કારભારી શ્રીપાલ શેઠ

આ વાણિયાએ તો હવે આડો આંક વાળ્યો છે… એની ધારીલી બુદ્ધિ અને અણતોલ આવડતે મૂળીની આખી રિયાસતને અજગરભરડો લઇને મારા રાજવીપણાને ઝાંખું કીધું. મૂળીના રાજવી પરબતજી પરમારની પાઘડીના આંટામાં જાણે કે વિંછણ વિયાંણી!’ મૂળીના નાનકડા રાજના કારભારી વણિક શ્રીપાલ શેઠ ઉપર રાજવી પરબતજીને આજ દાઝ ચડી ગઇ છે. ત્રીસ ત્રીસ વરસથી એના કારભારીપણાને જળોની જેમ ચોંટી રહ્યો છે… ઉખેડવા જતાં શ્રીપાલની બુદ્ધિ રાજવીને બીવડાવે છે…એ જો દૂર ન થાય તો રાજવીપણાનો કોઇ આદર રહેતો નથી. બસ, આખા રાજમાં લોકો શ્રીપાલ શેઠને જ ઓળખે છે…‘બાપુ! એવા ને ફગાવી નાખો, બીજું શું?’ રાજવીના હજુરિયા બાપુને પોરસ ચડાવે છે. તમે રાજના ધણી છો. પૃથ્વી પરમારોને વરી છે.’

‘એને ફગાવી દેવા ઇ સરળ વાત નથી.’ રાજવી ઉત્તર વાળે છે: ‘કઇ રીતે ફગાવાય? નખથી શિખા સુધી ચોખ્ખો ફૂલ-બેદાગ અને બેકસૂર… ચારિત્રયનો અડગ ડુંગરો…!’ એને દૂર કરવો કેવી રીતે?’ તો બાપુ! આપની આજ્ઞાનો એક જ બોલ અમારે કાને નાખી ધ્યો. પછી જોઇ લ્યો કે શ્રીપાલ શેઠનો એક અણુ પણ જડે તો થઇ રહ્યું.‘શું કરશો તમે સૌ?’ રાજવીનો પ્રશ્ન…રાજના હજુરિયાઓએ પોતાનું પંચિયું હાથમાં લઇને એને છેડે વળ ચડાવીને મરડી દેખાડ્યું…!‘અરરર! રાજવીના હૈયામાં અરેરાટી જાગી: ‘બોલોમા શ્રીપાલ શેઠ જેવા મારા વિશ્વાસુ કામદારની હત્યા થવા દઉં?’, ‘તો પછી બાપુ! ઇનો બીજો કોઇ ઇલાજ નથી.’ કહીને પરબતજીના હજુરિયાઓએ ઇલાજનાં હથિયાર મિયાન કર્યાં.

‘ખમ્મા બાપુને!’ ગઢની વડારણે રાજમહેલનાં પગથિયાં ચડતાં પરબતજી પરમાર આગળ હાથ જોડ્યા! ‘બાપુ! આપ શ્રીપાલ શેઠને દૂર કરવા માગો છો?’‘હા, બાઇ! તને વળી કોણે કીધું!’હું પણ આપનું અનાજ ખાઉં છું ને? જમતાં જમતાં આપના હાથમાં કોળિયા થંભી જાય છે. અરેરે, શું એક વાણિયો મૂળીના ધણીને આટલો બધો કનડી શકે? બાંદી બોલી: ‘જો આપની આજ્ઞા હોય તો શ્રીપાલ શેઠ ઉચાળા ભરીને મૂળી છોડી જાય…!’‘તારાં સ્ત્રી ચરિત્ર, મારે અજમાવવાં નથી બાઇ!’‘બાપુ! સમજું છું. શ્રીપાલ આગળ મારાં સ્ત્રી ચરિત્ર ચાલે એમ પણ નથી, પરંતુ બીજો ઇલાજ કહું?’ અને રાજવીએ હકારમાં માથું ધુણાવ્યું કે બાંદીએ હળવેકથી ઇલાજ સૂચવ્યો. પરમાર રાજવી ખુશીપાસ ઝૂમી ઊઠ્યા.

ખિસ્સામાંથી બે સોનામહોરો કાઢીને વડારણને આપી: ‘ધન છે તારી બુદ્ધિને…’ વળતો દિવસ ઊગ્યો. કચેરીમાં સમયસર કામદાર શ્રીપાલ શેઠ આવ્યા…‘જુઓ કામદાર!’ રાજવીએ કામદારને અવાજમાં દુ:ખ ભરીને ‘તમારા માટે અમારા રાજવીઓ મેણાં મારે છે કે મૂળીનો કામદાર તો માત્ર હીંગતોલ છે. એનામાં મર્દાનગી નથી. શૌર્ય નથી…’ તમારી જેવા બહાદુર રાજવીને કારભારી માત્ર વણિક છે.શ્રીપાળ શેઠ હસ્યા, ‘તે એમાં ખોટું શું છે બાપુ!’‘ખોટું જ ને?’ રાજવીનો ચહેરો ફોદા ફોદા થઇ ગયો: ‘મારો કામદાર તો ધુંઆધાર જોઇએ. સમય આવે તલવાર ઉપાડે, વિપતની વેળાએ તોપના કાનમાં ખીલા ઠોકી દે અને કાં તો સિંહનો કાન પડકે.’‘રાજવીને આજ ગમ્મત સૂઝી?’ શ્રીપાલ શેઠ હસ્યા.

‘ના… લડાઇ તો હમણાં નથી શેઠ! રાજવીએ વણિકને ભીંસમાં લીધો.’ પણ મારે તમારાં પારખાં કરવાં છે… બીજું કાંઇ નહીં. તમે માંડના ડુંગરમાં સાવજ (સિંહ) છે. મને એનો કાન પકડીને લાવી ધ્યો.’‘સમય આવવા દો બાપુ! મારા માંડવરાય દાદાનો હુકમ અને દયા હશે તો કરી દેખાડીશ.’‘રહેવા દો શ્રીપાલ શેઠ! વાણિયાગત કરો મા… મારે તો આવતીકાલે સવારે તમારા શૂરવીરપણાની સાબિતી જોઇએ. તમે સાવજને પકડીને આવો, પછી જ રાજ દરબારમાં આવજો. અને સાંભળો, જો તમે આ કામ કરી દેખાડવામાં વિલંબ કરશો તો મૂળીમાંથી તમારા ઉચાળા બંધાવીશ.’

‘ભલે બાપુ! આપની આજ્ઞા માથે ચડાવું છું.’ કહીને શ્રીપાલ શેઠ ગયા. ઘેરથી અન્નજળ લીધા વગર એ પાસર્યા માંડવરાયના મંદિરે જઇને બેસી ગયા. માંડવરાય દાદા! આજ મારી શ્રદ્ધા અને તમારા દેવપણાની કસોટી છે. મેં જો ન્યાય અને ધર્મથી પ્રજાની સેવા કરી હોય તો તમે મારી પત રાખજો…. મારું પદ જાય એનો અફસોસ નથી પણ માનહાનિ સાથે મૂળી છોડવું પડે, એ મરણ કરતાં બૂરી દશા છે! અને દાદા! આપના પ્રતાપે તો હું આ કીર્તિ પામી શક્યો છું… દયા કરો.’

‘શ્રીપાળ! મારા મંદિરની પાછળ કાલે વહેલી સવારે આવજે.’ માંડવરાયના મંદિરમાંથી ગેબી અવાજ આવ્યો. ‘સિંહ ઊભો હશે તું એના કાન પકડી લેજે. ડરીશ મા મારી ઉપર શ્રદ્ધા રાખજે….’ ચરણમાં માથું નમાવીને માંડવરાયના ઉપાસક એવા શ્રીપાલ શેઠ ઘેર આવ્યા…વળતા દિવસનું ભળડકું થયું… શ્રીપાળ શેઠે મંદિર પાછળ સિંહ જોયો… માંડવરાયનું નામ લઇને એનો કાન પકડ્યો.

બકરી જેવો થઇને વનરાજ શ્રીપાલની પાછળ ચાલી નીકળ્યો. પરમાર રાજવી પરબતસિંહના રાજમહેલમાં વહેલી સવારે સિંહની ડણક ઊઠી…! ગઢના કાંગરા ધ્રુજી ઊઠ્યા… મહેલના ચક થથરી ઊઠ્યા. આખો રણવાસ ભય અને આતંકથી કંપી ઊઠ્યો. પરબતસિંહ કૂદીને પથારીમાંથી જાગી ઊઠ્યા. જુએ છે તો આંગણામાં શ્રીપાલ શેઠ સિંહનો કાન પકડીને ઊભા છે!‘પધારો રાજન!’ શેઠ બોલ્યા: ‘નીચે આવો… વનરાજનો કાન તમારા હાથમાં તો સોંપું…!’‘ના ના… શેઠ!’ રાજવીના પગલેથી કાંકરીઓ ખસવા માંડી. ‘સાવજને છોડી મૂકો. એ તો નરસંગ ગણાય જ. એના અપમાન મારે નથી કરવાં.’

‘તો મારી કસોટીનો જવાબ આપો. બાપુ?’‘તમારી કસોટી પૂરી થઇ શ્રીપાલ શેઠ!’‘બાપુ આજથી મૂળીના મારા અન્નજળ પણ પૂરાં થયાં.’ શેઠનો સ્વર ધ્રૂજયો. ‘આજ તો મારી લાજ મારા માંડવરાય દાદાએ રાખી પણ ભવિષ્યમાં આપના મનમાં વળી પાછું કાંક ભુસું ભરાય તો મારું મોત બગડે.’‘શેઠ! એવું કાંઇ નથી.તમારે શા માટે મૂળી છોડવું?’‘બાપુ! જ્યાં સુધી આપના દિલમાં મારા માટે આદર હતો ત્યાં સુધી વહીવટ કર્યો, પણ હવે મારાથી નહીં રહેવાય.’ શેઠે હાથ જોડ્યા ‘બોલ્યું ચાલ્યું માફ કરજો બાપુ!’ અને એ જ રાતે શ્રીપાલ શેઠે પોતાનું વાસીંગણ બદલવા માટે કુટુંબ સાથે મૂળી છોડ્યું…

(નોંધ: આ કુટુંબમાંથી કેટલાક કબીલા સોરઠમાં અને કેટલાક ગોહિલવાડમાં આવીને વસ્યા… પૂર્વજોના કારભારપણાને કારણે આ પટેલો તરીકે ઓળખાય છે. જૈન હોવા છતાં પણ અટક પટેલ લખાય છે.)

તોરણ – નાનાભાઈ જેબલિયા

Facebook Comments
error: Content is protected !!