માતૃપૂજાની શરૂઆત તો સૃષ્ટિના પ્રારંભ સાથે જ થઈ હશે. ભારતમાં તો આદિકાળથી જ માતૃપૂજા થતી આવી છે. વેદોમાં પણ જગદંબાને સર્વદેવોના અધિષ્ઠાત્રી, આધાર સ્વરૂપ સર્વને ધારણ કરનારા સચ્ચિદાનંદમયી શક્તિ સ્વરૂપે વર્ણવામાં આવ્યા છે. લોકજીવનમાં પરંપરાગત શક્તિ-પૂજા સાથે ચારણો ના ઘેર જન્મ લેનાર શક્તિ અવતારોની પૂજાનું પણ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આ જગદંબાઓનો અવતાર સમાજમાં સ્થિરતા જીવનમાં પવિત્રતા અને મનુષ્યમાં નીતિમતા સ્થાપવા માટે જ થયો હતો. આ સદગુણોના સ્થાપન માટે તેમણે અનેકવાર કષ્ટભરી સ્થિતિનો સામનો કર્યો છે. આ જગદંબાઓએ શીલ સ્વધર્મ અને પવિત્રતાની રક્ષા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું હોય એવા અનેક પ્રસંગો મોજુદ છે.
વળી અન્યાયના દરેક પ્રસંગો વખતે આ ચારણ જગદંબાઓએ મોટા મોટા રાજ્યો સામે, બળવાનથી બળવાન રાજ્યસત્તા સામે નિર્ભય થઇ સંઘર્ષ કર્યો છે. લોકસમુહને આ અન્યાય સામે લડવા માટે નેતૃત્વ પુરું પાડ્યું છે. તેમનામાં શક્તિનો સંચાર કર્યો છે. અન્યાય સામે ઝઝુમવાની, સંકટો વખતે હિંમત ન હારવાની શીખ આપી છે. અત્યાચારી શાસન વ્યવસ્થા ઉખાડી, સદાચારી શાસન વ્યવસ્થા સ્થાપવામાં આઈઓનું મોટું યોગદાન રહ્યું છે. અન્યાય અને અનિતી સહન ન કરવાનો અને સ્વકર્મમાં પુરુષાર્થનો મહામંત્ર આ આઈઓએ સામાન્ય જનને આપ્યો છે. સાથે સાથે માતૃવાત્સલ્યની પ્રતિક આ આઈઓએ પોતાના આચરણ દ્વારા મનુષ્ય મનુષ્ય વચ્ચેનો ભેદ મિટાવ્યો છે. મનુષ્ય માત્ર એક સમાન છે. એવો સંદેશ આપ્યો છે. મન,વચન અને કર્મથી કરૂણામયી આ જગદંબાઓ સ્વાવલંબી જીવન,સત્યમાં આસ્થા, સહિષ્ણુતા, નીડરતા, શરણાગત વાત્સલ્યતા જેવા મહાન આદર્શો માટે આત્મ બલિદાન સુધી જવું પડે તો તેની પણ સજ્જતા જેવા ગુણોને કારણે આજે પણ લોકહદયમાં ઊંચું અને અનેરું સ્થાન ધરાવે છે.
આ જગદંબાઓ તેજસ્વિની, તપસ્વિની અને દિપ્તીવાન હતી પણ સદાને માટે સત્તાથી અલિપ્ત રહી, તે હમેશાં સામાન્ય જનની બની રહી. સામાજીક મર્યાદા પાલન કરી સમાજને એક વ્યવસ્થા આપી. ત્યાગમુલક સાત્ત્વિક જીવનને પ્રાધાન્ય આપી સંસારમાં રહ્યા અને જીવન વ્યવહારના તથા ઘરના નાના મોટા કાર્યો કરતા કરતા સાદાઈથી જીવન જીવ્યા. સાદું સંસ્કારી જીવન એ જ એમની સાધના હતી. આ જગદંબાઓ ચમત્કારોને કારણે નહીં પણ તેમનામાં રહેતા આત્મબલને કારણે પુજાય છે. લોકહિતની રક્ષા માટે જો જરૂર પડે તો આત્મબલિદાન કરનાર આ જગદંબાઓ આપણને સૌને સદા પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહેશે.
ચારણ આઈઓની ઉજળી અને ભવ્ય પરંપરા છે દુષ્કૃત્યોના નાશ માટે અને સાધુ અને સજજનોની સહાય માટે “ઠગારા ઠાકરે” સંભવામી યુગેયુગેનું વચન પાળ્યું છે કે કેમ તે નિશ્ચિત નથી પણ ચારણ આઈઓએ લોક આસ્થા, લોક માન્યતા, લોકરિવાજો કે લોક સંસ્કારો પર જ્યારે જ્યારે સંકટ ઉભું થયું છે ત્યારે કે પછી કોઈ અન્યાયી સત્તાધીશના જુલ્મોના પ્રતિકાર કરવા સામાન્ય લોકોના હૃદયમાં શ્રદ્ધાનો સંચાર કરવા તેમને પ્રેરણા પુરી પાડવા જુદા જુદા સ્થળે, સમયે અને નામે અનેક વખત અવતાર ધારણ કર્યા છે.
એવા જ એક ભગવતી આઇશ્રી વાનુમાનું પ્રાગટ્ય કચ્છના ખડીર પંથકના વાવડી ગામે થયેલો તેમના પિતાશ્રીનું નામ ખોડીદાન. તે ઝીબા શાખાના ચારણ હતા. તેમના માતૃશ્રીનું નામ પૂરબાઈમાં જેઓ વરસડા શાખાના હતા. આઇશ્રી ને ચાર ભાઈઓ હતા જેના નામ સાંગોજી, રાણોજી, ખેંગારજી તેમજ રાજધર તથા વરજુબાઇ દેવલબાઈ નામે બે બહેનો હતી.
ખોડીદાન ઝીબા અને પુરબાઈમાના કેટલાય જન્મનાં સંચિત પુણ્યકર્મ હશે કે જેના ફળ સ્વરુપ તેમને ધેર જગદંબા આઇ શ્રી વાનુમા, વરજુબાઇ અને દેવલબાઇ એ અવતાર ધારણ કર્યો. તેમની ત્રણે પુત્રીઓ જગદંબા તરીકે પુજાય છે. વરજુબાઈ જે સાંગવારી આઈના નામે પુજાય છે તેમનું સ્થાનક વાવડીમાં છે. દેવલબાઇનું સ્થાનક મોદરા (પારકર) માં છે. તો આઈશ્રી વાનુમાનું સ્થાનક મોરઝરમાં છે. આ ત્રણે ભગવતીઓનું લોકહૃદયમાં બહુ ઉંચેરું સ્થાન છે.
મોરઝર એ સુરતાણીયા શાખાના ચારણોનું ગામ છે. આ સુરતાણીયા શાખાના ચારણો પાધરડી (તા. રાપર) માં રહેતા હતા પણ ત્યાંના શાસનકર્તા વાઘેલા રાજાથી મતભેદ થતાં તેઓએ પ્રદેશ છોડી દીધેલ અને વસવાટ માટે યોગ્ય જગ્યાની શોધમાં હાલે જ્યાં મોરઝર (તા. નખત્રાણા) ગામ છે ત્યાં આવેલ તેમને આ જગ્યા યોગ્ય લાગતા અહીં જ નેશ બાંધી રહેવા લાગ્યા.
આ સુરતાણીયા પરિવારના જગાજી સુરતાણીયાની કવિત્વ શક્તિ વીરતા અને મુત્સદીપણાથી પ્રભાવિત થઈ તે સમયના લાખાડી (તા. નખત્રાણા) ના ઠાકોરથી દેવાજી પચાણજી સાહેબાણી (પાછળથી રોહા જાગીર) એ વિ.સં. ૧૬૪ર માં મોરઝર ગામ તેમને અર્પણ કરેલ.
આઈશ્રી વાનુમાને ઉપર કહેલા જગાજી સુરતાણીયાનો મોટાભાઈ ભાખરશી સુરતાણીયાના પુત્ર *મેકરણજી સુરતાણીયા* સાથે પરણાવેલ. મેકરણજી સુરતાણીયાના આ બીજા લગ્ન હતા. તેમના પ્રથમ લગ્ન મેઘાજી હિંગોલાના પુત્રી લાછબાઇમા સાથે થયેલ અને તે લગ્નથી તેમને ધરમદાશ નામે એક પુત્ર થયેલ. વાનુમાના પિતાશ્રી ખોડીદાન ઝીબાના ઘરનું વાતાવરણ જ પવિત્ર અને ભક્તિમય હતું. તેથી આઈને બાળપણથી જ બધા શુધ્ધ ચારણત્વના સંસ્કારો મળેલ અને સમયાંતરે તપ, વ્રત, નિયમ અને સાધના થી ચારણ ખુમારીના આ સંસ્કારો સુદ્રઢ થતા ગયા.
ચારણત્વના આવા ઉમદા અને ઉજળા સંસ્કારો ને ધારણ કરી આઈશ્રી વાનુમા મેકરણજી સુરતાણીયાને પરણીને મોરઝર ગામમાં પધાર્યા. તેમના પુનિત પગલે તેમના સાસરે મોરઝરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધવા લાગ્યા. પાણીનો અખૂટ ભંડાર વર્ષની ત્રણ ઉપજ આપતી ફળદ્રુપ જમીન, મહેનતી સ્વભાવને પાછું બહોળું પશુધન આકારણે આઈના ઘેર દોમદોમ સાહેબી છલકાવાલા લાગી. અહીં તે વાત પણ ધ્યાન પર લેવી જોઈએ કે મોટાભાગની આઈઓએ ગૃહસ્થાશ્રમ સ્વીકારેલો. સંસારમાં માયા વચ્ચે રહી તેના પ્રલોભનથી અળગા રહી નેકટેકભર્યું જીવન જીવી જવું એ એક બહુ મોટી અને અઘરી સાધના છે. જંગલમાં જઈ સાધના કરવી તેના કરતા ગૃહસ્થાશ્રમમાં લોકોની સેવા વધુ સારી રીતે થઈ શકે એવી ભાવના પણ આ પાછળ રહી હોય એવી સંભાવના છે. સમય જતાં આઈમાને ત્રિકમજી અને મહાવજી નામે બે પુત્રો અને પુરબાઈ નામે પુત્રી રત્નનું સુખ પ્રાપ્ત થયેલ.
આઈશ્રીનું સાદું સરળ અને પુરૂષાર્થી જીવન, પાછા હદયના ખૂબ સંવેદનશીલ અને ઉદાર આઇના આ પરગજુ સ્વભાવને કારણે સાધુસંતો ગરીબો અભ્યાગતોનો મેળો એમના દ્વારે રહેતો આઈશ્રી પોતાના રોજના પુજાપાઠના નિત્યક્રમથી નિવૃત્ત થઈ છાશના મોટા માટલાં અને અનાજના સુંડલા સાથે પોતાના ઘરના આંગણના ઓટલે બિરાજતા અને સવાપહોર દિવસ સુધી જરૂરતમંદોને અનાજ અને છાશની લ્હાણી થતી. મોં સુઝણા પહેલા આ ક્રમ ચાલુ કરવાનો પણ એક ખાસ કારણ હતું. જેથી આબરૂદાર પણ જરૂરતમંદ અંધારામાં પોતાની ઓળખ છાની રાખી શકે અને તેના સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે તેને મદદ પણ મળી જાય. વરસાદની –મેઘરાજાની હેલી મંડાઇ હોય ત્યારે ગરીબ વસ્તી ઘેર રાંધી શકે એવી સ્થિતિમાં ન હોય મજુરી પર પણ ન જઈ શકે, એવા સમયે આ ગરીબ વસ્તી માટે આઈના ઘેર ભોજનની કડાઈઓ ચડતી અને જેટલા દિવસ વરસાદ ચાલુ હોય તેટલા દિવસ આ ગરીબ દીનદુ:ખિયા આઈને ઘેર લાપસીના મીઠા ભોજન પામતી. આઇમાના આવા પવિત્ર સ્વભાવ, વ્યવહાર કુશળતા, બુદ્ધિચાતુર્ય આ દેવીગુણોની વાતો ચારેકોર પ્રસરવા લાગી અને આઈશ્રી ખુબ લોક આદરને પ્રાપ્ત થયા. લોકો પોતાના દુ:ખનો ઉપાય, મુશ્કેલીના ઉકેલ અને આશીર્વાદ માટે આઈના શરણે આવવા લાગ્યા અને આઈમા એમને આ સંસારરૂપી તાપમાં શિતળ છાંયડા સમ શાંત્વના આપનાર લાગ્યા.
આઈશ્રીના પતિ મેકરણજી સુરતાણીયા વિ.સં. ૧૭૬૦ ની આસપાસ સ્વર્ગવાસી થયા. કુટુંબ માટે આઈશ્રી વડલા સમાન હતા. હજી ઘણી કૌટુંબિક જવાબદારીઓ પણ અધુરી હતી એટલે આઈએ મન મજબુત રાખી છાતી પર પથ્થર રાખી પોતાના પતિના મૃત્યુના દુઃખને પચાવી પોતાની ફરજ અદા કરતા રહયા. પતિના મૃત્યુ પછી આઈ ધીમે ધીમે બીજા સાંસારીક કાર્યોમાં જરૂર પુરતું જ ધ્યાન આપતા અને વધુ પડતો સમય ધ્યાન, ભક્તિ અને જગદંબાની ઉપાસનામાં વ્યતિત કરતા.
પણ આવા આનંદદાયક સમયની વચ્ચે વિ.સં. ૧૭૭૨ માં આઇશ્રીની અને ચારણોની મર્યાદા લાપતી એક ઘટના મોરઝરમાં બની. આઈ પાસે બહોળું પશુધન હતું તે તેમજ ગામનું બીજું પશુધન સીમમાં ચરવા ગયેલ ત્યારે લોરીયાના મેઘજી અને ઉન્નડજી નામના બે લુંટારા (જાડા શાખાના જાડેજા) ગોવાળોને માર મારી બધુ પશુધનવાળી પોતાના ગામ તરફ હાંકી ગયેલા. આ વાત ઘાયલ થયેલા ગોવાળોએ ગામમાં આવી ગામ લોકોને કરી. આ વાત સાંભળી ગામના ચારણો ખૂબ ક્રોધે ભરાયા યુવાનો તરત જ હથિયારોથી સજ્જ થઈ લુંટારાનો પીછો કરી માલઢોર પાછાવાળી લાવવા માટે તત્પર થયા. આ કામ માટે સજ્જ થયેલા યુવાનો આ કામ માટે આઈની આજ્ઞાને આશીર્વાદ મેળવવા માટે આઈમા પાસે ગયા અને આઈને આખી ઘટનાથી વાકેફ કર્યા. આઈમાએ બધા ક્રોધીત યુવાનોને શાંત પાડયા અને કહ્યું જુઓ સાચો ક્ષત્રિય કોઇ દિ’ ગાયોની લુંટ ન કરે અને તેમાં આ તો પાછી ચારણોની ગાયો. આ ગાયો ચારણોની છે તેમ તેઓ જાણતા નહીં હોય તેથી ભુલ કે ગેરસમજને કારણે આવું બન્યું હશે.
તેમને સાચી વાતની જાણ થશે તો તેઓ સમજી જશે અને પાછી વાળી દેશે. યુવાનોએ કહ્યું, આઇમા આ બધી વાતો ગોવાળોએ કહી છે પણ આ જાડીમતીના સમજ્યા નથી. આઈ તમે ફક્ત આજ્ઞા આપો. અમારે આપની આણ લોપનારને પાઠ ભણાવવો છે. આપની જે આણ છે સીમાડામાં ચોરી ન થઈ શકે અને જીવહિંસા ન થઈ શકે તેની મર્યાદા તોડનાર ને યોગ્ય સજા થવી જોઈએ. અમે અમારા પ્રાણના ભોગે પણ તમારી આણની રક્ષા કરીશું અને આપણી ગાયોને પાછીવાળીને જ ઝંપશું.
ચારણા માટે ગાય એ પશુ ન હતું. ગાય એ તો એમનું જીવન હતું. તેમના ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપી ચાર પુરૂષાર્થને સિદ્ધ કરવાનું સાધન હતું. એ એની આજીવિકા હતી એ એમનો ધર્મ હતો. ગાયની સેવા તેમના મોક્ષના દ્વાર ઉઘાડનારી ચાવી હતી એટલે યુવાનોનો ક્રોધ સકારણ હતો. આઈમા માટે આ સંકટની ઘડી હતી. છતાં પણ આઈમાને નિર્દોષોનો રક્તપાત તો અટકાવવો જ હતો. સાથે સાથે ચારણત્વની મર્યાદાની પણ રક્ષા કરવી હતી. આ લુંટારાઓના ધર્મવિરોધી અન્યાયી કૃત્યનો પણ વિરોધ કરવાનો હતો.
આઈમા જાણતા હતા કે જો આ યુવાનો માલઢોર પાછા વાળવા લુંટારા પાસે જશે તો ચોક્કસ ધિંગાણું થશે, તેમાં રક્તપાત થશે અને નિર્દોષ જાન ગુમાવશે એટલે આઈમાએ આજ્ઞા કરી કે મારી આજ્ઞા છે કે આપ કોઈ લુંટારાનો પીછો કરવાનો નથી. તેમને સમજાવવા હું સ્વયં જઈશ અને તેમને અનીતિના માર્ગથી પાછા વાળવાની કોશિષ કરીશ. આઈમાએ વેલ તૈયાર કરવાની આજ્ઞા કરી આમ આઈશ્રીએ આ લુંટારાને સમજાવવા તેમના ગામ તરફ પ્રયાણ કર્યું. આ વખતે આઈમા સાથે તેમના પુત્રી પાબાંબાઈ (જેમને અકરીના રત્નુ માં પરણાવેલ અને તેઓ તે દિવસે મોરઝર માવિત્રો પાસે આંટો દેવા આવેલા) મોરઝરના ચારણ આગેવાનો તથા આજુબાજુના ક્ષત્રિય આગેવાનો પણ આઈ સાથે ગયેલા.
આઇ આ લુંટારાને ગામે પહોંચી તેમને બોલાવી સમજાવતા કહયું કે ચારણ અને રાજપુતોનો સંબંધ તો આદીકાળથી છે. તેની મર્યાદા જાળવવી જોઈએ. રાજપુત ઉઠી ગાયોની લુંટ ચલાવે તે પણ ચારણોની ગાયોની એનાથી વધુ નીચ કર્મ કોઈ હોઈ શકે નહીં માટે અમારા માલ ઢોર પાછા વાળી દો અને આ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો. બીજા ઘણા લોકોએ લુંટારાને સમજાવવાનો પ્રયત્ન કર્યા પણ તેઓ સમજ્યા નહીં.
આઈમાએ બીજીવખત સમજાવતાં કહ્યું અમારી ગાયોના વાછરડા દુધ વગર, ભુખથી ટળવળતા હશે તે બહુ મોટું પાપ છે તે તમને લાગશે. ચારણોનો માલ તમે કોઈ કાળે રાખી શકશો નહીં આજે તમારી બેન વાનુ આ તમને સમજાવવા તમારા ગામ સુધી આવી છે. માટે હજી સમજી જાઓ પણ જાડીમતીના આ જાડેજા લુંટારા આઈની વાત માનવા તૈયાર ન થયા.
એટલે આઈએ ચારણી પરંપરા પ્રમાણે ત્રીજી અને છેલ્લી વખત (ચારણ આઈઓ ચારણી પરંપરા પ્રમાણે પાપીને ત્રણ વખત સમજાવી પાપના માર્ગેથી પાછા વળવાની તક આપે છે) એ લુંટારાને કહ્યું કે આ ચારણોની ગાયોનું દુધ છે તેને તમે પચાવી નહીં શકો. આપ જેવા ક્ષત્રિયો માટે તો આ દુધ ઝેર છે એટલે પારખા રહેવા ઘો પણ આઈની આ વાત પણ વિનાશકાળે જેમની બુદ્ધિ વિપરીત થઇ ગઇ છે,એવા જડમતીના લુંટારા માન્યા નહીં અને જવાબ આપ્યો કે “ખીર કુરો અસીતા રત પચાઈ વેનું” (દુધ શું અમેતો લોહી પચાવી જઇએ) (ક્ષત્રિયોમાં પ્રચલિત માંસાહાર તરફ તેમનો સંકેત હતો) આ શબ્દો કાને પડતાં જ આઇ ક્રોધિત થયા. આઈમાનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું. આઇએ કહ્યું એમ તમારે લોહી પચાવવું છે તે પણ ચારણોનું તો લ્યો એમ કહી પોતાની પાસે રહેલ કટારથી પોતાના થાનેલા કાપી લોહીનો ખોબો ભરી લુંટારા પર છાંટતા કહયું કે લ્યો હવે પચાવો ત્યારે. ભગવતીને આમ કરતા જોઈ પાબામાએ પણ પોતાના ગળામાં કટાર પેરી લીધી.
આવું થતા હાહાકાર મચી ગયો. સમજદારો આઈના પગમાં પડી ગયા માફી માંગી પણ જે બનવાનું હતું તે બનીને રહ્યું આઈમાએ નિર્દોષોને કોઈ ગભરાવવાની જરૂર નથી એમ કહેવું પાપીઓ સજા ભોગવવી જ પડશે એવા ડરથી ગભરાયા.
આ બનાવ બન્યા પછી આઇને અને તેમના પુત્રી પાબાંબાઈને વેલમાં બેસાડી એ જ સ્થિતિમાં મોરઝર લાવવામાં આવ્યા. આઈમાએ મોરઝર પહોંચી પછી કહયું કે આજે મારી ઓળખ સાચા સ્વરૂપે પ્રગટ થઈ ગયું છે એટલે મારે અહીંથી વિદાય લેવી છે માટે ચિતા તૈયાર કરાવો. મારે જમહરમાં બેસવુ છે. આઈમાના પુત્રી પાબાં માએ પણ જમહરમાં બેસવાનું પ્રણ કર્યુ.
આઈશ્રીના કુટુંબીઓએ આઇને આ નિર્ણય બદલવા માટે વિનતી કરી પણ આઈ પોતાના નિશ્ચય પર અડગ હતા. આઈએ કહયું મારું જીવન કાર્ય સમાપ્ત થયુ. હવે અહીં રહેવું યોગ્ય નથી અને આપ સૌ જ્યાં સુધી નિતી-ધર્મના માર્ગે ચાલશો ત્યાં સુધી હું તમારે બોલે હાજર થઈશ. માટે મેં જે આજ્ઞા કરી છે તેના પર ત્વરીત અમલ કરો. આઈમાની આજ્ઞા પ્રમાણે બે ચિતાઓ તૈયાર થઈ.
મોરઝર ગામની પશ્ચિમે પાદરમાં આવેલી ટેકરી પર ઉગતી પ્રભાતે પૂર્વાભિમુખ પદ્માસનવાળી આઈશ્રી ચિતા પર બિરાજ્યા. ચરજુ-સાવળો ગવાવા લાગી. અગર ગુગળના ધુપ પ્રગટાવવામાં આવ્યા. ‘જય વાનુમા જ્ય પાંબામા જય ઝીબીમાના ગગનભેદી ઘોષો થવા લાગ્યા. સુર્યનારાયણે પૂર્વ દિશામાં પ્રથમ કિરણ રૂપે પ્રગટ થયા. આઈમાએ ધ્યાનમાં આંખો બંધ કરી થોડીવાર પછી આંખ સહજે ખોલી ભાસ્કર દેવને વંદન કર્યુ. સુર્યકિરણોએ ચિતાનો સ્પર્શ કર્યો ત્યાં સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા. મોરઝર અને ચારણોની આન, બાન અને શાન વધારી આ મહાજ્યોત જ્યોતમાં મળી ગઈ. દિવસ હતો વિ.સં. ૧૭૭૨ વૈશાખ સુદ – ૧૩ ગુરુવારનો. આ ધટના ને ત્રણસો પાંચ (૩૦૫) વર્ષ થયા.
ત્યારથી આજ સુધી મોરઝરમાં વસતા ચારણો અને ચારણેતર લોકો લોરીયાનો અપૈયો પાળે છે. (એ ગામનું પાણી ન પીવાની તેમજ એ ગામમાં ન જવાની ટેક છે) જેનું આજે ત્રણસો વર્ષ પછી પણ પાલન થઈ રહયું છે. આઈમાંની ચારણ મર્યાદા માટે આપેલ આત્મ બલિદાનની કીર્તિગાથા ગાતી છતરડી મોરઝરના પાદરમાં આવેલ ટેકરી પર છે. જ્યાં આઈશ્રી વાનુમાં, આઈશ્રી પાબામાં અને બીજા ભગવતીઓના જેમકે આઇશ્રી દેવલ મા, પ્રેમા મા, કામલ મા, આંબા મા ના પાળિયા આવેલ છે. આઇશ્રીના દર્શને દુર દુરથી લોકો આવે છે અને આઈના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દરવર્ષે *ચૈત્ર સુદી-૯ (રામનવમી)* ના દિવસે આઈમાની જાતર ઉજવવામાં આવે છે. તે દિવસે મોરઝર, અને આજુબાજુના ગામના લોકો સાથે મળી માતાજીને નૈવેદ્ય ધરાવે છે અને સાથે બેસી માતાજીનો મહાપ્રસાદ આરોગે છે.
આઈમાના ઘણા છંદો ચરજો અને ગીતો લખાયા છે. જીવણ રવાણી, કાનાભાઈ ગઢવી, મેઘરાજજી વિઠુ ગોપાલ ખડીયા વગેરે કવિઓએ આઈના છંદો રચ્યા છે. હમણાં જ આ ક્રમમાં દાસોડી-રાજસ્થાનના મુર્ધન્ય વિદ્વાન પરમ આદરણીય ગિરધરદાનજી રત્નુએ આઈમાના છંદની રચના કરી છે. આઇમાના ચરજની એક પંક્તિએનો ભાવ જુવો
મોરાંઝર સાસણ ઝળહળ ઝીબી
મોરે રી મોમાયા સાદડા દિયોને સુરરાયા…
લોકબોલી કેવા સાદા શબ્દો વાપરીને પોતાની ભાવના વ્યક્ત કરે છે તેનો આ ચરજ નમુનો છે. “ચિન્મયી માતૃશક્તિ” જેવા ભારેખમ સંસ્કૃત શબ્દ માટે અહીં “ઝળહળઝીબી” શબ્દ વપરાયાં છે.
આઈમાની ગાયો લુંટનારાએ બન્ને લુંટારાનો નિર્વશ ગયો છે. પણ કૃપા કરી આ બનાવને આઈના શ્રાપ તરીકે ન ગણવામાં આવે. આઈમાએ કોઈ શ્રાપ આપ્યો નથી. એટલું જ નહીં આઈમાએ તો આત્મબલિદાન કરી ચારણી પરંપરાનું પાલન કર્યું છે. આઈ તો ખુદ આ લુંટારાઓને સમજાવવા તેમના ગામે ગયા છે. આઈમા તો દેવીશક્તિ સંપન્ન હતા. તેમને જે શ્રાપ આપવો હોત તો તેઓ મોરઝરના પાદરમાંથી જ આપી શક્યા હોત. લુંટારાઓનો નિર્વંશ ગયા તે તેમને મળેલ તેમના પાપોની સજા છે.
ક્ષમા પ્રાર્થના સાથે એક બીજી વાત પણ કહેવી છે કે આજના ધણા લોકો કલાકારો ચારણી આઇઓને શ્રાપની વાતો લોકોને કરે છે. જાણે આઈઓએ શ્રાપને આશીર્વાદની દુકાનો ખોલી છે. આ મહાશક્તિ કોઈને શ્રાપ આપે નહીં માનું હદય તો બહુ કુણુ હોય છે. દરેકને પોતાના ખરાબ કર્મો ભોગવવા પડે છે. તેનો દોષ આઈના શિરે શા માટે મઢવામાં આવે છે. રહી આઇમા ના આશીર્વાદની વાત તો એ કોઈ ખાસ પ્રસંગે કે સમયે જ મળે છે એવું નથી એ આશીર્વાદ તો સતત વરસી રહ્યા છે જરૂર છે એના આશીર્વાદ પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવવાની.
અગ્નીની એ પ્રકૃતી છે કે એનો સ્પર્શ કરે તો દઝાડે, આ વાત જાણવા છતાં કોઇ પોતાનો હાથ અગ્નિમાં નાખે અને દાઝે તો એમ ન કહી શકાય કે અગ્નિએ એને દઝાડ્યો. આઈઓ શક્તિ સ્વરૂપા જગદંબા છે. તેમની પુરેપુરી મર્યાદા જળવવી જોઈએ અને એ મર્યાદાનું ઉલ્લંઘન થાય તો પરિણામ ભોગવવું પડે છે.
*આઇશ્રીના મહાપ્રયાણ પછી આઈએ સંકટ સમયે સહાયતા કરી હોય એવા ઘણા પ્રસંગો છે. તેમાંથી થોડાક પ્રસંગો નીચે મુજબ છે.*
મોરઝર રોહા જાગીરનું ગામ હતું અને અહીંના ચારણો અને રોહા જાગીરને ખુબ જ સારા સંબંધો હતા. આઈશ્રી વાનુમાને રોહાના ઠાકોર સાહેબ શ્રી દેવાજીએ ધર્મના બેન બનાવેલા. આ રોહા જાગીરના રાજકવિ તરીકે જીવણ રવાણી હતા ત્યારે એક પ્રસંગ બનેલો.
રોહા ઠાકોરશ્રીના એક કુંવરી લાઠી બાજુ પરણાવેલા પણ લગ્ન પછી બેત્રણ મહિનામાં જ તે કુંવરીશ્રીના પતિનું અવસાન થઈ જતાં તેમના પર વૈધવ્યનું દુઃખ આવી ગયેલ. આ કુંવરીશ્રીના શ્વસુર પક્ષ તરફથી રોહા ઠાકોરશ્રીને કહેવામાં આવ્યું કે જે રાણી સાહેબા પોતાની જીંદગી અહીં જ શ્વસુરમાં પસાર કરવા માંગતા હોય તો અમે તેમને અમારી દિકરી જેમજ રાખશે પણ હજી તેમની ઉંમર નાની છે અને જે તેઓ બાકીની જીંદગી તમારે ત્યાં (પિતાના ઘેર-રોહા) રહેવા માંગતા હોય તો પણ એમાં અમારી સહમતિ છે. તમે તેવું નક્કી કરો તો આપ અહીં આવી તેમને તેડી જજો.
તમારા તરફથી કરિયાવરમાં મળેલ સર્વ વસ્તુઓ પણ અમારે પાછી આપી દેવી છે. કારણકે અમે અમારા પુત્રરત્નને ખોઈ ચુક્યા છીએ અને હવે આવી કોઈ ભૌતિક વસ્તુમાં અમને મોહ નથી; તો આપશ્રી યોગ્ય નિર્ણય કરી જે ઘટતું હોય તે પ્રમાણે કરશો.
રોહા ઠાકોર સાહેબને આ સમાચાર મળતાં તેમણે કુંવરી સાહેબને રોહા તેડી લાવવાનું નક્કી કર્યું અને કુંવરી સાહેબાને ત્યાંથી તેડી લાવવા માટે પોતાના વિશ્વાસી અને મિત્ર એવા રાજકવિ જીવણજી રવાણીને ત્યાં મોકલવા નક્કી કર્યું. કુંવરી સાહેબા પણ જીવણજીના ખોળામાં જ મોટા થયા હતા અને કવિરાજે તેમને પુત્રી જેટલો જ પ્રેમ આપ્યો હતો. એટલે જીવણ રવાણી કુંવરીશ્રીને તેડી લાવવા માટે સહમત થયા.
જીવણ રવાણી કુંવરી સાહેબના શ્વસુરના રાજ્યમાં પહોંચ્યા અને રાત્રીનો વખત થયો જ્યારે બધાએ જમી પરવારી લીધું પછી કુંવરીશ્રીએ કવિરાજને પોતાના આવાસમાં મળવા માટે બોલાવ્યા. થોડી સુખદુઃખની વાતો થઈ તે પછી કુંવરજી એ જીવણજીને સંબોધી બોલ્યા, “બાપુ આવા દુ:ખના વખતે તમે મને તેડવા આવ્યા છો એટલે આપશ્રીએ મારા પિતાજીની ફરજ બજાવી છે અને આમ પણ હું તમારી આંખો સમક્ષ જ મોટી થઈ છું એટલે હું તમારી પુત્રી જ છું તો બાપ તરીકે મારે તમારી પાસે એક વચન માંગવું છે. જો બાપવચન આપો તો હું એક વાત કરું. જીવણ રવાણી થોડા વિચારમાં પડી ગયા વાત શું હોય અને જો ચારણ તરીકે વચન આપી દે તો પછી લોઢે લીટી એને મરણાંત સુધી નિભાવવું પડે પણ માતાજી લાજ રાખશે એ શ્રદ્ધાએ તેમણે કુંવરીશ્રીને વચન આપી દીધું.
કવિરાજે વચન આપ્યું એટેલે કુંવરીબા બોલ્યા, જુઓ બાપુ રાજ ખટપટો અને કાવાદાવાથી આપ પરિચિત છો. ભવિષ્યમાં રોહામાં કોઈ એવી સ્થિતિ પેદા થાય જ્યારે મારા નિર્વાહનો સ્વમાનનો કોઈ પ્રશ્ન ઉભો થાય અને મારે મારા ભાઈઓનું ઓશીયાળું થવું પડે તો મારું જીવન ઝેર થઈ જાય એટલે મારી પાસે આ જે કંઇ ઝર-ઝવેરાત દાગીના છે તે મારી અમાનત તરીકે મરણ મુડી તરીકે આપ આપની પાસે જ રાખશો અને જો ભવિષ્યમાં જરૂર પડે તો પાછી આપશો એ બાપની પાસે માંગું છું.
કવિશ્રી માટે સંકટની ઘડી આવી. આવું થાય તો રોહામાં તેના શું પ્રત્યાઘાતો પડે તેનાથી કવિરાજ પરિચીત જ હતા પણ તેઓ વચન આપી ચુક્યા હતા એટલે તેમને આ વાત સ્વીકારે જ છુટકો. બીજા દિવસે કુંવરીબા સાથે રોહા તરફ સૌ રવાના થયા. રોહા પહોંચતા રાત્રીનો સમય થઈ ગયો હતો એટલે કવિશ્રી કુંવરબાને રોહા છોડી. કુંવરીબા એ તેમને સોંપેલ ઝર-ઝવેરાત દાગીના લઇ મોરઝર તરફ રવાના થયા.
બીજા દિવસે કવિરાજ મુસાફરીનો થાક લાગેલ એટલે રોહા કચેરીમાં ન ગયા અને ઘેર મોરઝર જ રોકાઈ ગયા.
પણ અહીં રોહામાં કોઈ ખાટસવાદીયાઓએ ઠાકોર સાહેબની કાન ભંભેરણી કરી કે કવિરાજે કુંવરી સાહેબને ભોળવી તેમના જર-ઝવેરાત દાગીના પડાવી લીધા છે અને એટલે જ ઠપકાના ડરથી આજે કચેરીમાં પણ નથી આવ્યા. સત્તાધીશો કાનના કાચા તો હોય જ છે. એટલે ઠાકોરને આ વાત સાચી લાગી અને કવિએ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે એવું માની લીધું. તરત જ પોતાના માણસોને કવિરાજને મોરઝરથી તુરત બોલાવી દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. જે માણસોએ મોરઝર આવી ઠાકોર સાહેબનો સંદેશ કવિરાજને કહયો. કવિરાજ બધું સમજી ગયા આ તેડા પાછળનું સાચું કારણ શું છે પણ તેમનું દિલસાફ હતું એટલે એમને કોઈ ડર ન હતો. તેમને થયું કે ઠાકોર સાહેબને સત્ય હકીક્તની જાણ કરશું એટલે તેઓને વાત સમજાઈ જશે. તેઓ રોહા જવા તૈયાર થયા ઠાકોરના માણસોને કહયું હું માતાજીના દર્શન કરી આવું એટલે આપણે રોહા તરફ રવાના થઈએ.
કવિશ્રી આઈશ્રી વાનુમાની છતરડી પર ગયા આઈને પ્રાર્થના કરતાં કહયુ કે હે આઇ વાનુમાં મારા દિલમાં કોઈ પાપ નથી એ આપ જાણો છો. કુંવરીના વચને હું બંધાયેલો છું. એટલે વચન પાલન માટે જ મારે આ પગલું ભરવું પડયું. કુંવરીની મિલક્ત મારા માટે ગાયના લોહી સમાન છે. જે ઓરડામાં મેં તેમની અમાનત રાખી છે તેને પણ તાળું લગાવી દીધું છે અને આ મિલકતને હું સ્પર્શ પણ કરવાનો નથી. આ ઓરડાનું તાળું જ્યારે કુંવરી સાહેબનું આ મિલકતની જરૂરત પડશે ત્યારે જ ખુલશે. ત્યાં સુધી આ ઓરડો બંધ રહેશે માટે આઈ આ સત્યના ભેળે મારા ભેળે રહેજો.
અહિં સાંજ સમયે કવિ રોહી પહોંચ્યા પણ ઠાકોર સાહેબના પોતાના માણસોને હુકમ જ હતો કે કવિરાજ રોહી પહોંચે એટલે તેમને કેદમાં પુરી દેવા કવિરાજ ઠાકોરને મળવાની માંગણી કરી પણ ઠાકોરના માણસોએ કવિની એક વાત સાંભળી નહીં અને કવિને કેદમાં પુરી દીધા.
બીજા દિવસનું પ્રભાત ઉગ્યું કવિરાજ ઠાકોરને મળવાની ફરી ઇચ્છા વ્યક્ત કરી પણ તેમની માંગણી પુરી કરવામાં ન આવી. કવિરાજને થયું રોહાના સર્વે રાજ અધિકારી મારાથી પરિચિત છે. એટલે દિવસ દરમ્યાન તેઓ મારી ખબર કાઢશે ત્યારે તેમને હું સાચી વાત સમજાવીશ અને મારો છુટકારો થશે અને કાં તો આ સમાચાર મોરઝરમાં મારા કુટુંબીજનો તે પહોંચ્યા હશે તો તેઓ પણ મારી ખબર લેશે. તેમને હું સાચી વાત જણાવીશ. આ બન્ને વાતમાંથી કંઈ બન્યું નહીં. બન્ને આશા ઠગારી નિવડી બીજા દિવસનો સાંજનાં સમય થવા આવ્યો.
હવે જીવણ રવાણીને લાગવા માંડ્યું કે આ સ્થિતિમાંથી તો ફક્ત હવે આઈ જ છોડાવી શકે. આઇને મારે તકલીફ નોતી આપવી પણ. હવે તેમને શરણે પડી અરજ કરવી પડશે. પોતે કવિ તો હતા જ. સાંજનો ધુપનો સમય હતો એટલે આઈની છતરડીની દિશામાં બેસી આર્ત સ્વરૂપે અરજ ભર્યા છંદની રચના કરી છંદ બોલવા લાગ્યા.
ઓખી પડી મા આવજો આઈ થજો આધાર
કરજોડી જીવણ કહે વાનુમા કરજો વાર
ઈણઠામ ઓખી પડી ઝીબી એથ વાનુમા આવીએ મા એથ વનુમા આવીએ
કવિએ હજી છંદની બે કડી પુરી કરી ત્યાં તો જેલના દરવાજા ખુલ્લી ગયા. સંતરીઓ આશ્ચર્યમાં પડી ગયા. વા વંટોળે આ વાત ફેલાઈ ગઇ. ઠાકોરને આ વાતથી વાકેફ કરવામાં આવ્યા. તેઓ પણ કેદખાના પાસે આવ્યા કવિરાજની આર્તસ્વરથી લલકારતી પ્રાર્થના ચાલુ છે. તુટેલી બેડીઓ કવિના પગ પાસે પડેલી છે. કેદખાનાના તાળા તુટેલા છે. ઠાકોર પણ આ ચમત્કાર જોઇ છે, હાથ જોડી ગયા. – કવિરાજની પ્રાર્થના પુરી થતાં જ ઠાકોર કવિરાજ પાસે ગયા અને કહયું કવિરાજ મારી ભુલ થઈ. દેવીપુત્ર મને માફ કરો. કવિરાજે જવાબ આપ્યો ઠાકોર સાહેબ સજા કરવાવાળો ને માફ કરવાવાળો હું કોણ. આ તો આઈએ મારી સાચા દિલની પ્રાર્થના સાંભળી મને નિર્દોષને તમારી કેદમાંથી છોડાવ્યો છે. આઈ હંમેશા સતને પડખે જ હોય છે. તમારે જો માફી માંગવી હોય તો આઈ પાસે માંગો તે દયાળુ છે કદાચ માફ પણ કરી દે.
ઠાકોર સાહેબે તરત માણસોને ઘોડા તૈયાર કરવાનું કહયું અને ઘોડા તરત જ મોરઝર તરફ રવાના થયા. આઈમાની છતરડીથી ઘણા પહેલા ઘોડા પરથી ઉતરી આઈમાને હાથ જોડી આઈનું સ્મરણ કરતા ઠાકોર છતરડી પાસે આવ્યા. પાઘડીના છેડો અંતરવાસ નાખી (ગળામાં વિંટાળી) છતરડીના દરેક પગથીયે માથું ટેકવી આઈ મને માફ કરો એવી પ્રાર્થના કરતા ઠાકોર છતરડી પર આઇની (ખાંભી) પાળીયા પાસે પહોંચ્યા. અહીં ગુગળનો ધુપ પ્રગટાવવામાં આવ્યો. ઠાકોરે આઈને પ્રાર્થના કરી આઈ મારા માણસોના કહેવાથી તેની વાતોમાં આવી તારા છોરુને ખોટી રીતે દુભાવ્યા છે. હે આઈ તું તો દયાળુ છે, રોહાના ઠાકોર પણ તારા ભાઈ છે. તારા છોરુ છે. એટલે આઈ મારો ગુન્હો માફ કરો. આજ પછી તમારી કે તમારા છોરુની મર્યાદા કોઇ દી ભંગ થાય એવું નહીં કરું જેની હું પ્રતિજ્ઞા લઉં છું. કહેવાય છે કે ઠાકોરની પ્રાથના આઇએ કબૂલ રાખી હોય તેમ તે વખતે ધુપમાં ઝળહળતી જ્યોત પ્રગટી આઈ એ જાણે ઠાકોરનો પશ્ચાતાપ સ્વીકારી ઠાકોરને માફ કર્યા.
આવો જ બીજો પ્રસંગ મોરઝરના જ બે સગા ચારણભાઈઓ વચ્ચે થયેલ. જમીન વિવાદમાં આઈએ સહાય કર્યાનો છે.
આ બે ચારણ ભાઈઓમાં જે મોટા ભાઈ હતા તે ભક્ત હૃદય ભોળા સ્વભાવના પ્રામાણિક હતા, જ્યારે તેમના નાનાભાઈ પ્રમાણમાં જરા ચાલાક અને હોંશિયાર સ્વભાવના હતા.
મોટાભાઈનો શ્રદ્ધાળુ સ્વભાવ સતત આઈનું સ્મરણ કર્યા કરે. ગૌ સેવા પંખીને ચણ, અભ્યાગતને રોટલી જેવી સદપ્રવૃત્તિ કર્યા કરે પણ જાણે કુદરત કસોટી કરતી હોય તેમ તેમને સંતાનમાં પ્રથમ પાંચ પુત્રીઓ હતી. પુત્ર સુખ બહુ પાછળથી પ્રાપ્ત થયેલું એટલે ઘરની બધી જવાબદારી એકલા હાથે જ વહન કરવાની થતી તેથી સતત આર્થિક સંકળામણમાં જ રહેતા. એક પુત્ર હતો તે બહુ નાનો એટલે તે આ મુશ્કેલીભરી આર્થિક સ્થિતિમાં કંઈ મદદરૂપ થઇ શકે નહીં એ સ્વાભાવિક છે. તેવામાં મોટાભાઈની પુત્રીના લગ્નનો પ્રસંગ આવ્યો. લગ્નનો પ્રસંગ ઉકેલવા માટે જમીન વેચવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એટલે તેમણે પોતાની થોડી જમીન વેચવાનું નક્કી કર્યું.
હવે આ મોટોભાઈ જમીન વેચવાનો છે એવી તેના સગા સંબંધીઓને જાણ થતાં તેમણે તેને સમજાવ્યો કે જો જમીન વેચવી જ હોય તો નાનાભાઈ છે તેમને જ વેચાતી આપ. જેથી જમીન તમારા ઘેર જ રહે અને તારો પ્રસંગ પણ ઉકેલાઈ જાય. મોટોભાઈ આ માટે સંમત થયા અને સંબંધીની હાજરીમાં અને સાક્ષીમાં જમીન અઘાટ વેચાણના દસ્તાવેજથી નક્કી કરેલ રકમ લઈ નાનાભાઇના નામે કરી દેવામાં આવી અને દસ્તાવેજ નાનાભાઈને આપી દેવામાં આવ્યો.
હવે આ સોદા વખતે હાજર રહેલા બન્ને ભાઈઓના મોસાળ પક્ષના જે માણસો હતા તેમને લાગ્યું કે, મોટા એ જે આ જમીન વેચી દીધી. એના કારણે હવે તેમની પાસે ખુબજ થોડી જમીન રહે છે. પુત્ર ઉંમરલાયક થાય ત્યારે હે છે. એટલે જે જમીન બાકી બચેલી જમીનમાંથી તેનું ગુજરાન ચાલવું મુશ્કેલ છે. એટલે નાનાભાઈને અઘાટ વેચાણ આપેલ છે તેને બદલે વિટાંતર અપાય તો ભવિષ્યમાં મોટાના છોકરાને માતાજી સારા દીવસ આપે તો તે જમીન તે છોડાવી શકે. મોટાને તેની જમીન મળી જાય અને નાનાભાઈ એ જે પૈસા આપ્યા છે તે તેને મળી જાય. નાનાભાઈને આ વાત પર સહમત થવા બધાએ સમજાવ્યું નાનોભાઈ આ માટે સહમત થયા અને નક્કી કરેલ રકમ પ્રમાણે જમીનનો ફરીથી વિટાંતરનો દસ્તાવેજ થયો બધા સગા-સંબંધીઓએ સાક્ષી તરીકે સહી કરી. બન્ને ભાઈઓ વચ્ચેનો મામલો હતો એટલે આ દસ્તાવેજ જે વિટાંતરનો હતો તે પણ નાનાભાઈ પાસે જ રાખવામાં આવ્યો.
આ વાતને પંદરેક વર્ષો વિતી ગયા. મોટાભાઈનો પુત્ર ઉમરલાયક થયો. તેને પોતાની જમીન સાંકળી પડવા લાગી. બે-ત્રણ વરસ વરસાદ સારો થયો હતો એટલે વરસ સારા થયા તેથી થોડી મુડી પણ ભેગી થયેલી. એટલે મોટાભાઈએ પોતાના નાનાભાઈ પાસે વિટાંતર રાખેલ જમીન નક્કી કરેલ રકમ ચુકવી પરત લેવા માટે નક્કી કર્યું.
મોટાભાઈએ આ બાબતે નાનાભાઈ પાસે વાત કરી પણ નાનાભાઈની વૃત્તિ તો ફરી ગયેલ. તેણે કહ્યું તમારી પાસેથી મેં જમીન અઘાટ વેચાણ લીધેલ છે. તેના પર ખુબ ખર્ચ મહેનત કરી છે. એટલે એ જમીન પરત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મારી પાસે જમીનનો અઘાટ વેચાણનો દસ્તાવેજ છે એટલે જમીનની વાત આપ ભુલી જાઓ.
મોટાભાઈ તો મુંઝાઈ ગયા. આ મુંઝવણના ઉકેલ માટે તેમને આ સોદામાં જે વચેટીયા હતા તે મોસાળ પક્ષના માણસોને વાત કરી. મોસાળ પક્ષના માણસોએ નાનાભાઈને સમજાવ્યો કે આ ભાઈ ભાઈ વચ્ચેની વાત છે એવી લાલચ સારી નથી. અઘાટ વેચાણનો દસ્તાવેજ થયેલ પછી વિટાંતર માટે સમજુતી થયેલ અને તે પણ એમાં સહમતિ આપેલ તેનો વિટાંતરનો જ દસ્તાવેજ થયેલ અને ઘરનો મામલો છે એમ સમજી બન્ને દસ્તાવેજો તને જ સોંપવામાં આવેલ પણ તું આ રીતે વિશ્વાસ તોડી મોટાભાઈની જમીન પડાવી લેવા તૈયાર થયો છે તે યોગ્ય વાત નથી. તારે તારી નક્કી કરેલ રકમ લઈ જમીન મોટાભાઈને સોંપી દેવી જોઇએ. પણ નાનો ભાઈ કોઈ રીતે લાલચમાં આવી કોઈની વાત માન્યો નહીં.
મોટાભાઈ તો ઉમદા સ્વભાવના સજ્જન વ્યક્તિ હતા એટલે તેમણે તો આ જમીન આપણા ભાગ્યમાં નહીં હોય એવું સમજી મન વાળી લીધું પણ બીજા સમજદાર માણસોએ કહયું કે આ રીતે અન્યાય સહન ન કરાય. ન્યાય મેળવવા માટે કોર્ટમાં જવું જોઈએ. આમ ઘણાનો આગ્રહ થતાં મોટાભાઈએ આ બાબતમાં ન્યાય મેળવવા રોહા કોર્ટમાં કેસ દાખલર્યો.
કોર્ટમાં કેસ ચાલુ થયો. કોર્ટે પક્ષકારોને આધાર પુરાવા રજુ કરવા માટે કહ્યું. હવે મુશ્કેલી એ હતી કે મોટાભાઈ પાસે તો આ બાબતે કોઈ આધાર પુરાવા હતા નહીં. અઘાટ અને વિટાંતર બન્નેના દસ્તાવેજ તો નાનાભાઈ પાસે હતા. કોર્ટ કહયું કે કોર્ટ તો ફક્ત પુરાવાના આધારે જ ફેંસલો આપે છે. એટલે આપ આપની વાતના સમર્થનના પુરાવા રજુ કરો. આ રીતે કોર્ટમાંથી પણ ન્યાય મળવાની જે મોટાભાઈને આશા હતી તે ધુંધળી થઈ ગઇ. કોર્ટે ફેંસલો આપવાની તારીખ નક્કી કરી તે વખતે જે આધારો રજુ થશે તેના આધારે ફેંસલો અપાશે એવું બને ભાઈઓને જણાવી દીધું અને ફેસલાની તારીખે બન્નેને કોર્ટમાં હાજર થવાનું કહયું.
આ ફેંસલાની તારીખની વહેલી સવારે મોટો ભાઈ અને તેમનો પુત્ર રોહા તરફ રવાના થયા. પુત્ર આગળ છે. મોટાભાઈ એવા પિતા પાછળ ઘસડાતા જાય છે. અને નિયમ પ્રમાણે તેમનું આઈનું સતત સ્મરણ ચાલુ છે. આઈનું સતત મોટા અવાજે આ સ્મરણ યુવાન પુત્રને ઉશ્કેરે છે. પુત્ર પિતાને કહે છે, બાપુ તમે આખી જીંદગી આઇનું સ્મરણ કર્યું. સતધર્મના પંથે ચાલ્યા, પણ માતાજીએ તમને ગરીબાઇ, દુઃખો, અન્યાય સિવાય બીજું શું આપ્યું? આજે જે જમીન છે એ પણ આપણા હાથમાંથી જવાની છે. કોર્ટનો ફેંસલો પણ કાકાના પક્ષમાં થવાનો છે. એટલે હવે આઈને સમરવાનું બંધ કરો. આઈ પણ સત્યના સમર્થોના પક્ષે હોય છે. મોટોભાઇ પુત્રને ધિરો પાડે છે. બેટા આઈ માટે આ ન બોલાય એ તો નોધારાની આધાર છે. આપણા ભાગ્યમાં એ જમીન નહીં હોય, આઈ શું કરે ?
આમ આગળ વધતાં પિતા પુત્ર મોરઝરના સિમાડાની હદ પુરી થાય છે ત્યાં પહોંચે છે. મોટાભાઈ નિયમ પ્રમાણે પગમાંથી પગરખા કાઢી આઇની છતરડીના સિમાડેથી દર્શન કરે છે. હવે ઠેઠ રોહા સુધી છતરડી દેખાશે નહીં. એટલે જ્યાંથી છતરડીના છેલ્લા દર્શન થાય ત્યાંથી આઈના દર્શન કરી લેવાનું વ્રત આ મોટાભાઈ વૃદ્ધ ચારણ નિભાવી રહયો છે. આમ કરતાં વૃદ્ધ પિતા અને પુત્ર રોહા પહોંચે છે. જમીન બચાવી લેવા માટેના આખરી પ્રયત્ન કરી લેવા તેઓ રોહા જાગીરના તે વખતના કારભારી સાહેબ પાસે જાય છે. તેમને આ બધી વાતની જાણ તો હતી જ એટલે આ વૃધ્ધ કારભારી સાહેબને આ જમીન બચાવી દેવા માટે પ્રયત્ન કરવા વિનંતી કરે છે. કારભારી સાહેબ કહે છે કે જુઓ ગઢવી આપની વાતમાં સચ્ચાઈનો રણકો છે હું જાણું છું કે આપ સાચા છો પણ કોર્ટ તો ફક્ત પુરાવા જુએ છે. જે તમારી પાસે છે નથી. કોર્ટ આજે પોતાના હુકમ સંભળાવતા પહેલા તમારો નાનો ભાઈ જે કહે છે કે અઘાટનો દસ્તાવેજ જે તેની પાસે છે તે વંચાણમાં લેશે અને એ દસ્તાવેજના આધારે તમારા નાનાભાઇના તરફેણમાં ફેંસલો આપશે. આ દસ્તાવેજમાં તમારી પણ સહી સાખો છે. એટલે ફેંસલો આપની વિરુદ્ધમાં જ આવશે. આમાં બીજું કંઈ થઈ શકશે નહીં. એટલે ફેંસલો શું થવાનો છે તે નક્કી જ છે. એટલે તેની રાહ જોયા વગર આપ આપને ઘેર મોરઝર પાછા ચાલ્યા જાઓ.
આ વાત સાંભળી પિતા-પુત્ર નિરાશ થઇ મોરઝર તરફ પાછા વળ્યા. ધીમે ચાલતા મોરઝરના સિમાડે પહોંચ્યા જ્યાંથી આઈની છતરડી દેખાવાની શરૂઆત થાય ત્યાં પહોંચ્યા. વૃદ્ધ પિતા પોતાના નિયમ પ્રમાણે પગરખાં ઉતારી દૂરથી દેખાતી આઇની છતરડીના દર્શન કરવા હાથ જોડ્યા પણ તેમને તે જગ્યાથી હમેશાં દેખાતી આઈની છતરડી નજર ન આવી. આંખ પર નેજવું કરી છતરડી જોવા પ્રયત્નો કર્યા પણ આજ તેમને છતરડી દેખાણી નહીં એટલે પોતાના પુત્રને જે તેમની સાથે હતો તેને પુછયું બેટા હું અહીં પહોંચે એટલે અહીંથી છતરડી સ્પષ્ટ દેખાવાની શરૂઆત થાય અને હું આંહીથી આઈની છતરડીના દર્શન કર્યું પણ આજે છતરડી કેમ દેખાતી નથી જરા તું જોવાની કોશિષ કર આજે આઇની છતરડી કેમ દેખાતી નથી ! યુવાન પુત્ર અન્યાયને કારણે ક્રોધીત થયેલો. ગુસ્સામાને ગુસ્સામાં બોલ્યો, બાપુ તમે રોહા હાલતાં આખા રસ્તે આઇનું સ્મરણ કર્યું એટલે આઈ તમને ન્યાય અપાવવા તમારી હારે રોહા આવી હશે. હજી પાછી વળી નહીં હોય એટલે તમને દેખાતી નથી. પણ આઈને જાણે આ વાત સાચી કરવી હોય અને આ વાત જાણે આઈએ સાંભળી હોય એવી ઘટના બની.
નાનાભાઇના ચિત્તમાંથી આજે કોર્ટની છેલ્લી તારીખ છે. ફેંસલાનો દિવસ છે અને ત્યાં દસ્તાવેજ લઈ હાજર થવાનું છે તે ભુલાઈ ગયેલું આ વાત વાડીમાં કામ કરતાં યાદ આવી એટલે ઉતાવળે ઘેર ગયા. અહીં ઘેર દિવાળીના તહેવાર આવતા હતા એટલે ઘરમાં લિંપણ-ગુપણ ચાલુ હતું. તેને કારણે ઘરનો બધો સામાન આડો અવળો પડેલ હતો એટલે ઈસકોતરી (લાકડાની પેટી) જેમાં બધા દસ્તાવેજો પડેલ હતા તેમાંથી ઉતાવળમાં દસ્તાવેજ શોધતાં તેમના હાથમાં અઘાટના બદલે વિટાંતરનો દસ્તાવેજ આવી ગયો ખુબ ઉતાવળ હતી એટલે જોયા વગર એ દસ્તાવેજ લઈ નાનોભાઈ મારતે ઘોડે રોહા તરફ રવાના થયા.
અહીં કોર્ટમાં તેની જ રાહ જોવાની હતી. કોર્ટે દસ્તાવેજ રજુ કરવા હુકમ ક્ય જેથી એને વંચાણમાં લઈ ફેંસલો સંભળાવી શકાય પણ આઈને ન્યાય અપાવવો હશેને આજે અજાણતા જ રજુ થયેલો દસ્તાવેજ વિટાંતરનો હતો. કોર્ટમાં દસ્તાવેજ વંચાતા સૌ આશ્ચર્ય પામ્યા. કોર્ટને પણ સાચી હકકીત સમજાણી નાનાભાઈને ઠપકો આપ્યો અને મોટાભાઈને પક્ષે તેમને જમીન મળે એવો ફેંસલો આમ ભગવતી એ સાચાને સહાય કરી તેનો આ પ્રસંગ છે.
મોરઝરમાં રાવળ દેવો (ચારણોના વહીવંચા) ના ઘણા ઘર હતા. એમાં એક વૃદ્ધ નિરાધાર રાવળદેવ મોટી ઉમર હોવાથી કાંઈ બીજું કામકાજ કરી શક્તા નહી પણ પાછલી ઉમર સુધારવા માટે એમણે એક નિયમ લીધેલો કે આઇની છતરડી પર ઝાડુ મારી સફાઈ કરવી અને ધૂપદીપકરી આઇની સેવા કરવી.
કહેવાય છે કે રાવળ દેવની નિરાધાર હાલત જોઈ અને તેમની સાચી સેવા જાણે આઇએ કબુલ કરી હોય તેમ તે રાવળદેવને છતરડી પર ઝાડુ મારતા રોજ એક કોરી (કચ્છી ચલણ) મળતી અને ભગવતી આ વૃદ્ધને આ રીતે જાણે મદદ કરતા કહેવાય છે કે રાવળદેવના અંત સમય સુધી ભગવતીની આ કૃપા તેમના પર કાયમ રહી.
સંકલન અને આલેખનઃ મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર
પ્રેષિતઃ મયુર. સિધ્ધપુરા-જામનગર
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..