ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ રતન જેવી માણકિ ઘોડી છે.
પણ બન્યુ તુ એવુ કે એક વખત ના માથે સવાર નો પહોર છે, ઘોડાર મા માણકી નો હણહણાટ થયો, હજામત કરવા આવેલ ધૂળો વાળંદ બાપુ ની ઘોડી ના વખાણ કરતા થાકતો નહિ, આપા રામ ની પ્રિય ઘોડી ને એય રંગ દેવા લાગ્યો, અને કહ્યુ કે બાપુ, આ માણકિ ના રંગ, રુપ ને જોતા ક્યાંય આની બીજી ભાત મળે નહિ, હવે આની દોડ , આના પગ નુ જોમ એની કેવી ક રીતે ખાતરી થાય.?
આપા વિચાર માં ગોથા ખાતો રહ્યા. ધૂળો હજામત કરીને ચાલ્યો ગયો. પણ આપા રામવાળા ના વિચાર નું વહાણ નિશ્રય ના લંગારે લાંગર્યું જ નહિ. સ્મશાન માં ભમતા ભૂત ની માફક સવાલ હૈયા ને ચારેય ખૂણે હડીયાપટ્ટી કરી રહ્યો.
ત્યાં તો પાયગા માં ચાર વર્ષ ની ચડાઉ કરેલી વછેરી એ હીંસીને ખડતાલ દીધી. એ સાથે રામ વાળા ના વિચાર ના વહાણ ને કિનારો મળી ગયો.
“મોળા બાપ, સુરજોનારા’ણ! રંગ હો તુને! મને ઉજળા મોતનો રસ્તો બતાવી દીધો. હવે આ ઘોડી માથે બેસી ને પરાક્રમ કરી ને દેખાડુ.
પછી માંડ્યા આપા રામ વાળા એ માણકી નામની વછેરી ની ચાકરી કરવા અને એને કસવા. આમ રાત દિવસ ની ચાકરી અને કેળવણી એ એ જાતવંત ઘોડી ને એક વરસ માં તો પાસા પડેલ લાખ કરોડ ના હીરાને મૂલે કરી દીધી.
હવે વાત જાણે એમ છે કે મુલક પર અમદાવાદ ના બાદશાહ ની આણ છે. ખંડણી નામે તરકાણ સોરઠ નું નાણું તાણી જાય છે. ખંડણી નાં ઉઘરાણા સોનામહોરો માં ફેરવાઈ ને અમદાવાદ કોર્ય વહેતા જ રહે છે. એ જોઈને રામવાળા ની નજરો માં કરડાઈ આવે છે.
હેમ ના થંભ સરખી બસીયાણી આછું મરક્તા ક્યારેક પૂછે છે પણ ખરાં: “ગલઢેરા! આ ઉંમરે ડાયરે બેસવાને બદલે માણકી પાછળ ધામા-ઉધામા કાં કરો?”
અકળકલાણા આપા રામ ઠાવકો જવાબ દે છે:
“કાઠીયાણી! ડાયરે હવે આપણો નાગવાળો બેહશે. બાકી ચાકરી પાછળ તો જબરું કારણ છે.”
“શું જબરું કારણ છે, ગલઢેરા? દલ્લી માથે હલ્લો તો નથી કરવો ને?” કો’ મીર મારવાના કોડ તો નથી થ્યા ને?”
“કાઠીયાણી! ક્ષત્રિય ને ત્યાં અવતાર લીધો તો એવા કોઈ કોડ થાય એની નવાઈ નઈ. પણ મૂળ કારણ તો આપણી માણકી ના કોડ નું છે.”
બસીયાણી ને અજાયબ થાય છે.: માણકી ના કોડ?
“હા હા, માણકી ના કોડ!”
“વાત કરો, ગલઢેરા, હું માણકી ના કોડ સાંભળું.” મહા ચતુર રામ વાળા એ ડિંગ હાંકી:
“ભણે, કાઠીયાણી! વાત એમ હતી કે એક દિ’ હું ખાટલે પાયગા (ઘોડાર) પાસે સૂતો તો તયેં આપણી માણકી ને આપણા ધોળીયા મૂંઝડા બળધિયા હાર્યે વડચડ જામી ગઈ હતી.”
“હેં, વડચડ! ઈ યે ઘોડી ને બળધિયા વચ્ચે?”
“હા હા, કાઠીયાણી! ભારે વાદાકોદી જામી’ તી. આ માણકી તે દિ’ રાતે ખડતાલ ઝીંકી ફરેડા મારવા મંડી’તી. એની આ ધમાલ જોઈ આપણા ધોળિયા એ મૂંઝડા ને કીધું કે જોયું “આ ઘોડી રાતેય સખે બેસવા નથી દેતી. ખડતાલ ઝીંકીઝીંકી ને નકામી ધમાલ કરે છે. એને કાંઈ ઉપાધી? બાંધી-બાંધી આપણા કાંધ ની કમાણી ખાય છે.’ ત્યાં તો માણકી એ પડકાર કર્યો: હે બળધિયાવ! તમારું નામ જ બળધિયા છે. તે તમારા માં શું અક્કલ હોય? બાકી મારે ત્રેવડ ઝાઝી છે, પણ મારો ધણી જરા હૈયાદુબળો લાગે છે. જો ઠાણ માં થી બા’ર કાઢે તો ધન ના ઢગલા કરી દઉં. એક વાર મારી ત્રેવડ તો નાણી લ્યે!”
કાઠિયાણી કહે: “ગલઢેરા! આ ઢોર ની બોલી તમને કેમ કરીને સમજાણી એ જ બડું અચરજ છે. !”
રામવાળા કહે “કાઠિયાણી! મારા બાપુએ ત્રણ ગામ ના ત્રભેટે પરબ બંધાવેલ તેમાં પશુપંખી પાણી પીએ. જયેં મારો જનમ થિયો તયેં પરબ ના પાણી ની ગળથૂથી પાઈ, એને પરતાપે હું પશુપંખી ની બોલી સમજુ છઉં.”
“રંગ છે, કાઠી, તમારી વિદ્યાને!” કહેતા બસિયાણી આપા રામ ની ખોટી ડિંગ હોય તોય એમને પ્રોત્સાહન આપે છે.
આમ રોનકભર્યા રંગીલા દિવસો વીતે છે. ત્યાં એક દિવસ કો’ક આવેતુ રામવાળા ના કાન કરડી ગયું:
“આપા! બાદશાઈ ઊઘરાણા નું ગાડું વીસ ગાઉ માથે સોનામો’રો લઈ જાય છે.!”
બીજા દિવસે રામ વાળા દહીં અને રોટલો ઝાપટી તૈયાર થઈ, માણકી પલાણી. ભાલે આભ ઉપાડતા વહેતા મુક્યા. પચીસ હજાર નું બાદશાહી ભરણુ જાય છે. કામદાર બેઠા છે અને પાછળ દોઢ હાથ લાંબી દાઢી વાળા આરબ અને પઠાણ સવારો રાંગ માં અરબી ઘોડા રમાડતા ચાલ્યા જાય છે. સાથે રસ્તો કાપવા પોત પોતાની મર્દાઈ ની દાસતાનો સંભળાવતા એક બીજા માથે દમ છાંટે છે.
ત્યાં તો આડરસ્તે થી એક ઘોડેસવાર ભેગો થઈ ગયો.
“એ રામ રામ, જમાદારો! રામરામ!”
“સલામ આલેકુમ,
અડધા હાથે ઝાલેલી લગામ , રાતી આંખો, કરડાકી ચહેરો, વાંકિ મુછો , હાથ મા ભાલો અને પહેરવેશ જોઇ દરબાર છે એમ ઓળખી જમાદારે પુછ્યુ.
દરબાર! ક્યાં ચાલ્યાં?”
“જમાદાર! જાઈએ ક્યાં?. અરે, જમાદા’ર સા’બ! તમે મે’રબાની કરીને મને બાદશાહબાપુ ની ચાકરી માં જ રાખી લ્યો ને.”
જમાદાર કહે: “ચલો હમેરી સાથે. થાને મે સૂબા સાહબ કુ બાત કર કે તુમ કો ફોજમેં રખવા લેંગે.”
“વાહ વાહ જમાદાર! તમે સાચા સિપાઈ લાગો છો. હું તો તમારી બેરખ માં જ ચાકરી કરવા માંગીશ.”
આમ વાતો નો સુગલો કરતાં આવેતુ અને શાહી સિપાહીઓ રસ્તો કાપે છે. દરબારે અફીણની ડાબલી કાઢીને જમાદારોને ચણા ચણા જેટલું અફીણ ધર્યું.
“લ્યો, જમાદારો! અમલ કરો. ના પાડે એને મારા ગળા ના સમ.”
જમાદારોએ અફીણ લીધું અને અમલ રંગ માં મોજ માં આવી બધા વાતો ના વડા કરતા ચાલ્યા. ત્યાં દરબાર કહે:
“જમાદારો! તમે બધા તો લાખ ના માણસો છો, પણ આ તમારી રાંગ માં છે ઈ ઘોડા કેવાં જાણવાં? જેવો સવાર એવું ઘોડું હોય તી જ શોભીએ. બાકી હલકે ઘોડે બેઠા કે ન બેઠા તોય શું?”
જમાદારો દાઢીએ હાથ નાંખી ગયાં:
“અરે, દરબાર! આ શાહી ઘોડાં ઈ હલકા ન હોય. આ અસ્સલ અરબી ઘોડાં છે. એનું પાણી કોઈનાથી મપાય જ નહીં.”
“કેટલાં પાણીદાર હશે તમારા ઘોડા? આ મારી ઘોડીને પાછળ રાખી દ્યે?”
“હાહા, દરબાર! આ કોઈ આમજી ભામજી ના ઘોડાં નથી, શાહી ઘોડાં છે. સમજ્યા, શાહી ઘોડાં છે.”
“હોય નહીં. મારી માણકી એમ પાણી-મઠી નથી.”
“શું હોય નહીં? વિશ્વાસ ન આવતો હોય તો ચાલો ઘોડાં ભેડવીએ.”
“તો ભલે, જમાદારો! એ રમતડી પણ રમી નાંખીએ.”
અરધો ગાઉ છેટે ટેકરીએ જઈને પાછા આવતાં લગી જેનું ઘોડું આગળ રહે એ જીત્યો એવી શરત મારી ને દરબાર અને જમાદારોએ ઘોડાં વહેતા મૂક્યાં.
દરબારે જાણી જોઈને પોતાની ઘોડી પાછળ રાખી છે. જેણે હરણાને પણ આગળ થવા નથી દીધા એવી માણકી ને આમ જમાદારો ના ઘોડાં આગળ થાય એમ જોઈ વસમુ લાગે છે. પણ દરબારે લગામ ને કસીને ખેંચી પકડી રાખી છે અને એથી ઘોડી ના પેઢા માં થી લોહી વહે છે.
ટેકરી પાસે પહોંચી ને જમાદારો પોરસ થી ફુલ્યા સમાતા નથી.: કાં દરબાર! અમે નો’તા કે’તા કે તમારી ઘોડી અમારા ઘોડા ને આંબેજ નહીં? તમારી ઘોડી ઈ તમારી ઘોડી ને અમારા ઘોડાં ઈ અમારા ઘોડાં. એની સરખામણી નો’ય.”
“સાવ સાચી વાત, જમાદારો! આ મારી ટાયડી કાંઈ તમારા પાણીપંથા ને પોગે નઈ. પણ હવે પાછા વળી ને ગાડા પાસે પોગીયે એટલે તમે જીત્યા પરમાણ. આપણી શરત પુરી થાય.
ફરી પાછા બધા ઘોડાં પાછા વળી ને પાટીએ ચડ્યાં. આ વેળા પણ દરબાર ની ઘોડી પાછળ છે અને જમાદારો ગર્વ થી મલકાય છે. ત્યાં તો પાછળ થી દરબારે પડકાર કર્યો:
“જમાદારો! હવે માટી થઈને ઘોડાંને દબાવજો. કોનું ઘોડું, કોનું ટાયડું એનું સાચું પારખું હવે થાવા નું છે.”
એ સાથે જ દરબારે ઘોડી ની વાઘ ઢીલી કરીને એડી મારી અને પળવાર માં તો ચારે પગ સંકેલી ને માણકી એ છલાંગ મારી, તે જમાદારો નાં દોડતાં પાંચેય ઘોડાં ને ઠેકી ને આગળ પડી અને પછી હરણફાળે ઊપડી.
“અરે, આપણું અને ઘોડાં નું નાક વઢાયુ” કહેતા જમદારો પોતાનાં ઘોડાંને ચાબુકો ઝીંકી દોડાવવા માંડ્યા, પણ માણકી તો પચીસ પચીસ હાથ ની એકધારી છલાંગો દેતી એવી ઉપડી કે જમાદારો ના ઘોડાં ને ખેતરવા પાછળ રાખી ગાડાં પાસે આવી.
ગાડા માં થી પચીસ હજાર નું ઉઘરાણું દરબારે ભાલાની અણી એ લૂંટયું અને સોનામહોરો હના માં નાખી પાછી માણકી ને મારી મૂકી.
“વાહ! ઘોડી! વાહ! ઘોડી! એ જાય! એ જાય!” કરતાં જમાદારો ગાડાં પાસે આવ્યા અને ક્ષિતિજો માં સમાઈ જતી માણકીને જોવા આંખે હાથની છાજલી કરી નજરોને દોડાવવા મંડ્યા.
જમાદારોને વખાણ કરતાં જોઈ કામદાર ખિજાણો: અરે, માળાં ભોથાં! એ જાય, એ જાય, વાહ ઘોડી, વાહ ઘોડી શું કરો છો? તમારો બાપ બાદશાહી ખજાનો લૂંટી છે ઈ તો પે’લા જુઓ! તમારી રખેવાળી માં ખજાનો ગ્યો, માટે બાદશાહ તમારાં માથાં જ કાપશે.”
જમાદારો ની રાડ ફાટી ગઈ: ઓય ધાડેના! આ તો દરબાર ની ઘોડીએ નાક હાર્યે માથાં પણ વઢાવ્યા!”
દરબાર ને પીછો કરતા જમાદારો એ ઘોડાં દબાવ્યા. પણ ત્યાં તો માણકી આલોપ થઈ ગયેલી. સાગર માં સરકી ગયેલી માછલી જેવી એ માણકી પાછી જમાદારો ની નજરે ચડી જ નહીં. ધોયેલા મૂળા જેવા જમાદારો રાતે પાછા વળ્યાં.
રાતે વાળુટાણે રામવાળા એ આવીને પાછી નાણા ની થેલીઓ પટારે પુરી દીધી.
કાઠીયાણી ને કહે: “ઘી નું ઊનું કરીને લાવો, માણકી ને પાવું છે.”
“ગલઢેરા! માણકીનાં આટલા લાડ?”
“હા હા.. હો..! આ પચીસ હજાર નું ભરણુ પટારે પડ્યું છે ઈ કઠોડે ઘા માણકી ના પગડાએ કરાવ્યો છે.
ઘોડાંને ઘી પાતે, કામન કરગરીયે નહીં;
ચમકી દિ’ ચડ્યે, પારકાં પોતાનાં કરે.
ઘોડાં બેડાં ને પારેવળાં, પ્રભાતે ભૂ પિબંત;
સિંહ સુવારા ને કુંવરાં, સોવત રેન ગળત.
એ પછી તો આપા રામવાળાએ અજબ-ગજબ ના ફેરા નાંખતા રહ્યા અને આ ઘોડી કાઠીયાવાડી ઘોડિઓ મા માણકિ કેતા ઢસા ની માણકિ ની એમ કરી પંકાવા લાગી.
પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
✏ ચિત્રાકંનઃ શ્રી કરશનભાઇ ઓડેદરા
📝 કથાબીજ સાભારઃ શ્રી રતુદાનભાઇ રોહડિયા
🐎🔸🔸🔷🔸🔸🐎