વાળા ની રખાવટ

“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી.

“એ માળા, જરા હળવેથી બોલ્ય. ઓરો આવીને કહે શું વાત છે?” પૃથ્વીરાજે ભરવાડને ઢૂકડો બોલાવી પૂછ્યું.
“બાપુ, આવું ક્યાં સુધી ચાલે? કાલ એક દી’માં કવિરાજે ત્રણ ભેંસો બદલાવી. એકેય માં સરખું આવતું નથી, સવારે લઈ ગયા એ ભેંસ ‘કાળપૂછી” છે એમ કહી કાઢી મૂકી. બીજી મોકલાવી તો તેનું દૂધ ઓછું થયું. ત્રીજી ભેંસ ખાંપળા શીંગવાળી છે તેમ કહી ન રાખી. મેં કહ્યું “કવિબાપુ, જેવી રૂડી લાગે તેવી ભેંસ હાંકી લ્યો. “તો કહે “તારા બાપુ ના ખાડુ માં કોઈ ભેંસ જ ક્યાં છે? બધા ટોડા જ ભેળા કર્યા છે” મને એમ થયું કે કવિરાજ ને સંભળાવી દઉં કે એક તો માંગી ને ખાવું છે ને ઉપર થી મિજાજ રાખવો છે? પણ તમારી બીકે હું ન બોલ્યો.”

“ન બોલ્યો ઈ સારું કર્યું. એ તો આપણા કવિરાજ છે. એ જેમ કહે તેમ કરવું જોઈએ.”
“પણ બાપુ, આવા લાડ તો તમારા રાજ માં પોસાય. બીજા કોઈ બાંડી બકરીયે દોહવા ન આપે.”
“લે હવે રાખ રાખ. બહુ આવળો નહિ તો! અને જોજે આ વાત બીજા કોઈને કહેતો નહિ અને કવિરાજ જે કહે ઈ ભેંસ હાંકી દેજે.”
પૃથ્વીરાજે ભોળા ભરવાડ પર મીઠું હસીને કાઢી મુક્યો. પણ મન માં થયું કે કવિરાજ જો આમ આળવીતરાઈ કરશે તો શે નભશે?

રાજસ્થાન-મારવાડ માં થી અચલદાસ મીસણ એક કુટુંબ કચ્છ મુળી થઇ કેટલાક વખત મોરબી સ્થિર થયેલું. કુટુંબ ના વડેરા હતા જીવો મીસણ અને વિસો મીસણ. મોરબી માં ઠા. પૃથ્વીરાજજીએ આ જીવા મીસણને પોતાના કવિપદે રાખેલા. જીવો મીસણ ભારે હઠીલા સ્વભાવના. આમ પણ મીસણ કુળ પહેલેથીજ જરાક ગરમ સ્વભાવનું તો ખરૂં જ. મીસણ અંગે એક દંત કથા હાલી જ આવે છે.

કહે છે કે એક વાર ભગવાન શંકર હરદાસ મીસણનું બ્રહ્માપુરાણ સાંભળવા સાક્ષાત આવેલા પણ તે બાવા ના વેષ માં હતા. સામાન્ય માણસ ને કવિતા ન સંભળાવવાની ખુમારી ધરાવનારા હરદાસ મીસણે શંકર ને બાવો સમજી ને કાઢી મુક્યો. બાવાજીએ કહ્યું ” અચ્છા તેરી મરજી” કહી ત્યાંજ અંતરધ્યાન થયા. હરદાસ મીસણ ને પસ્તાવો થયો કે ભારે થઇ. હઠ કરીને બેઠા કે ભગવાન શંકર બ્રહ્મપુરાણ સાંભળે તો જ હા નહિતર મારો દેહ પાડી નાખું.

નભોવાણી થઇ કે “ભગત હવે ઘણું મોડું થઇ ગયું, પણ તમે મારા ગુણ ગાયા છે માટે સામે ઉભા રહીને નહિ પણ અદૃશ્ય રહી હોંકારા દઈશ. મારા વેણ નો તે અનાદર કર્યો તેથી તારા કુળ માં વિદ્વાન થશે પણ તે અર્ધા ગાંડા થશે.” આવો આશીર્વાદ મીસણો ને શંકરે આપ્યો છે.

આવા મીસણ કુળ માં કહાનદાસ મીસણ ના જીવો મીસણ થયા. મોરબી પૃથ્વીરાજ ના રાજ માં જીવા મીસણ ના માથે એક ફુલ ચડે ને એક ઉતરે. કોઈ વાતે કવિરાજને કમી આવવા ન દે. રહેવા એક ઓસરીએ ચાર ઓરડાવાળા ધૂંધીબાર મકાન. રાજના કોઠાર નું અનાજ કવિરાજ ની કોઠીઓ માંથી ઓછું ન થતું. બે દૂઝણી ભેંસો આખા ખાંડું માંથી લઈ જવાનો જીવા મીસણને પરવાનો હતો. ગોવાળે પૃથ્વીરાજ ને કહેલી વાત થાતા થાતા ઠેઠ જીવા મીસણ ને કાને આવી. એ ફાટેલ પિયાલા ના કવિ ના રૂંવાડા સમસમી ગયા. સવાર માં કચેરી માં આવીને પૃથ્વીરાજજીને વેણ ના બાણ થી જુડી નાખ્યા: “બસને બાપ એક ભૂખલી ભેંસ માં ય તારો જીવ નપાણીયો થયો? તઈ તારાથી બીજું શું અપાય? મારા છોકરા તારી ડોબડી નું ટીપું દૂધ ખાય છે તે તારી આંખ માં ખટક્યું? ઠાકોર, બીજાની જેમ મારા થી તારા ગોલાપા નહીં થાય. તારી હા એ હા અને ના એ ના કરૂં એવો ચારણ હું નથી. ક્ષત્રિય તો દાને અને વીરતાએ વખણાય. મોટા મોટા મકરબા ચણાવ્યે કીર્તિ ન વધે.”

vala-ni-rakhavat

“પણ મારી વાત તો સાંભળો, કવિરાજ, આમ અથરા કાં થાવ?”
“રાજા ઉઠીને જે દિ’ કાચા કાનનો થશે અને રાજા ના ચાકર રાજને શીખામણ દેવા લાગશે ત્યારે ત્યાં ચારણોના આસન સમેટાઈ જશે. ઠાકોર મેં બધું સાંભળ્યું છે.” ખીજાયેલા જીવા મીસણે ગળા માં પહેરેલા સાચા ગંઠા અને મોતીની માળા તોડી પૃથ્વીરાજ સામે ફગાવી દીધી અને કહે: “આ લે આમાં તારો જીવ રહી જશે તો મને ગળા માં સરપ થઈને કરડશે.” વંટોળિયા ની જેમ જીવો મીસણ આવેલા એમ જ જતા રહ્યા. પૃથ્વીરાજજી ને કાંઈ પણ બોલવાનો સમય રહેવા ન દીધો. ચારણો ની અકોણાઈ પૃથ્વીરાજે કોઈ દિ’ નહીં વેઠેલી એટલે મન માં દુઃખ થયું.

જીવો મીસણ મોરબી મૂકીને કાઠી ના જેતપુર આવ્યા, તે દિ’ “બાર ભાઈઓની ડેલી’ ડાયરાની ભીંસે હીહકતી હતી. બાર ખોળીયા સોંસરવા એક જ જીવ હોય એમ જેતપુર ભાઈઓના હેતની ગાંઠો વળી ગઈ હતી. ઊતારીને માથા દે એવા વાળા ભાયાતો થી જેતપુર રૂડું દિસતુ હતું. પહેલેથી જ વાતો ના રસિયા એવા વાળાભાઈઓને ડેલી એ એકાદ વાર્તાકાર ન હોય તો રાતે વાળુ ન ભાવતું.

એમાં આ પહાડી વાર્તાકાર જીવો મીસણ જેતપુર ના મહેમાન થયા. એ મારવાડી ચારણ ના ઝાઝા સન્માન થયા. સહુએ જીવા મીસણ ને બાથ માં ઘાલી હૈયા ના હેતે આવકાર્યા. વાળાભાઈઓ ની રીત પ્રમાણે ૨-૩ દિ’ તો કવિરાજને વિસામો ખાવા દીધો. પણ ચારણ નો જીવ છે તે ‘રત્ય આવે ના બોલીએ તો હૈયા ફાટ મરાં.’ આવો દરિયાદીલ ડાયરો જોઈને કવિને હૈયા માંથી વાતોની લહેરો જીભને ટેરવે અથડાવા માંડી.

સવારની કચેરી માં એકાદ ધોબો અફીણ અને હોકાની એક સટ લે ત્યાં જીવા મીસણ ની જીભ સળવળવા લાગે. તરત જ સામેથી અવાજ આવે; “હા કવિરાજ, હમણાં નહીં. હજી તમે થાક્યા-પાક્યા છો. બાપ, ઘણા આઘે થી આવો છો. થોડાક દિ’ આરામ કરો. પછી તો તમને નવતર ચારણને સાંભળવા આ અમારો ડાયરો થનગને છે.” આમ જીવા મીસણ ને કાઠી ડાયરાએ એક અઠવાડિયું ખમા ખમા કરી રાખ્યા.

જીવો મીસણ ડાયરામાં બેસતા એટલી ઘડી એનો જીવ કોળ્ય માં રહેતો. જેવા ડાયરામાં થી ઉઠી પોતાના ઘરે જતા કે તરત વિચારે ચડી જતા. ૨૦ માણસોના બહોળા કુટુંબ ને સાવ નોંધારૂં મૂકી એકજ ઝાટકે પૃથ્વીરાજ સાથેનો સંબંધ તોડીને આવતા રહ્યા તેનું મન માં ભારે દુઃખ થતું હતું. “માતાજી.. માતાજી” કરતા જીવો મીસણ અડધી રાત સુધી જાગતા પડ્યા રહેતા.

દરમિયાન વાળા દરબાર ના ચકોર માણસોએ કવિરાજ મોરબી થી જેતપુર કેમ વયા આવ્યા એની વિમાસણ જાણી લીધી. આ ચારણ ભેંસોની વાત માં થી મોરબી છોડી ને વયો આવ્યો છે તે વાત જેતપુર ભાઈઓને કાને પહોંચી ગઈ.

એક દિ’ સવારે વાળા દરબારો ની ડેલી માં એકસો ભેંસો નું ખાડુ ટલ્લા દેતું ઉભું છે. એક એક થી ચડિયાતી એક નહિ એકસો ભેંસો ડેલી સામે રણકાટા દેવા માંડી. ચારણ નો જીવ રૂડી ભેંસોને જોઈ ખલબલી ઉઠ્યો. જીવો મીસણ ડેલી ના ખાના માં થી અરધા ઉભા થઇ ભેંસોને જોઈ રહ્યા. ‘વાહ કુઢિયું.. વાહ હાથણીયું..’ કહેતા કહેતા રહી ગયા.

“કાં, કવિરાજ, ભેંસો કેવી?” એક દરબારે ટહુકો કર્યો.
“અરે બાપ, એ વાત પૂછો માં. આને સુંઢયું ચોટાડી હોય તો મદરાંચળ ની હાથણીયું લાગે. એની વાત થાય?”
“તો ફેરવી લ્યો એ સંધિયું ય માથે હાથ, કવિરાજ ! સૂરજદાદો તમને આપે છે.”
“હેં!” જીવા મીસણ ના મોઢામાં થી આટલુ જ બોલાયું.
“હા હા, હવે વાર લગાડો માં, હા કહી દ્યો એટલે આ ગોવાળો બચાડા પંથે પડે. મોરબી કાંઈ થોડી ઢૂકડું છે? આ બચાડીયું સોરઠ ધરતી માં ટાઢેછાયે ઉછરેલી તડકા ખાતી માંડ ૧૫ દિ’ એ મોરબી પહોંચશે.

જીવા મીસણ, વાળા કાઠીઓની ચતુરાઈ ને આવડત પર ઓળઘોળ થઇ ગયા: “વાહ સૂરજ ના પોતરા, ભલે તમને ભગવાને આ ધરતી પર મોકલ્યા. તમે ન હોત તો ચારણો ના હૈયાની વાત કોણ ઉકેલત? પણ બાપુ, આટલી બધી ભેંસો હું બાંધું ક્યાં?

મારૂં ઝૂંપડું તો સાંકડું છે”. કોઈ દિ’ નહીં ને આજ જીવા મીસણ ની જીભ થોથરાવા લાગી. વાળા દરબારોના અણધાર્યા દલગજાએ એના હૈયાને ઓગાળી સાવ હેમાળા રોખું કરી નાખ્યું હતું.

“એ સાંકડા ઝુંપડાનું ય થઇ રહેશે. પહેલા આ ભેંસોને તો વધાવો!” એક દરબારે જીવા મીસણની બીજી ચિંતા પણ પકડી પાડી.
લાગણીના પૂરમાં તણાયે જતા જીવા મીસણને વાળા કાઠી ની વાત માં વધારે સમજ ન પડી. ભેંસો પર હાથ ફેરવી ગોવાળો ને કહે: “આમાં થી સારી સારી ભેંસો ગોતી ઠા. પૃથ્વીરાજજીને આપજો ને વધે એ બે-બે પાંચ-પાંચ હજુરીયા અને ગોવાળોને વહેંચી દેજો. પૂછે તો કહેજો કે જીવા મીસણે બક્ષીશ કરી છે.”
બીજા દિવસની સવારે કાઠીની ડેલીએ જીવા મીસણે વાર્તા માંડી. મોરલી માથે નાગ ડોલે એમ જેતપુર ભાઈઓ જીવા મીસણ ની વાર્તા પર ડોલવા લાગ્યા. ગિરના સાવઝ ના ગળાના ઘુઘવાટ જેવી ઘૂઘવતી વાર્તા પૂરા એક મહિના સુધી જીવા મીસણે કરી.

એક મહિનાને આઠ દિ’ની મહેમાનગતી માણી જીવા મીસણ ને એક દિ’ જેતપુર ભાઈઓની રજા લેવા ઉતાવળા ગયા, પણ તેમ તેમ તો જેતપુર ભાઈઓ બમણા હેત થી કવિરાજને રોકે છે. મરદ ના ફાડિયા જેવા જીવા મીસણ ની આંખ માં રજા માગતી વખતે વાળાભાઈઓએ ઝળઝળિયાં જોયા ત્યારે માંડ માંડ રજા આપી. પણ જતા જતા એક દિ’ વધારે રોકાઈને બાવાવાળાએ પોતાની સાપર ગામની સાંઠ સાંતી ની જમીન આપવા કૉલ દીધો.

કવિરાજ ના મુખમાંથી “મારૂં ફળિયું સાકડું છે” એમ બોલાઈ ગયું હતું તે વેણને સાઠ સાંતીનો ગરાસ આપીને વાળાભાઈઓએ જીવા મીસણ ના મુખ માં પાછું ધકેલી દીધું. જીવા મીસણથી જેતપુર ભાઈઓના વખાણના બે શબ્દ બોલી શક્યા નહીં. લાગણીવશ બનીને જીવા મીસણે વાળા દરબારો ની ડેલીએ થી રજા લીધી ત્યારે જીવા મીસણ ની કાળી ડિબાંગ દાઢી માથે હેતના આંસુડા ઝળકતા હતા.

 લેખકઃ દાદુભાઇ પ્ર. ગઢવી
☀ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન ☀
⚔ ? ? ? ⚔
 જ્ય કાઠીયાવાડ 

 

error: Content is protected !!