય પણ રાખતા હતાં. કવિશ્રી ત્રિભુવનભાઇ વ્યાસે આ ભૂમિને એશિયાની અટારી અને હિન્દ દેવીની કમરે તીક્ષ્ણ કટારી ચમકતી, ઝુલતી હોય તેવી દર્શાવી છે.

પ્રોઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી, હિંદદેવી તણી કમર પર ચમકતી, દઢ કસી તીણ જાણે કટારી, હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, જલનિધિ ગાન સરણી, ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ! ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.

ઇ.સ.૧૬૮૦માં જામનગર રાજયના પંડિત શ્રીકંઠ કવિએ નદી, નારી, અશ્વ, સોમનાથ અને સિંહને સૌરાષ્ટ્રનાં પાંચ રત્નો તરીકે મૂલવ્યા છે:

સૌરાષ્ટ્ર પંચરત્નાનિ, નદી, નારી, તુરંગમ!
ચતુર્થમ્ સોમનાથમ્ ચ પંચમમ્ હરિદર્શનમ ॥

આમ સૌરાષ્ટ્ર અનેકવિધ લાક્ષણિકતાઓથી સભર છે.

માહિતી-સંદર્ભઃ
સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી

પ્રેષિત-સંકલનઃ
મયુર સિધ્ધપુરા-જામનગર

error: Content is protected !!