ભારતીય કળા અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જડવો મુશ્કેલ છે. કલાઓનું મહત્ત્વ છેક આદ્ય ઇતિહાસકાળથી એટલે કે હડપ્પા અને મોહેં જો દડોની સંસ્કૃતિના સમયથી આપણે ત્યાં સ્વીકારાતું આવ્યું છે. આ કલાઓએ પ્રાચીન કાળથી માનવ જીવનને આનંદ, ઉલ્લાસ અને તાજગીથી લીલુંછમ રાખ્યું છે. કલા શબ્દના આઠ વિવિધ અર્થો પૈકીનો એક અર્થ અદ્ભુત શક્તિ એવો થાય છે. કલા શબ્દનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાંથી આપણને સાંપડે છે. ઉપનિષદમાં આ શબ્દ વારંવાર પ્રયોજાયો છે.
આજે નાગરિક જીવનમાંથી લુપ્ત થઈ ગયેલી ૬૪ કલાઓનું પગેરું. સૌ પ્રથમવાર યજુર્વેદના ૩૦મા અધ્યાય સુધી પહોંચે છે. ઋગવેદમાં ઉષાદેવીને નર્તકીની જેમ સુંદર રૂપ ધારણ કરતી વર્ણવી છે. યજુર્વેદમાં ‘સૂત’ અને ‘શૈલૂષ’ જાતિનો ઉલ્લેખ છે જે નૃત્ય અને ગાનમાં નિપૂણ હતી. સામવેદમાં ઋગવેદની ઋચાઓને જ સંગીતમાં સ્વરબદ્ધ કરવામાં આવી છે. અથર્વવેદ એ જાદુ- મંત્રનો વેદ હોઈ તેમાં વશીકરણની અનેક કલાઓનો ઉલ્લેખ છે. ઉપનિષદોમાં ‘દેવજન વિદ્યા’ અર્થાત્ યક્ષવિદ્યા- ગાંધર્વ વિદ્યાનો ઉલ્લેખ આવે છે. આ વિદ્યાઓમાં આપણે ગીત, વાદ્ય, નૃત્ય અને ચિત્ર ઇત્યાદિને મૂકી શકીએ.
આ વેદકાલીન કલા પરંપરાનું વિવિધ સાંસ્કૃતિક સામગ્રીથી સભર એવા શ્રીમદ્ ભાગવત, વાયુ, વિષ્ણુધર્મોત્તર, માર્કન્ડેય, અગ્નિ અને મત્સ્યપુરાણ વગેરેમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ કહે છે કે, ‘રસ અને ભાવથી યુક્ત, તાલને અને ગીતને અનુસરનાર નૃત્ય, ધન અને સુખ આપનારું તથા ધર્મને વધારનારું છે.’ આ પુરાણ ચિત્રકલાની વાત કરતા કહે છે કે, ‘ચિત્ર સર્વ કલાઓમાં શ્રેષ્ઠ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થને આપનાર છે. જેવી રીતે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છેે, મનુષ્યોમાં રાજા શ્રેષ્ઠ છે એવી રીતે બધી કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ છે.’
ડૉ. ચીનુભાઈ નાયક નોંધે છે કે, ભાગવતપુરાણમાં ૬૪ કલાનો ઉલ્લેખ છે, પરંતુ તેનું વર્ણન કરવામાં આવ્યું નથી. પુરાણના ૧૦મા પ્રકરણમાં કૃષ્ણ અને બલરામ એ બે ભાઈઓએ ૬૪ દિવસમાં ૬૪ કલાઓ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ કલાનો વખતોવખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે. લલિતવિસ્તારમાં ગૌતમે ઘણી બધી કલાઓ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે. આ ગ્રંથમાં ૬૪ કામકલાનો પણ નિર્દેશ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ મહાવીરે ૭૨ કલાઓની કેળવણી લીધી તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ અગાઉના આપણા મહાકાવ્યો, રામાયણ અને મહાભારતમાં અનેક ઠેકાણે કલાના ઉલ્લેખો મળે છે. રામાયણના અયોધ્યા કાંડમાં ઉદાસ ભરતને પ્રસન્ન કરવા માટે તેના મિત્રો ગીત, વાદ્ય, નૃત્ય અને નાટયનું આયોજન કરે છે. રાવણના અંતઃપુરમાં નૃત્ય, વાદ્યમાં કુશળ એવી સ્ત્રીઓ હતી તેવું કહેવામાં આવ્યું છે. મહાભારતમાં ચિત્રસેન પાસેથી અર્જુને નૃત્ય અને ગાનવિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે.
સંસ્કૃત સાહિત્યમાં કવિઓ અને નાટયકારોએ પોતાની કૃતિઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે. ભાસ, કવિ કાલિદાસ, ભવભૂતિ, શુદ્રક, બાણ વગેરે કવિઓએ પોતાના પાત્રોને ગીત, વાદ્ય, નૃત્ય અને ચિત્ર એ પૈકીની કોઈ એક અથવા બધીયે કલામાં નિપૂણ બતાવ્યા છે. કાદંબરીના કવિ બાણ ચંદ્રપીડે તુરંગવર્માજ્ઞાન, ગાંધર્વવેદ, પુરુષ લક્ષણ, દ્યૂતકલા, રત્નપરીક્ષા, દારુકર્મ, વાસ્તુવિદ્યા વગેરે કલાઓ દર્શાવી છે.
૬૪ કલાની વિભાવના ભારતમાં ક્યારથી શરુ થઈ એ સંશોધનનો વિષય છે. ભાગવતમાં ૬૪ કલાનો ઉલ્લેખ છે પણ એ કઈ કઈ તે જણાવ્યું નથી. પ્રાચીન ગ્રંથો, કાલિકાપુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિસાર, શિલ્પસંહિતા, વસ્તુરત્ન કોશ, પૃથ્વીચંદ ચરિત્ર, પાણિનીનું વ્યાકરણ, શુક્રાચાર્ય રચિત ‘નીતિસાર ગ્રંથ’ અને વાત્સાયનના ‘કામસૂત્ર’ ગ્રંથમાં ૬૪ કલાઓનો નિર્દેશ મળે છે. ‘કલાવિલાસ’ના કર્તા કાશ્મીરી પંડિત ક્ષેેમેન્દ્રએ વેશ્યાઓની ૬૪ કલાઓની વાત કરી છે. તેણે કાયસ્થોની ૧૬ અને સોની મહાજનોની ૬૪, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવાવાળી ૩૨ કલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જૈન શાસ્ત્રમાં ૭૨ અને બૌદ્ધ શાસ્ત્રમાં ૮૪ કલાપ્રકારોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
આ ઉપરાંત હુન્નર અને કસબના સંદર્ભમાં જુદાજુદા લોકોની જુદી જુદી કલાઓ માનવામાં આવે છે. જેમ કે વાણિયાની ૬૪, સ્ત્રીની 52, વેશ્યાની ૬૪, ગણિકાની ૩૬, કાયસ્થની ૧૬, દરિદ્રની ૧૨, જુગારીની ૧૬, મદની ૩૨, ગવૈયાની ૧૨, કામીની ૬૪, દીવાનની ૧૬, ધૂતારાની ૬૪, ગૃહસ્થ ૨૫, યોગની ૨૩, ધર્મની ૬૪ અને ચંદ્રની ૧૬ કળાઓ.
ભારતીય શાસ્ત્રોમાં જણાવેલ ૬૪ પ્રકારની કલાઓ આ પ્રકારની છે. ૧. ગીત, સંગીત, ૨. વાદ્યતંતુ ધનવાદ્ય વગેરે, ૩. નૃત્ય, ૪. નાટય, ૫. ચિત્રકલા, ૬. વિશેષકચ્છેદ્ય – કાગળ, ચર્મ વગેરે કોતરી કાપીને ચિત્રો બનાવવા, ૭. તાંદુલ કુુસુમબલિ વિહાર- ચોખા વગેરે અનાજ પાથરીન રંગબેરંગી ચિત્રો ઉપસાવવા, ૮. સાથિયા- આલેખવા, ૯. દશન- હાથીદાંત, હાડકા પર ચિત્ર કોતરકામ, ૧૦ વસન- વણાટકામ, ૧૧. મણિભૂમિકા કર્મ- રત્ન કાઢવાની કલા, ૧૨. શયન રચન- શય્યા રજાઈ વગેરે બનાવવાની કલા, ૧૩. ઉદકવાદ્ય- પાણીમાંથી સંગીત ઉપજાવવાની કલા, ૧૪. તરણ કલા – પાણીમાં ડૂબકી મારીને વસ્તુઓ શોધી લાવવી, ૧૫. માલ્ય- માળીની કલા, હાર, વેણી, વાડી, ચાદર વગેેરે બનાવવું, ૧૬ કેશગુંફન, ૧૭. વેશપલટો, ૧૮. કર્ણપત્રભંગ- ફૂલ કોતરવાની કલા, ૧૯. સુગંધીયુક્ત – વિવિધ પ્રકારના સુવાસિત તેલ, અત્તર, અર્ક બનાવવા, ૨૦. ઇન્દ્રજાળ – સામાને ભ્રમમાં નાખવાની કલા, ૨૧. ભૂષણ આયોજન, શૃંગાર સજવા, ૨૨. હસ્તલાઘવ- હાથની શસ્ત્ર, કલમ વગેેેરે વાપરવાની કલા, ૨૩. પાકશાસ્ત્ર, ૨૪. નશાવાળી ચીજો બનાવવી, ૨૫. સીવણ, ૨૬. ભરત, ૨૭. વીણા ડમરૂવાદન, ૨૮ પ્રહેલિકા- ઉખાણા બોલવાની કલા, ૨૯. અંત્યાક્ષરી- અંતકડી, ૩૦. દુર્વચક- છેતરવાની કલા, ૩૧. વાચનકલા, ૩૨. નાટક આખ્યાયિકાદર્શન – કાવ્યભેદની સમજ, ૩૩. સમશ્યા પૂર્તિ, ૩૪. પટ્ટિકાવેત્ર- બાણકલા, ગિલ્લીદંડા વગેરે, ૩૫. તર્કવાદ, ૩૬. સુથારીકલા, ૩૭. વાસ્તુશિલ્પ- સલાટ, ગુપ્ત ભોંયરા વગેરે બનાવવાની કલા, ૩૮. રત્નપરીક્ષા, ૩૯. ધાતુકર્મ- ધાતુ ગાળવા વગેરેની કલા, ૪૦. મણિરાગજ્ઞાાન- રત્નો ઓળખવા, ૪૧. આકરજ્ઞાાન- ભૂમિ પરીક્ષા, જમીનની જાત પારખવી, ૪૨. વૃક્ષ- આયુર્વેદ- વનસ્પતિના રોગ અને ઉપાય, ૪૩. મેષ, કક્કુટ લાવર યુદ્ધ વિધિ- ઘેટા, કૂકડા, તેતર, લાવરના દ્વંદ્વ વગેરે પશુ-પરીક્ષા, ૪૪. શુક્રસારિકા પ્રલાપન- મેના. પોપટને બોલતાં, કબૂતરને સંદેશાવાહક બનતા શીખવવું, ૪૫. ઉત્સાદન કલા- ચોટેલા રંગ કાઢવા, નવા ચડાવવા, સંડાસમાં ફસાઈ ગયેલા માણસ કે જાનવરને કાઢવાની કળા, ૪૬. માર્જન કૌશલ્ય- નાહવાની કલા, ગલીપચી કરીને હસાવવાની કલા, ૪૭. અક્ષર- મૃષ્ટિાકાકથન- મુઠીમાં શું છે એ કહેવાની રમત વિનોદ, ૪૮. મ્લેચ્છ- પરદેશી ભાષાનું જ્ઞાન, ૪૯. સ્વદેશી ભાષાજ્ઞાાન, ૫૦. શુકન કલા, ૫૧. યંત્રકલા- ગુપ્તયંત્ર બનાવવાની કલા, ૫૨. ધારણ- માતૃકા તોલવાની કલા, નાનામાં નાની અને હાથી પર્વત જેવડી મોટી ચીજો તોળવી વગેેરે, ૫૩. શીઘ્ર કવિતા રચવાની કલા, ૫૪. અભિધાન કોશ- સાંકેતિક ભાષા સમજવાની કલા, ૫૫. છંદજ્ઞાાન, ૫૬. ક્રિયાવિકલ્પ- રાંધેલા પદાર્થ પારખવાની કલા, ઝેર પકડવાની આવડત, ૫૭. ચોર કળા, ૫૮. છલિતયોગ- છેતરવાની (બહુરૃપી) કલા, ચોર પકડવામાં અને શિકારમાં ઉપયોગી, ૫૯. દ્યૂત વિશેષ – ચોપાટ, ગંજીફો, પાસબાજી, શેતરંજ વગેેેરે ઘરમાં રમી શકાય તેવી ઇન્ડોર રમતો, ૬૦. આકર્ષક ક્રીડા- વ્યાયામ, મલ્લકુસ્તી જેવી અંગબળની રમતો, ૬૧. બાળક્રિડન કલા- રમતગમત દ્વારા બાળકોને જ્ઞાાન આપવાની કલા- કિંડરગાર્ડન અથવા મોન્ટેસરી જેવું, ૬૨. વૈનાયિકી કલા- જાદુગરની હિકમત સમજવાની કલા, ૬૩. કૃષિકલા- ખેતી અંગેના જ્ઞાાનની વિદ્યા, ૬૪. વૈતાનિક વિદ્યા- ધૂપ, દાણા વગેરેથી ભૂત, માનસિક અસ્થિરતા દૂર કરવાની કલા- વર્તમાન ‘સાઇકીએટ્રી’નો પ્રાચીન પ્રકાર.
પૃથ્વીચંદ્ર ચરિત્રમાં કલા અને વિદ્યાને વિજ્ઞાન તરીકે ઓળખાવ્યા છે. અહીં વિજ્ઞાનનો અર્થ અનુભવજ્ઞાન ઊંડુ અને ઉચ્ચ પ્રકારનું શાસ્ત્રીય ગાન એવો આપ્યો છે એમાં ૬૪ વિજ્ઞાન કલા આ પ્રમાણે કહ્યા છે. ૧. નૃત્ય, ૨. કવિતા, ૩. ચિત્ર, ૪. વાજિંત્ર, ૫. મંત્ર, ૬. યંત્ર, ૭. તંત્ર, ૮. વિજ્ઞાાન, ૯. દંભ, ૧૦. જલકર્મ, ૧૧. ગીતાજ્ઞાાન, ૧૨. તલવાયણ, ૧૩. મેઘવૃષ્ટિ, ૧૪. ફલકૃષ્ટિ, ૧૫. આરામરોપણ, ૧૬. આકારગોપન, ૧૭. ધર્મવિચાર, ૧૮. શકુનસાર, ૧૯. ક્રિયાકલ્પ, ૨૦. સંસ્કૃતજલ્પ, ૨૧. પ્રાસાદરીતિ, ૨૨. ધર્મનીતિ, ૨૩. વર્ણિકાવૃદ્ધિ, ૨૪. સુવર્ણસિદ્ધિ, ૨૫. સુરભિતૈલકરણ, ૨૬. લીલાસંચરણ, ૨૭. ગજાશ્વ નિરીક્ષણ, ૨૮. પુરુષ- સ્ત્રીલક્ષણ, ૨૯. વસુવર્ણભેદ, ૩૦. અષ્ટાદશલિપિપરિચ્છેદ, ૩૧. તત્કાલબુદ્ધિ, ૩૨. વાસ્તુસિદ્ધિ, ૩૩. વૈદ્યકક્રિયા, ૩૪. કામક્રિયા, ૩૫. ઘટભ્રમ, ૩૬. સારિપરિભ્રમ, ૩૭. અંજનક્રિયા, ૩૮. ચૂર્ણયોગ, ૩૯. હસ્તલાઘવ, ૪૦. શાસ્ત્રઘટવ, ૪૧. નેપથ્યવિધિ, ૪૨. વાણિજ્યવિધિ, ૪૩. મુખમંડન, ૪૪. શાલિપાંડન, ૪૫. કથાકથન, ૪૬. પુષ્પગ્રથન, ૪૭. વક્રોક્તિ, ૪૮. કાવ્યશક્તિ, ૪૯. સારવેષ, ૫૦. સકલભાષાવિશેષ, ૫૧. અભિધાનજ્ઞાાન, ૫૨. આભરણપરિધાન, ૫૩. નૃત્યોપવાર, ૫૪. ગૃહાચાર, ૫૫. રંધન, ૫૬. કેશબંધન, ૫૭. વીણાનાદ, ૫૮. વિતંડાવાદ, ૫૯ અંકવિચાર, ૬૦. લોકલવ્યવહાર, ૬૧. વશીકરણ, ૬૨ વારિતરણ, ૬૩. પ્રશ્નપ્રહેલિકા જ્ઞાાન અને ૬૪. ધર્મધ્યાન. વિજ્ઞાનકલાને ૭૨માંની એક કલા ગણાવાઈ છે.
શિલ્પસંહિતામાં ૬૪ કલાઓનું વર્ણન આ પ્રમાણે મળે છે. ૧. સીરાધ્યાકર્ષણ, ૨. વૃક્ષારોહણ, ૩. યાવાદિક્ષુવિહાર, ૪. વેણુતૃણાદિકૃતિ, ૫. ગજાશ્વસ્વાસ્થ્ય, ૬. દુગ્ધોદોહવિકાર, ૭. ગતિશિક્ષા, ૮. પલ્યાણક્રિયા, ૯. પશુચર્મગનિર્હાર, ૧૦. ચર્મમાદેવક્રિયા, ૧૧. ક્ષુરકર્મ, ૧૨. કંચુકાદિસીવન, ૧૩. ગૃહભાંડાદિમાર્જન, ૧૪. * ૧૫. મનોનુકૂલ સેવા, ૧૬. નાનાદેશીય વર્ણાલેખન, ૧૭. શિશુ સંરક્ષણ, ૧૮. સુયુક્તતાડન, ૧૯. શય્યાસ્તરણ, ૨૦. પુષ્પાદિગ્રથન, ૨૧. અન્નપાચન, ૨૨. જલવાયવગ્નિસંયોગ, ૨૩. રત્નાદિસદ્જ્ઞાાન, ૨૪. ક્ષારનિષ્કાસન, ૨૫. ક્ષારપરીક્ષા, ૨૬. સ્નેહનિષ્કાસન, ૨૭. ઇષ્ટિકાદિભાજન, ૨૮. ધાત્વૌષધીના સંયોગ, ૨૯. કાચપાત્રાદિકરણ, ૩૦. લોહાભિસ્તાર, ૩૧. ભાંડક્રિયા, ૩૨. સ્વર્ણાદિતાથાત્મ્યદર્શન, ૩૩. મકરંદાદિકૃતિ, ૩૪. સંયોગધાતુજ્ઞાાન, ૩૫. બાહ્યદિભિર્જલતરણ, ૩૬. સૂત્રાદિરજ્જુકરણ, ૩૭. પટબંધન, ૩૮. નૌકાનયન, ૩૯. સમભૂમિક્રિયા, ૪૦. શિલાર્ચા, ૪૧. વિવરકરણ, ૪૨. વૃતખંડ, ૪૩. જલબંધન, ૪૪. વાયુબંધન, ૪૫. શકુંતશિક્ષા, ૪૬. સુવર્ણલેખાદિસત્ક્રિયા, ૪૭. ચર્મકોશેયવાર્ક્ષ્ય કાર્પાસાદિપટ બંધન, ૪૮. મૃત્સાધન, ૪૯. તૃણાદ્યાચ્છાદન, ૫૦. ચૂર્ણોપલિયા, ૫૧. વર્ણકર્મ ૫૨. દારુકર્મ, ૫૩. મૃત્કર્મ, ૫૪. ચિત્રાદ્યાલેખન, ૫૫. પ્રતિમાકરણ, ૫૬. તલક્રિયા, ૫૭. શિખરકર્મ, ૫૮. મલ્લયુદ્ધ, ૫૯. શસ્ત્રસંધાન, ૬૦. અસ્ત્રનિષ્પાતન, ૬૧. વ્યૂહરચના, ૬૨. શલ્યાદિતી, ૬૩. વ્રણવ્યાધિનિરાકરણ, ૬૪. વનોપવન રચના.
ભારતમાં જૂનાકાળે આ વિદ્યાનું શિક્ષણ પણ આપવામાં આવતું. ઇ.સ. પૂર્વે ૫૦૦ પહેલા રાજા શ્રેણિક બિંબિસારે રાજગૃહી નગરમાં ગુણશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. તેના અભ્યાસક્રમના ૭૨ વિષયોમાં ગણિત, નૃત્ય, જ્યોતિષ, વાદ્ય, કલા અને સાહિત્યની સાથે સાથે જીવનલક્ષી અને શાસ્ત્રીય તમામ વિષયો શીખાતા. ડો. કુમારપાળ દેસાઈ નોંધે છે કે, રાજા દશરથે એમના ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વશિષ્ટ ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યા હતા એ આશ્રમ વિશ્વવિદ્યાલય સમો હતો એની માહિતી આચાર્ય હેમચંદ્રે લખેલા ‘ત્રિશષ્ઠિશલાકા પુરુષચરિત’માંથી મળે છે. એ સમયે પુરુષોને ૭૨ કલા અને સ્ત્રીઓને ૬૪ કલાઓનું શિક્ષણ આપવામાં આવતું. ગુણશીલા વિશ્વવિદ્યાલયમાં રાજા શ્રેણિક બિંબિસારના પુત્ર રાજકુમાર મંધે શિક્ષણ લીધું હતું અહીં સતત ૧૨ વર્ષ સુધી અભ્યાસ કરીને ૭૨ વિદ્યાઓનું અધ્યયન કર્યું હતું.
ઇ.સ. પૂર્વે ૧૦૦૦માં કાશી વિશ્વવિદ્યાલયમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ તમામ કુળમાં જન્મેલી મહિલાઓને ગીત, નૃત્ય, વાદ્ય, ચિત્રનાટક, મુખસૌંદર્ય માટે ચહેરા પર કરવામાં આવતી રંગ અને રેખાઓ, ભોજન સમયે વાનગીઓની ગોઠવણી, દાંત રંગવાની અને દેહ ઉપર વિવિધ આકૃતિઓ આલેખવાની, પાણીના ફૂવારા બનાવવા, ઘરની જમીનને રત્નજડિત કરવી રસોઈ અને સ્વાદિષ્ટ પીણા તૈયાર કરવા, કાવ્યરચના કરવી, અંતાક્ષરી રમવી, જુદા જુદા પ્રાણીઓના અવાજની નકલ કરવી, ભોજનમાં ભેળસેળ પારખવાની (આકરજ્ઞાન), વૃક્ષ સંવર્ધન, પોપટને બોલતા શીખવવાની અને સંદેશાવાહકનું કામ કરાવવાની, શુકન- અપશુકન દર્શાવતું નિમિત્તજ્ઞાાન, માનસી કાવ્યકલા- શીઘ્રકાવ્ય રચના, ‘ધારણમાતૃકા’- એટલે મનના અર્થના સંકેતોને સ્પષ્ટ કરતી કાવ્યરચના, બાલક્રિડાનક- બાળકો માટે રમકડા બનાવવાની કલા, વૈનાયિકી જ્ઞાન- મૂર્તિઓ બનાવવાની કલા, ‘મલેચ્છિત વિકલ્પ’- ગુપ્તલિપિ જેવી ૬૪ કલાઓ શીખવવામાં આવતી એનો ઉલ્લેખ બાણભટ્ટે રચેલી કાદંબરી, વાત્સ્યાયને રચેલા કામસૂત્ર અને શુક્રનીતિસાર જેવા ગ્રંથોમાંથી મળે છે. આના પરથી સમજાય છે કે ભારત વર્ષનો ભૂતકાળ કેવો ભવ્ય હતો. આજે તો આ વિરાસતની વાતો કરીને રાજી થવાનું જ રહ્યું છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ