સિંહ સરીખા સાવજ ધાખડા ની વાત.

આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે વાગી રયું છે઼ ચારણ -બારોટો “ભલે નવસા નવરંગ?” “ભલે પાંડવરા?” એવા ભલકારા ભણી રયા છે. જાનમાં દિપડીયા ગામનાં ગલઢેરા સાવઝધાંખડો પણ ખરા. ડાંખરૂ માણસ. એની લોંઠકાઈ પંથક આખામાં પંકાતી. નહિ ઊંચો, નહિ નીચો એવો દેહનો બાંધો. પંડય પાસે હથિયારમાં જામગરી બંધૂક તલવાર ને ભેટે જમૈયો તો આપાને કાયમ હોય. આંખ્યુ મારકણી. જેવો તેવો તો આપા ની સામે નજરપણ ન નોંધે ડાયરાની જમાવટ થઈ ગઈ છે એમાં કોઇકેવાવડ દીધા કે “આઈની જાંબલી ગાયને દીપડે મારી નાખી?” વાવડ મળતાં તો આઈએ કાળું કલ્પાત આદ્રયુ”અરેરે ? મારી જાંબલીને તો મેં કાંડા કરડાવી ને ઉઝેરેલ, હજી પેલવેતરી જ હતી. હેઠ હાથીના બચ્ચાજેવો વાછડો. બોઘરૂ એક તો દૂધ દેતી. હમણા જખીલેથી છોડેલી. આમ આઇતો કરલાવા માંડયા.

ડાયરો ઘણુઆસ્વાસન આપે છે઼ કે, “વાત તો સાચી આઈ ! પણ બનવા કાળે બધું બન્યા કરે છે.”

ત્યારે આઈ કહે, “પણ મારે ઘરે સાવઝ જેવો મેમાન છે ને દીપડો મારી ગાવલડી ને મારી ને જીવતો જાય તો તો ધાંખડા નુ કુળ લાજે ને !”

બરાબર આ જ ટાણે એક કાઠી અંજળીમાં કસુંબો લઈને આપા સાવજને તાણ્ય કરતો હતો. આઈનાં બોલ કાને પડતાજ સાવઝ ધાંખડે કસુંબાની
અંજળી પાછી ઠેલી. પોતાની હાર્યે ટબો કરીને એક કોળી હતો. એને કહે, “ઊઠ! ઊભો થા ટબા ! હવે આ કસુંબો ઝેર થઉ ગો. “હથિયાર લઈ બેય ગામ બહાર
નીકળ્યા. આદસંગ વંકા ડુંગરની થડમાં જ વસ્યુ છે. ડુંગરાની ટાેચે જ દીપડાનું ભોણ.એને બે સરણાં રાખહનાં નાખોરા જેવા. દીપડો એક સરણામાં બેઠો
છે.

ટબો કહે : “બાપુ! જો રીયો !” આપો સાવઝ મોઢામાં ઉઘાડી તલવાર લઈ. ભરેલી બંદુક ખંભે ને ડુંગર ઉપર ચડયા ભાંખોડીયા ભરતા ભરતા પોગ્યા ભોણ પાસે ને હાથમાં તલવાર લઇ દીપડા ઉપર તરવારનું જેવુ ઝાવુ કર્યુ ત્યાં તરવાર બખોલની ઉપલી ભેખડનાં પાણા હા્ર્યે ભટકાણી ને ભાંગી ગઇ. મુઠવાળું તરવારનું અરધું બટકું આપા સાવઝના હાથ માં રહી ગયું ત્યાં તો દીપડો બીજા સરણામાં થઇને આપાનેં ચોંટી પડ્યો સાવઝ ધાંખડો ને દીપડો બેઇ બથોબથ આવી ગયા.

દીપડો બે પગે ઝાડ થઇ ગ્યો સાવઝ ધાંખડો ભાંગેલી તરવાર દીપડાનાં પેટના નળ માથે ભીંસ દઇને ઘસવા માંડ્યા દીપડો નહોરથી ને મોઢેથી સાવઝ ધાંખડાને વીંખવા માંડયો ને દીપડા હાર્યે જુદ્ધ ખેલતા આપો સાવઝ દીપડાનાં પેટમાં ભાંગેલી તરવારનાં ઘસરકા દેવા માંડયા, ત્યાં તો જાનૈયા ને ગામેડુ ભેળા થઇ ગયા ને
ડુંગરના પેટાળથી યુદ્ધ નીરખ્યા કરે છે. દીપડાનાં પેટના નળ થોડા કપાતાં દીપડાનું જોર ઢીલું પડ્યું. ત્યાં તો આપા સાવજે જોર કરીને દીપડાને ધક્કો માર્યો તે દીપડો દડતો દડતો ડુંગરથી હેઠે જઈ પડયો પણ તરત ઊભો થઈને ઝાડીમાં ભરાઈ ગયો.

દીપડાએ વીંખી નાખેલા આપો સાવઝ ધાંખડો પણ હેઠા ઊતર્યા , દીપડાએ આપાના દેહમાં દાઢના ગરેડા બેસાડેલ ને નહોરથી પણ શરીર વીંખી નાંખેલુ. આપો પોતાનાં અને દીપડાનાં લોહીમાં બંબોળ બનીને ધીરે ધીરે ડુંગર હેઠે આવ્યા.

લોકો કહે “આપા ! ઢોલીયો મંગાવીએ આમ ને આમ ગામમાં આવતાં વસમું લાગશે !”

“ના ભા ! માળો નામ સાવઝ. હું ખાટલે પડી ગામ માં નો આવું. જોધા માણેકે માળો નામ સાવઝ પાડ્યો છે. હું ઈને નઈ લજવું. અને હજી દીપડાને ઠાર કયાં
કર્યો છે ? ગામ લોકો વારતા રહ્યા પણ સાવઝ ધાંખડો ટબાને કહે: “સગડ ગોત્ય દીપડાના !”

ટબો ને સાવઝ ધાંખડા દીપડાને ગોતવા ઝાડીમાં ગયા સામે આદસંગ ના કાઠી જેઠસુર ચાંદસુર મળ્યા એને પણ દીપડાએ લોહીઝાળ ચુંથી નાખેલ. સાવઝ
ધાંખડો કહે:

“જેઠસુર ! કાણે થ્યો ?”

“આપા ! મને દીપડે વીંખ્યો !”

“કયાં છે ?”

“આ ઊભે નેરડે જાય !”

સાવઝ ધાંખડો ને ટબો કોળી ઊભે વોંકળે ચડયા. નેરા ને કાંઠે કરમદીનો ઢુવો. એમાં દીપડો ભરાય ગ્યેલો. ટબાએ જોયો : “આપા ! એ ઓલ્યા કરમદીના
ઢુવામાં બેઠો !”

આપો કહે, “આ બંધુક ભરેલી છે. કર્ય ઘા ! મારો ડાબો હાથ દીપડો ચાવી ગયો છે. એટલે હાથમાં બંધુક રહે તેમ નથી.”

“બાપુ ! હું તો છું સગડ પારખુ, હું બરકંદાજ (નીશાન બાજ) નથી. મારો હાથ ધ્રુજી જાય”

“અરે મારા ખંભા માથે બંધુક રાખીને ઘા કર્ય !”
પણ ટબો થરેરી ગયો.

પછી આપા સાવઝે પોતાનો હાથ દીપડે વીંખી નાખેલો એના માથે પોતાનું મેકર (પાઘડી) વીંટી હાથ માથે જામગરી ટેકવી ઢુવામાં દીપડાને નોંધીને બંધૂક ધ્રુફાડી
હડીમ ! અને દીપડાનું પતી ગયું. માણસો પણ આવી પહોંચ્યા બધા કહે “આપા ! હવે તો ઝોળીમાં નાખીને લઈ જાવા પડશે !”

“ના ભાઈ, સાવઝ ઝોળીએ ન હોય. પણ મને હવે પીડા થાય છે. એટલે ગામમાંથી ઢોલ શરણાઈ મંગાવો. ઈ ભણ્યું વગાડતા જાય અને હું ટબાને ખંભે
હાથ દઈને હાલ્યો આવું”

ઢોલ શરણાયુ આવ્યાં. શૂરાતનના સૂર છેડવામાં એમણે કાંઈ મણા ન મેલી. આગળ ઢોલ શરણાયુ વાગતી જાય છે પાછળ આપો સાવઝ ટબાને ખંભે હાથ મેલીને શૂરના સૂરમાં તરબોળ થતાં પીડા ભુલીને હાલ્યા આવે છે. આપાનું સામૈયું આઈને ખોરડે આવ્યું. ત્યાં આપા ને તમ્મર આવી ગયાં. દીપડીયા ગામે ખબર દેવાઈ
ગ્યેલા. ભાયું આવીને તેડી ગ્યા. એકાદ મહીને પડદે રહીને સાવ સાજા- નરવા થઈને ઊઠ્યા.

આદસંગ ગામનો એક આગેવાન ને જોરદાર આદમી. સાવઝ ધાંખડે જે દીપડો મારેલ એનું ચામડું ઉતરાવી પોતાની પાસે રાખી સૌને દેખાડીને કહેવા માંડ્યો કે “આપા સાવઝ ધાંખડાને તો દીપડાએ ચુંથી નાખેલો. એને કયાં મારવાની સોં ( સુધ ) હતી ? દીપડાને તો મેં માર્યો છે.”

આપા સાવઝને પોતાને ગામ દીપડીયે ખબર પડ્યા કે આદસંગવાળો, દીપડે તો પોતે માર્યાની ડંફાસ મારે છે ને પોતા અંગે ઘસાતું બોલે છે. એટલે કેવરાવ્યુ કે, “ભણું ખોટી લોંઠકાઇ કાણા સારુ બતાવતોસ ? ઈ દીપડાનું ચામડુ દીપડીયે મોકલી દેજે. નકર દીપડા ના હાલોહાલ તારા થશે.”

સંદશો મળતાં ભેગી દીપડાની કમાવેલ ખાલ આપા સાવઝને પોગાડાઈ ગઈ.

વસવ મર વાતું કરે ઠાલા કંઈક ઠરડાઈ
દીપડાનાં ડાચા માંઈ ચોડે ઝાટક સાવઝે.

વાઘેર બહારવટીયા જોધા માણેક સાથે દીપડીયા ગામે સાવઝ ધાંખડાના બાપુ વાજસુર ધાંખડા નાં મે’ માન થયેલા તે દી સાવઝ ધાંખડો છ મહિના ના પણ
કજીયાળા બહું, આઈને રોટલા ઘડવા દે નહી. માણસ છ મહિના નાં સાવઝ ધાંખડાને તેડીને ડેલીએ આવ્યો. છ મહીના ના ડીફા જેવા બાબરીયાના બાળકને
બહારવટીયા રમાડવા માંડયા. ઘર છોડીને નીકળી ગયે બહારવટીયાઓને ઘણો વખત થઈ ગયેલો. એટ લે આવા રૂડા બાળકને જોઈને હેતની ભરતીયું ચડી
જોધો માણેક બાળકને તેડીને ઉલાળવા માડ્યા.

બાળકનું પાણી જોઈને જોધો માણેક કહે: ભણે વાજસુર ધાંખડા ! હીં તો તોજો સાવઝો આય સાવઝો !” ( આ તો તારો સાવઝ છે સાવઝ ) એ રીતે આપાનું નામ જોધા માણેકે આપેલુ સાવઝ પડી ગયું.અને પોતાના નામને એબ ન લાગે એમ આપા એ સાવઝ નામને દીપાવ્યુ.

ધારગણી ગામે આપા દેહાવાળાનું કારજ છે. મોટા ફળીયામાં લીંબડા હેઠ કાઠી ડાયરો કડાઝુડ બેઠો છે આપા સાવઝના બેન ગનુંબાઈ પણ ધારગણી અને
દીકરી અમરબાઈ આપા દેહાવાળાના દીકરા ગાંગા વાળા સાથે દીધેલ આમ બે પેઢીનો સંબંધ છે. તે દી રામવાળાને ગોલણવાળાની આવતી જુવાની. બહારવટે નીકળવાના હજી પરિયાણ હાલે. એટલે બેય જણાએ દાઢીના વાળ વધારતા ઝીણી ઝીણી દાઢી ઉગેલ, બેઈ જણાએ અંબાઇ રંગે રંગેલા લૂગડા પહેરેલ, લીલા ઘેરા મગ જેવા રંગના. એમને જોઈને આપો સાવઝ ધાંખડો કહે:”આ કાતરીયું વાળા કમણ ?”

આપા સાવઝ ! આ અમરાપુર ગોલણવાળો અને બીજા વાવડીએથી રામભાઇ છે. આપા કાળાવાળા ના દીકરા થાય. બે ઇ માસિયાઇ થાય. “ભણ્યુ સુરવીર લાગતાસ !”આપા સાવઝ નાં મરમનાં વેણ સાંભળી રામવાળો કહે: “આપા વાવડી તો ઘણીવાર આવો છો, મને ભુલી ગયા ?”

“ગઢપણ છે ને ભા !” રામવાળો કહે: ” હશે આપા! ઈ તો કોક દી કાતરીયુંમાંથી કાતરા થાશે. જેવી સુરજ મરજી !” ( અગાઉ દાઢી મુછ અખંડ રખાવતા એને કાતરા કહેતા. ) પણ કાતરા રાખનારાનાં બિરદ એવાં રહેતાં કે રણમાં પીઠ બતાવાઈ નહી, ઉઘાડે પગે હલાય નહી, પાળુ હલાય નહીં, એકાદું માણસ તહનાતમાં હાેય. ઘર રોટલામાં પાછી પાની કરાય નહીં એમ શુરવીરની અને દલગજાના બધાય ગુણ કેળવી જાણે એ જ કાતરા રાખતા.

પછી તો વાટકી જેવડી વાવડીના રાવણ જેવા રામવાળાનું બહારવટુ બરાબર જામ્યું. એના નામનાં ડંકા દુનીયામાં દેવાવા લાગ્યા. એવે સમે રામવાળો બાબરીયાવાડનાં પોતાનાં સગાં- સંબંધીઓને છેલુકીવારના હળવા- મળવા આવેલ છે. એવામાં એક દી’ રોંઢાનું ટાણું ને વાવેરા ગામની સીમમાં એક ઉંડા નેરડામાં બહારવટીયા ઊતર્યા છે ને ઈ નેરાની ઘાટી ઝાડીમાં એક બુઢો અસવાર ઘોડી ઊપર જોયો. રૂપાને ચાપડે જડેલ જામગરી બંધૂક, ખંભે લાંચ વાળી તરવાર, ભેટે જમૈયો ને હાથ માં ભાલું. ધોળા સબાણ દાઢી મૂછના કાતરા. રામવાળો ઓળખી ગયા.

” એ ગોલણભાઈ, આપો સાવઝ ! જેણે આપણ ને ધારગણીમાં કાતરીયું વાળા કયાં તા ઈ !”

ગોલણવાળો કહે: “રામભાઈ, કહો તો આપા સાવઝ ને તાવીએ.”

રામવાળો કહે: “ભાઈ! આપો વસમો પડશે. વળી શી કારે ચડેલ છે. પાસે ભરી બંધૂક છે.”

ત્યાં તો આપા એ ઘોડી ઉપર બેઠાં બેઠાં શિકાર ઉપર બંધૂક છોડી. બહારવટીયા જોઈ રયા છે ને આપો ઘોડી ઉપરથી હેઠા ઊતરી શિકારને પાવરામા નાખી
ઊપર આવળ ભરાવી.

ગોલણવાળો કહે: ” રામભાઈ ! આપાની બંધૂક ખાલી થઈ ગઈ. હવે હથિયાર આંચકી લઈએ !”

રામવાળો કહે: “ઈ સહેલુ નથી, ભા !”

ગોલણવાળો કહે:” જરા હાંસી તો કરીએ !”

બે ઈ જુવાન બહારવટીયા આપા પાસે આવ્યા. આપા એમને જોઈ ને કહે: “કયાં રેહેવાં ? આમ આડે ધડ કેમનાં જાઓ છો ?”

“આપા તમારી પાસેની બંધૂક મેલી દ્યો ! ” બહારવટીયા છં ઈ.”

આપો કહે: અરે તમારી ઝપટ ! તમુ ઈ માનતા હશો કે આ બુઢાની બંધુક ખાલી હશે કાં ? પણ જૂઓ એમ કહીને આપા એ બંધૂકનો ગજ નાળ્યમાં નાખીને ઉપર તસુ ભરી બતાવ્યો. કહે: “આટલો દારૂ ધરબેલ છે. છેટા રે’ જો ! ફુંકાઈ જાશો !”

ત્યાં તો રામવાળા વચ્ચે આવ્યા. કહે: “આપા સાવઝ, રામ રામ ! અમે તો હસીએ છીએ, અમને ઓળખો છો ને ?”

આંખ્યુ ઉપર નેજવું કરીને આપો કહે: “ના, ભા !”

” નો ઓળખ્યા? અમે કાતરીયુંવાળા ! વાવડી રામવાળો ને અમરાપર ગોલણવાળો !”

ધારગણીનું ઓહાણ આવતાં આપો સાવઝ ખુશ થઈ ઉઠ્યા. “શાબાશ તમુને રામવાળા ! હવે કાતરીયું વાળા નહીં પણ કાતરાવાળા ભણ્યુ કાતરામાં કેવી વહમાણ છે ? માણીને ઈ ખેડ્ય ? કેવી કઠણ છે ?જોઈને ? વાહ શૂરવીર ! વાહ ભડ ! ભા ભણ્યું ! દીપડીયે આવો તો રબારીકેથી દેવાત ખુમાણ મે’માન છે.
ગોરડકે આંટો હતો. કેડામાંથી શિકાર લેતો જાવ છું. હાલો ભલા ગોઠ્ય કરીએ !”

” ના આપા ! હવે ગોઠ્યુ ગોઠત્યુ નથી. કોઈ વડીયા હારે ધીંગાણામાં બટકાં થઈ જવાના કોડ થઈ આવે છે. આપા સાવઝ !”

” ઝાઝા રંગ તમુને ભા તો રામરામ !”

” એ રામ રામ !”

ને સૌ સૌને માર્ગે ચડી ગ્યા આ આપો સાવઝ આબરૂ સોતા ઘેર જ ગુજરી ગયેલા.

લોકવાર્તાઓ..

« વાતડીયું વગતાળીયુ »
લેખક:- કાનજી ભુટા બારોટ

ટાઈપીંગ..
!!! ગભરૂભાઈ ઓ. વરૂ !!!
(ત્રાકુડા)

error: Content is protected !!