ભારતવર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી…!હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે, પરંતુ દિવાળી એ તો ખરેખરો “મહાન તહેવાર” છે. દિવાળી એ ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી, વર્ષના ૩૬૫ દિવસનું સરવૈયું છે અને આવતા ૩૬૫ દિવસ માટેની અદમ્ય ઉત્સાહભરી તૈયારી છે…!દિવાળી એક પ્રકારનો “બફર ઝોન” છે. આજના દિવસે જ મહાલક્ષ્મીપૂજન, ચોપડાપૂજન, ધાન્યપૂજન અને ઇત્યાદિ ઘણી જ વિધિઓ ભારતના જુદા-જુદા ભાગોમાં થાય છે.
શબ્દનો અર્થ –
એ કહેવાની તો જરૂર રહેતી નથી છતાં “દિપાવલી” શબ્દનો આધાર “દિપ” પર રહેલો છે. આમેય દિપાવલીમાં દિપ પ્રાગટ્ય વિશે તો કાંઇ કહેવાપણું હોય જ નહિ…!પુનમને દિવસે ચંદ્ર ન ઉગે તો દિવાળીના દિવસે દિવા ન પ્રગટે…!”દિપ” એટલે “દિપક” અને “આવલી” એટલે “હારમાળા”. આમ,દિપ + આવલી = દિપાવલી. અર્થાત્ “દિવાઓની હારમાળા”….!
રામનું અયોધ્યા આગમન –
દિવાળીના દિવસે જ પ્રભુ રામ લંકાવિજય કરીને અયોધ્યા પધાર્યા હતાં. જ્યારે દશેરાને દિવસે રાવણવધ કર્યો હતો. અયોધ્યાના લોકોએ ૧૪ વર્ષના વિરહ પછીના આ ખુશીના અવસરમાં નગરના પ્રત્યેક ઘરને દિવડાં પેટાવી શણગાર્યા હતાં. અત્ર,તત્ર,સર્વત્ર દિપ પ્રાગટ્યનો ઉત્સવ થયો હતો. દિવાઓની હારમાળાઓ અર્થાત્ દિપાવલી થઇ. અને આ શબ્દનો ઉદ્ભવ પણ થયો. અને તે દિવસથી જ દર વર્ષે ભારતીય સંસ્કૃતિના લોકો દિપ પ્રાગટ્ય કરીને રામ અયોધ્યાગમન અર્થાત્ દિવાળીનો ઉત્સવ ઉજવે છે. આ દિવસે જ રામનો રાજ્યાભિષેક પણ થયો હતો. મોરારીબાપુ કહે છે તેમ,હવે એક દિવસ પણ મોડું કરવું પાલવે તેમ નહોતું…!હવે વળી પાછો વિરહ વેઠવાની તાકાત અયોધ્યા વાસીઓમા નહોતી….!
લક્ષ્મી પ્રાગટ્ય –
સમુદ્રમંથનમાંથી આજના દિવસે લક્ષ્મીજી પ્રગટ થયા હતાં અને ભગવાન નારાયણને વર્યા હતાં. માટે આજે મહાલક્ષ્મીપૂજન થાય છે.
બલિરાજ –
કહેવાય છે કે,આજના દિવસે વિષ્ણુરૂપ વરાહ ભગવાને ત્રણ ડગલાં પૃથ્વીની માંગણી બલિરાજ પાસેથી પૂર્ણ કરી હતી. ત્યારબાદ બલિરાજાને પાતાલના સમ્રાટ બનાવ્યાં હતાં. આ ત્રણ દિવસ સર્વત્ર બલિરાજનું સામ્રાજ્ય રહે છે.
અન્ય ધર્મોમાં દિપાવલી –
માત્ર હિંદુ જ નહિ જૈન અને શિખ ધર્મમાં પણ દિપાવલીનું અનેરુ મહત્વ છે. કહેવાય છે કે,૧૫ ઓક્ટોબર અને ઇ.સ.પૂર્વે ૫૨૭ના રોજ દિવાળીને દિવસે જ ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું. માટે જૈન ધર્મમાં દિવાળીનું ખુબ મહત્વ છે.
શિખ ધર્મમાં પણ આ દિવસ ભારે મહત્વપૂર્ણ છે. ગુરૂ હરગોવિંદ સિંહ સહિત ૫૬ હિન્દુ રાજાઓને જહાંગીરે ગ્વાલિયરના કિલ્લામાં કેદ રાખ્યા હતાં. આજ રોજ તેમની મુક્તિ થઇ હતી. અમૃતસરના સુર્વણમંદિરમાં લોકો મીણબત્તી અને દિપક પ્રગટાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. માટે આજના દિવસને “બંદિછોડ દિવસ” તરીકે પણ ઉજવાય છે. વળી,ગુરૂ ગોવિંદસિંહે પણ આજના દિવસે જ ખાલસા પક્ષની સ્થાપના કરી હતી. ભાઇ મણિસિંહજીએ પણ આ દિવસે શહાદત વહોરી હતી. આમ,શિખ ધર્મમાં પણ દિપાવલી આગોતરું અને વૈશાખી પછીનો સૌથી વધુ મહત્વ ધરાવતો તહેવાર છે.
રાષ્ટ્રીય સંવતની સ્થાપનાનો ઠરાવ –
આજના દિવસે જ મહારાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણયો બાદ શુક્લ પ્રતિપદાથી ભારતનો હજી સુધીનો રાષ્ટ્રીય સંવત સ્થાપવાની જાહેરાત કરી હતી. વળી,કહેવાય છે કે ઉજ્જૈનના રાજા વિર વિક્રમનો આજે રાજ્યાભિષેક થયો હતો.
પ્રથાઓ અને પરંપરાઓ –
દિવાળીના દિવસે અલગ-અલગ પ્રદેશો મુજબ અલગ અલગ પ્રથાઓની ક્રિયાઓ થાય છે. જેમાં અમુક પ્રથા લગભગ સર્વત્ર જોવા મળે છે. નાનાથી માંડીને મોટા અને હાટથી માંડીને ઉદ્યોગો સુધીના બધાં જ વેપારીઓ આજે ચોપડાપૂજન કરી આખા વર્ષની લેખાજોખી ખતમ કરે છે. અને નવા ચોપડાઓથી નવા વર્ષની ગણતરીઓ માંડવાનો આરંભ કરે છે. આ બધે જ જોવા મળતી પ્રથા છે. વર્ષ સાથે વહેવાર ખતમ કરવાની.
દિપાવલીના દિવસનું એક વધુ મહત્વ એટલે મહાલક્ષ્મી પૂજન. આ દિવસે રાત્રે લક્ષ્મીજીનું પૂજન થાય છે, એમની શ્રધ્ધા અને ભાવ સાથે પ્રાર્થના થાય છે. વિવિધત્તમ વિધિઓ વડે માં લક્ષ્મીનું પૂજન થાય છે. આજે ઘર અને ફળિયાને સ્વચ્છ રખાય છે. કારણ કે,રાત્રે લક્ષ્મીજી ભુલોક પર વિચરણ કરે છે એવી માન્યતા છે. અને સ્વચ્છ ઘરમાં વાસ કરે છે એવી લોકપ્રિય માન્યતા પણ છે.
આજે લક્ષ્મીજી ઉપરાંત ગણેશ અને સરસ્વતી, આમ “ત્રિદેવ”ની એકસાથે પૂજા થાય છે. દરેક શુભકાર્ય માટે ગણેશ અને વિદ્યા માટે દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. આ ત્રિદેવતાની કૃપા સદાય બની રહે એવા આર્શીવાદ પ્રાપ્ત થાય છે.
દયાનંદ સરસ્વતીનું મહાપ્રયાણ –
આજનો દિવસ આર્યસમાજ માટે પણ અત્યંત મહત્વનો છે. કારણ કે,આર્યસમાજના સ્થાપક અને ભારતીય સંસ્કૃતિ સદાબહાર, શ્રેષ્ઠત્તમ ઉધ્ધારક એવા ટંકારાના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન આજે થયેલું. આમ,આ “રાષ્ટ્રપુરુષ”ની પુણ્યતિથી પણ દિપાવલીના દિવસે આવે છે. એમને શત્ શત્ વંદન….!
વળી,દિપાવલી એટલે અંધારી રાતને પ્રકાશમય બનાવવાનો દિવસ….!આજે ફટાકટાની લોકપ્રિયતા પણ વધી જાય છે. દિપ પ્રગટાવી બાહ્ય જગતની સાથે આંતર મન અને એ બધાની પર છે એવા અજર-અમર તત્વ- આત્માને ઉજાગર કરી એની જાગૃતિનો પણ પ્રયાસ કરાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જનાર અને દોરી જનાર પર્વ એટલે દિવાળી….! સૌને આ તેજોમય-પ્રકાશમય અવસરની ખોબલા ભરીને શુભેચ્છાઓ. પ્રભુની કૃપા સર્વ પ્રકારે તમ પર સદાય રહે એવી પ્રાર્થના. કોઇ નિ:સહાયને મદદ અને ભૂખ્યાને રોટલો આપશો તો આ દિપાવલી તમારા જીવનમાં સદાય માટે રહેશે….!આ સનાતન સત્યને બને તેટલું પાળવાની કોશિશ જારી રાખશો એવી અભ્યર્થના. એ સાથે મહાકવિ ન્હાનાલાલી આ એક પંક્તિ સાથે વિરામ –
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
– Kaushal Barad.